Get The App

ડિજિટલ અરેસ્ટથી કેવી રીતે બચવું? EDએ લોકોને જણાવ્યું કે સમન સાચું છે કે ખોટું કેવી રીતે જાણવું એ...

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ અરેસ્ટથી કેવી રીતે બચવું? EDએ લોકોને જણાવ્યું કે સમન સાચું છે કે ખોટું કેવી રીતે જાણવું એ... 1 - image


Stay Safe From Digital Arrest: એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હાલમાં જ લોકોને સમન સાચું છે કે ખોટું એ કેવી રીતે ઓળખવું એ વિશેની જાણકારી આપી છે. હાલમાં જ EDના નામના સમન મોકલીને કેટલાક લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરવામાં આવી છે. આ ખોટા સમન પણ જોવામાં સાચા હોય એવા જ લાગે છે. આથી શું સાચું અને શું ખોટું એ જાણવામાં તકલીફ પડી શકે છે.

ડિજિટલ અરેસ્ટ દ્વારા કવરામાં આવતાં સ્કેમમાં હવે EDના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. EDના અધિકારીના જણાવ્યા અનુસાર તેમના દરેક સમન સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. એના પર એક QR કોડ અને યુનિક પાસકોડ આપવામાં આવ્યા હોય છે. એના દ્વારા કોઈ પણ વ્યક્તિ ઓળખી શકશે કે તેમના નામ પર જે સમન મોકલવામાં આવ્યા છે એ નકલી છે કે સાચા. આ સમન પર જેણે એ મોકલ્યું હશે એ અધિકારીની સાઇન, સિક્કો, તેનો ઇમેલ આઈડી અને ફોન નંબર પણ હશે.

સાચું છે કે ખોટું કેવી રીતે ખબર પડશે?

સમનને તપાસ કરવાની બે રીત છે. આ માટે યુઝરે સૌથી પહેલાં QR કોડને સ્કેન કરવાનો રહેશે. એ સ્કેન કરતાં જ યુઝરને ખબર પડી જશે કે એ સાચું છે કે ખોટું. આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમન પર જે QR કોડ છે એને સ્કેન કરતાં જ મોબાઇલ પર EDની વેબસાઇટ ખુલશે. એ પેજ પર ED દ્વારા આપવામાં આવેલા પાસકોડને આપતાં જ તમામ જાણકારી યુઝર્સને મળી જશે. જોકે આ માટે એ પણ ધ્યાન રાખવું કે છેતરપિંડી કરનાર ED જેવી જ વેબસાઇટનો ઉપયોગ તો નથી કરી રહ્યો ને. જો સમન સાચા હશે તો ત્યાં અધિકારીનું નામ, તેમનો હોદ્દો અને તારીખ વગેરે જેવી દરેક વસ્તુ જોવા મળશે.

બીજો રસ્તો છે EDની વેબસાઇટ પર જઈને સમન ચેક કરવું. આ ઉપાય પણ ખૂબ જ સરળ છે. કેટલાક સ્ટેપને ફોલો કરીને સમન સાચો છે કે નહીં એ ચેક કરી શકાશે. આ માટે https://enforcementdirectorate.gov.in/ed-laravel/public/find/summon  પર જવાનું રહેશે. ત્યાં સમન નંબર અને પાસકોડ દાખલ કરવાનો રહેશે. EDના જણાવ્યા અનુસાર આ સમન જે સમયનો હોય એના 24 કલાક બાદ વેબસાઇટ પર ડેટા જોઈ શકાય છે. એમાં શનિવાર અને રવિવારે ડેટા અપલોડ નથી થતા.

સમન સિસ્ટમમાંથી ન હોય તો શું કરવું?

જે-તે વ્યક્તિને મળેલું સમન સિસ્ટમ પર ન હોય તો તે વ્યક્તિ એની તપાસ EDમાં ફોન કરીને કરી શકે છે. આ માટે તેની પાસે કોન્ટેક્ટ કરવાના ઘણાં વિકલ્પ છે. EDની ઓફિસમાં જઈ શકાય છે. ઇમેલ કરી શકાય છે. તેમ જ ફોન પણ કરી શકાય છે. આ માટે નીચેની વિગત પર સંપર્ક કરવાનો રહેશે.

નામ : રાહુલ વર્મા

હોદ્દો : આસિસ્ટન્ટ ડિરેક્ટર

એડ્રેસ : એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ, એ-બ્લોક, એન્ફોર્સમેન્ટ ભવન, એપીજે અબ્દુલ કલામ રોડ, નવી દિલ્હી - 110011

ઇમેલ : adinv2-ed@gov.in

ફોન : 011-23339172

આ પણ વાંચો: OpenAIના GPT-5ને પડકાર આપશે ગૂગલ: જેમિની 3 શું લાવશે ખાસ?, જાણો...

ડિજિટલ અરેસ્ટ એકમદ ખોટું છે, એ સરકાર દ્વારા કરવામાં નથી આવતું

ED દ્વારા સ્પષ્ટ માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે છેતરપિંડી કરનાર લોકો ડિજિટલ અરેસ્ટ અથવા તો ઓનલાઇન અરેસ્ટ કહીને લોકોને ડરાવી ધમકાવી પૈસા વસૂલ કરે છે. EDના જણાવ્યા અનુસાર એવો કોઈ સરકારી કાયદો નથી જેમાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવતી હોય. ED દ્વારા કરવામાં આવતું અરેસ્ટ સામ-સામે હોય છે, ઓનલાઇન નહીં. ED દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ પણ વ્યક્તિના સ્કેમમાં ફસાવવું નહીં. EDનો કોઈ પણ અધિકારી પૈસા માગે અને ધમકી આપે તો એ માટે નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો.

Tags :