મસ્કે માની ભારતની ખાસ શરત: સેટેલાઇટ ઇન્ટરનેટ માટે યુઝર્સના ડેટા હવે દેશની અંદર જ સુરક્ષિત
Starlink Accept Government Condition: ઈલોન મસ્ક દ્વારા ભારતમાં પોતાની ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે સરકારની ખાસ શરત માનવામાં આવી છે. તેની સ્ટારલિંક કંપની બહુ જલ્દી ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ માટે ચોક્કસ તારીખ તો આપવામાં નથી આવી પરંતુ એ માટેની છેલ્લી તૈયારી ચાલી રહી છે. આ માટે ભારત સરકાર દ્વારા એક શરત રાખવામાં આવી હતી.
શું રાખવામાં આવી હતી શરત?
આ શરત યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે હતી જેને ઈલોન મસ્ક દ્વારા માની લેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર સરકાર દ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટારલિંકે ભારતીય યુઝર્સના તમામ ડેટાને દેશમાં રાખવાની શરત માની લીધી છે. આ ડેટાને અને ટ્રાફિક સાથે જોડાયેલી કોઈ પણ સર્વિસને બહાર એટલે કે અન્ય દેશના સર્વર પર મોકલવામાં નહીં આવે.
સ્ટારલિંકને મળ્યું UL લાયસન્સ
સ્ટારલિંકને યુનિફાઇડ લાયસન્સ (UL) આપી દેવામાં આવ્યું હોવાની ચર્ચા છે. સ્ટારલિંક દ્વારા સરકારની તમામ શરતો અને નિયમોને માની લેવામાં આવી છે. ભારત સરકારનું સૌથી વધુ ધ્યાન દેશ અને એના લોકોની પ્રાઇવસી પર છે. જો યુઝર્સના કોઈ પણ ડેટા સાથે છેડછાડ કરવામાં આવશે તો એ સ્ટારલિંકને ખૂબ જ મોંઘું પડી શકે છે.
ભારતમાં બનાવવામાં આવશે અર્થ ગેટવે સ્ટેશન
ડૉ. પેમ્માસાની ચંદ્રશેખર દ્વારા સંસદમાં સેટેલાઇટ ઇન્ટરનેટ વિશે મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે. તેમના મુજબ સ્ટારલિંકના અર્થ સ્ટેશન ગેટવેને ભારતમાં જ બનાવવામાં આવશે. ભારતમાં આવનારું અથવા તો ભારતની બહાર જનારું દરેક ટ્રાફિક ભારતમાં બનાવવામાં આવેલા ગેટવેમાંથી જ પસાર થશે. ભારતની બહાર આવેલા ગેટવે સ્ટેશનમાંથી એ પસાર નહીં થાય. આથી ભારતના કોઈ પણ યુઝર્સના ડેટા ભારતની બહારના કોઈ પણ સર્વર પર સ્ટોર નહીં કરી શકાય. યુઝર્સના ડેટાને કોપી કરવા અથવા તો એને દેશની બહાર મોકલવા માટેની પરવાનગી કંપનીને નથી આપવામાં આવી.
ઇન્ટરનેટની કિંમતને લઈને હજી પણ સસ્પેન્સ
સ્ટારલિંક તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે આ સર્વિસનો ઉપયોગ કરવા માટે કેટલી રકમ ચૂકવવી પડશે એ હજી પણ જાહેર કરવામાં નથી આવ્યું. સરકાર દ્વારા પણ આ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી. થોડા સમય પહેલાં એક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે એક મહિના માટે ₹810ના પ્લાનથી એની શરૂઆત થશે. જોકે આ સર્વિસ માટેનો સૌથી મોટો ખર્ચ એની કિટ છે. સેટેલાઇટ ઇન્ટરનેટ માટેની કિટ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ₹30,000 અને ₹40,000ની વચ્ચે મળે છે. આથી ભારતમાં મોટાભાગના લોકો માટે એને ખરીદવું મુશ્કેલ હશે. આ સર્વિસ માટે સબસિડી આપવામાં આવશે એવી ચર્ચા છે. જોકે એ ન મળે તો એની કિંમત વધી શકે છે.