Get The App

બ્લેક હોલની ટક્કર બાદ બ્રહ્માંડનો રહસ્યમય અવાજ: આઇન્સ્ટાઇનની 100 વર્ષ જૂની થિયરી હવે સાબિત થઈ

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
બ્લેક હોલની ટક્કર બાદ બ્રહ્માંડનો રહસ્યમય અવાજ: આઇન્સ્ટાઇનની 100 વર્ષ જૂની થિયરી હવે સાબિત થઈ 1 - image


Black Hole Collides: બ્રહ્માંડમાં જ્યારે બ્લેક હોલ વચ્ચે ટક્કર થાય છે ત્યારે વિજ્ઞાનીઓ દ્વારા એક વિચિત્ર પ્રકારનો અવાજ સાંભળ્યો છે. આથી 100 વર્ષ પહેલાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા જે દાવો કર્યો હતો એ હવે સાચો પડ્યો છે. બ્રહ્માંડમાં જ્યારે બે બ્લેક હોલ વચ્ચે ટક્કર થાય છે ત્યારે ખૂબ જ મોટી ઘટના ઘટે છે. આ ઘટના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે એ સમયે એમાંથી ઘણી તરંગો અંતરિક્ષમાં ફેલાય છે. એના દ્વારા જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે એને ગ્રેવિટેશનલ વેવ્સના નામે ઓળખવામાં આવે છે. જોકે હવે વિજ્ઞાનીઓએ એક એવી શોધ કરી છે જે દરેકને ચોંકાવનારી છે. તેમણે આ તરંગોની પાછળ રહેલી એક ધીમી અવાજને શોધી કાઢી છે. એને ‘લેટ-ટાઇમ ગ્રેવિટેશનલ વેવ ટેલ્સ’ તરીકે ઓળખવામાં આવી રહી છે.

આ શોધ એટલા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ જ સુધી આ એક થિયરી હતી. પહેલી વાર વિજ્ઞાનીઓ દ્વારા તેમની આંખોથી સિમ્યુલેશનમાં જોયું હતું. આ અવાજથી જાણવા મળે છે કે આ ટક્કર બાદ સ્પેસ-ટાઇમ કેવી રીતે પોતાની જગ્યાએ પાછું આવે છે. આ શોધ પર 20 વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું હતું અને એ આઇન્સ્ટાઇનના દાવાને પણ ખરું સાબિત કરે છે.

બ્લેક હોલની ટક્કર બાદ સ્પેસમાં જે અવાજ થાય છે એ પાછળનું રહસ્ય  

બે બ્લેક હોલ વચ્ચે જ્યારે ટક્કર થાય છે ત્યારે એક ઘંટીનો જેવો અવાજ થાય છે. એમાંથી જે અવાજ નીકળે છે એ ખૂબ જ જોરમાં હોય છે. એ સ્પેસ-ટાઇમને પોતાની તરફ ખેંચે છે અને સંકોચે છે. જોકે ઘંટી વાગ્યા બાદ જે ધીમી અવાજ સાંભળવા મળે છે એવી જ રીતે બ્રહ્માંડમાં પણ આ અવાજ બાદ એક ધીમો અવાજ સાંભળવા મળે છે. એને વિજ્ઞાનીઓ વેવ ટેલ્સ કહે છે. વિજ્ઞાનીઓ મુજબ આ અવાજ ખૂબ જ સુંદર હોય છે. એને ઓળખવું ખૂબ જ મુશ્કેલ કામ હતું કારણ કે ગ્રેવિટેશનલ વેવ કરતાં આ ખૂબ જ નબળી હોય છે. જોકે વિજ્ઞાનીઓ દ્વારા એને સિમ્યુલેશનમાં ખૂબ જ સાફ રીતે જોઈ છે.

બ્લેક હોલની ટક્કર બાદ બ્રહ્માંડનો રહસ્યમય અવાજ: આઇન્સ્ટાઇનની 100 વર્ષ જૂની થિયરી હવે સાબિત થઈ 2 - image

આ અવાજથી ખુલશે બ્રહ્માંડનું રહસ્ય?  

ગ્રેવિટેશનલ વેવમાં ઘણાં ડેટા હોય છે. એનાથી બ્લેક હોલ વિશેની માહિતી મળે છે. જોકે આ નવો અવાજ વધુ માહિતી આપે છે. આ અવાજ એ દરેક વિસ્તારની માહિતી આપે છે જ્યાંથી આ અવાજ પસાર થઈ હશે. આ બ્રહ્માંડ વિશેની ઘણી મહત્વના ડેટા આપે છે. વિજ્ઞાની મરીના ડી એમિસિસ દ્વારા આ પાછળ કામ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આ વેવ ટેલ્સ ખૂબ જ રસપ્રદ છે. આ એક ફ્રીક્વન્સી પર કામ નથી કરતી. આ ઘણાં અવાજોનું એક મિશ્રણ છે. સ્પેસ-ટાઇમ શાંત થઈ રહ્યું હોય એનું આ સિગ્નલ છે. એનાથી સ્પેસ વિશેની ઘણી માહિતી જાણી શકાશે.

વિજ્ઞાનીઓએ આ ખૂબ જ મોટો અવાજ ધરાવતી ટક્કરને કેવી રીતે શક્ય બનાવી?  

ધીમા અવાજને સાંભળવું ખૂબ જ મુશ્કેલ હતું. આ માટે વિજ્ઞાનીઓ દ્વારા એક ઉપાય અજમાવવામાં આવ્યો હતો. તેમણે કમ્પ્યુટર પર બ્લેક હોલની ટક્કર કરાવી હતી. તેમણે જાણી જોઈને આ ટક્કરને ખૂબ જ મોટો અવાજ ધરાવતી બનાવી હતી. બ્લેક હોલ સામાન્ય રીતે અંતરિક્ષમાં ફરતાં-ફરતાં એકમેક સાથે ટક્કરાય છે. જોકે સિમ્યુલેશનમાં તેમની વચ્ચે સીધી ટક્કર કરાવવામાં આવી હતી. બે કાર જે રીતે સામ-સામે ટક્કરાય છે એ જ રીતે આ બ્લેક હોલ વચ્ચે ટક્કર કરાવવામાં આવી હતી. એના દ્વારા જે ધમાકો થયો એ ખૂબ જ મોટો હતો. આ મોટા અવાજની વચ્ચે એક ધીમો અવાજ પણ સાંભળવા મળ્યો હતો. વિજ્ઞાની લિયો સ્ટેન મુજબ આ અવાજ તેમણે પહેલી વાર સાંભળ્યો છે. એનાથી ભવિષ્યના રિસર્ચ માટે તેમને એક નવો રસ્તો મળ્યો છે.

વાસ્તવમાં બ્લેક હોલ વચ્ચે સીધી ટક્કર થઈ શકે છે?  

સિમ્યુલેશનમાં બે બ્લેક હોલને સામ-સામે ટક્કરાવવું સરળ છે. જોકે વાસ્તવમાં આ રીતે બ્લેક હોલ ટક્કરાય એ થોડું મુશ્કેલ છે. બ્લેક હોલ મોટાભાગે એકમેકની ફરતે ચક્કર કાપતાં હોય છે. તેઓ એકમેકની આસપાસ આવે છે અને અંતે એક થઈ જાય છે. તેમની વચ્ચે સીધી ટક્કર થવાની સંભાવના નહીંવત છે. જોકે વિજ્ઞાનીઓને ડેટા માટે એની જરૂર હતી. આથી તેમના દ્વારા આ માટે મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીન હવે એકદમ ધીમી અવાજને પણ ખૂબ જ સારી રીતે ઓળખી શકે છે. આથી બ્લેક હોલ હવે જ્યારે ટક્કરાશે ત્યારે એની ધીમી અવાજને પણ શોધી શકાશે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયરી કેવી રીતે સાચી પડી?  

આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા 100 વર્ષ પહેલાં એક વાત કહેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સ્પેસ-ટાઇમ પાછો ફરી શકે છે. વિજ્ઞાનીઓ દ્વારા હાલમાં જે શોધ કરવામાં આવી છે એના આધારે આઇન્સ્ટાઇનની વાત સાચી છે. વેવ ટેલ્સ ત્યારે જ બને છે જ્યારે સ્પેસ-ટાઇમ પાછો ફરી શકતો હોય. સ્પેસ એકદમ ફ્લેટ હોય તો આ અવાજ ક્યારેય નથી બનતો. આથી આ વાતને સાચી પૂરવાર કરવા માટે 100 વર્ષનો સમય લાગી ગયો છે. વિજ્ઞાનીઓ હવે કહી રહ્યાં છે કે આઇન્સ્ટાઇનનું ગણિત એકદમ ચોક્કસ હતું.

આ પણ વાંચો: પેટ્રોલ કરતાં પણ ઝડપી ચાર્જ થશે કાર : ફક્ત 5 મિનિટમાં મળશે 400 કિલોમીટરની રેન્જ

આ શોધથી ભવિષ્યમાં શું ફાયદો થશે?  

અંતરિક્ષમાં વેવને પકડવા માટે લેઝર ઇન્ટરફેરોમીટર સ્પેસ એન્ટેના (લિસા) અને લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઓબ્ઝર્વેટરી (લિગો)નો ઉપયોગ કરવામાં આવે છે. આ બન્ને દ્વારા તમામ ડેટાનો સતત સંગ્રહ કરવામાં આવે છે અને એના દ્વારા તારણ કાઢવામાં આવે છે. હવે આ બન્ને સિસ્ટમને ખબર છે કે તેમણે આ ડેટામાં શું શોધવાનું છે. આ રિસર્ચમાંથી જે ડેટા મળશે એ ભવિષ્યમાં ખૂબ જ કામ આવશે. વિજ્ઞાનીઓ આ શોધ બાદ રિયલ ડેટામાં એ વેવ-ટેલની શોધ કરશે. એનાથી બ્રહ્માંડની ઉંમર અને એ કેવી રીતે બન્યું એની પણ માહિતી મળી શકે છે. વિજ્ઞાનીઓ હવે બ્લેક હોલની ગતિ પણ શોધવા માટે રિસર્ચ કરશે.