મસ્ક-ટ્રમ્પની લડાઈ વચ્ચે Xને ફાયદો: ઍપ્લિકેશન ડાઉનલોડ અને એક્ટિવ યુઝર્સમાં વધારો
Elon-Trump Fight Helps X: ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની લડાઈના કારણે સોશિયલ મીડિયા Xને નોંધપાત્ર ફાયદો થયો છે. આ ઍપ્લિકેશનના ડાઉનલોડમાં વધારો નોંધાયો છે, તેમ જ એના એક્ટિવ યુઝર્સની સંખ્યા પણ વધી છે. મસ્ક-ટ્રમ્પની ટકરામણ વિશ્વવ્યાપી ચર્ચાનો વિષય બની છે, જેના કારણે અમેરિકા સહિત અનેક દેશોના યુઝર્સ આ વિશે વધુ જાણવા Xનો ઉપયોગ કરી રહ્યા છે.
ડાઉનલોડમાં નોંધપાત્ર વધારો
સેન્સર ટાવર કંપનીના ડેટા પ્રમાણે, Xની ડાઉનલોડ રેંકિંગ અમેરિકાના એપ સ્ટોરમાં ઝડપથી ઉછળ્યું છે. છેલ્લા 30 દિવસમાં Xનો એવરેજ રેંકિંગ 68 હતો, જે જૂન 5ના રોજ સીધો 23મા ક્રમ પર પહોંચી ગયો. આ સાથે, ગૂગલ પ્લે સ્ટોરમાં પણ Xની પ્રગતિ નોંધપાત્ર રહી, જેમાં છેલ્લા સાત દિવસમાં Xએ 20 ક્રમ, અને 30 દિવસમાં 16 ક્રમની વૃદ્ધિ નોંધાવી.
જૂન 5ના રોજ એક્ટિવ યુઝર્સમાં 6% વધારો જોવા મળ્યો હતો, જે બપોરે 2:00થી 6:00 વચ્ચે X પરની એક્ટિવિટી 54% વધી હતી. આ વૃદ્ધિ મુખ્યત્વે ટ્રમ્પ અને મસ્કની ચર્ચાઓના કારણે હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પના Truth Social પર પણ વધારો
ડોનાલ્ડ ટ્રમ્પનું પોતાનું Truth Social પ્લેટફોર્મ છે, જે Xની સાથે વધુ એક્ટિવ બન્યું છે. સેન્સર ટાવર અનુસાર, છેલ્લા સાત દિવસની સરખામણીએ Truth Social પર એક દિવસમાં 400% વૃદ્ધિ નોંધાઈ. તેમ છતાં, Truth Socialની સરખામણીએ X એક ઘણું મોટું અને વધુ લોકપ્રિય પ્લેટફોર્મ છે.
મસ્કની જાહેરમાં ટિપ્પણી કરવાની ટેવ X માટે લાભદાયક
કોર્નેલ યુનિવર્સિટીના ટેક પોલિસી ઇન્સ્ટીટ્યુટની ડિરેક્ટર સારાહ ક્રેપ્સ કહે છે, “સોશિયલ મીડિયા X વ્યક્તિગત પર્સનાલિટી દ્વારા ચાલતું પ્લેટફોર્મ છે. મસ્કના હાઇ-પ્રોફાઇલ ઇશ્યુને કારણે તેના પર વધારે એન્ગેજમેન્ટ જોવા મળી રહ્યું છે. કદાચ આ સમયાંતરે ઘટશે, પરંતુ હમણાં એક્ટિવિટી વધી છે. X પર કોઈપણ વિવાદ ભડકે, તે ટ્રાફિકમાં વધારો લાવે છે."