ઈન્ટરનેટ જગતમાં ભૂકંપ: PHPમાં મોટો બગ આવતાં અમેરિકા-યુરોપે સરકારી વેબસાઈટ્સ કરી બંધ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Global Panic Over PHP Flaw: વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સ બનાવવા માટે વિશ્વભરમાં સૌથી વધુ વપરાતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ PHPમાં બે અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ (સિક્યોરિટી બગ્સ) સામે આવતાં વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે. આ જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુરોપના ઘણા દેશોએ સાવચેતીના ભાગરૂપે પોતાની સરકારી વેબસાઇટ્સ અને ઓનલાઇન પોર્ટલ્સ અસ્થાયી રૂપે બંધ (ઓફલાઇન) કરી દીધા છે. આ સ્થિતિની ગંભીરતા જોતાં અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) એ તાત્કાલિક ટેકનિકલ એડવાઇઝરી જારી કરીને તમામ સંસ્થાઓને સર્વર સુરક્ષિત કરવાની કડક સૂચના આપી છે.
શું છે PHP અને કેમ સર્જાયું આટલું મોટું જોખમ?
PHP એક લોકપ્રિય સર્વર-સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જેનો ઉપયોગ ઇન્ટરનેટ પરની મોટાભાગની વેબસાઇટ્સ, વેબ એપ્સ, યુઝર લોગિન, ડેટાબેઝ મેનેજમેન્ટ અને ઓનલાઇન ફોર્મ્સ સંભાળવા માટે થાય છે.
PHP ફાઉન્ડેશન અને સાયબર નિષ્ણાતોના મતે આ એક સ્ટ્રક્ચરલ ફેલિયર છે. આ બંને ખામીઓ એટલી ગંભીર છે કે સાયબર એટેકર્સ કોઈપણ લોગિન કે ઓથેન્ટિકેશન વગર સર્વર પર સીધો પોતાનો કોડ રન કરી શકે છે અને ફાઇલ સિસ્ટમ તેમજ સંવેદનશીલ ડેટાબેઝ સુધી અનધિકૃત એક્સેસ મેળવી શકે છે. ChatGPTની નિર્માતા કંપની OpenAIએ આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે આ અત્યાર સુધીની સૌથી મોટી ખામીઓ પૈકીની એક છે અને તેના AI મોડેલે સંશોધકોને આ બગ્સ શોધવામાં મહત્ત્વની મદદ કરી હતી.
NSAની ચેતવણી અને યુરોપિયન દેશોમાં વેબસાઇટ્સ બંધ
અમેરિકી સુરક્ષા એજન્સી NSA એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે PHPનો ઉપયોગ કરતી તમામ સરકારી અને ખાનગી કંપનીઓએ તાત્કાલિક નવું સિક્યોરિટી પેચ ઇન્સ્ટોલ કરી લેવું જોઈએ. જો સર્વર તરત અપડેટ કરવું શક્ય ન હોય, તો સાયબર હુમલાથી બચવા માટે સિસ્ટમને તાત્કાલિક ડાઉન (ઓફલાઇન) કરી દેવી હિતાવહ છે.
આ ખામી સામે આવ્યા બાદ ફ્રાન્સમાં પેરિસ પોલીસ પ્રિફેક્ચર સહિતના ઘણા સ્થાનિક સરકારી પોર્ટલ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. નેધરલેન્ડ્સમાં પણ DigiD ડિજિટલ આઇડેન્ટિટી સર્વિસ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની વેબસાઇટ અને નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના પોર્ટલ્સ અસ્થાયી ધોરણે ડાઉન રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેલ્જિયમના વિદેશ મંત્રાલયે પણ સુરક્ષાના કારણોસર પોતાની સત્તાવાર વેબસાઇટ થોડા સમય માટે બંધ રાખી હતી.
PHP ફાઉન્ડેશને બહાર પાડ્યું સિક્યોરિટી અપડેટ
PHPની જાળવણી કરતી સંસ્થા PHP ફાઉન્ડેશને આ બંને ક્રિટિકલ સુરક્ષા ખામીઓ દૂર કરીને નવું સિક્યોરિટી વર્ઝન રિલીઝ કરી દીધું છે. એજન્સીએ તમામ ડેવલપર્સ અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સને વિલંબ કર્યા વિના પોતાના સર્વર પર નવું અપડેટ લાગુ કરી દેવા અપીલ કરી છે જેથી કોઈપણ પ્રકારના ડેટા લીક કે હેકિંગના જોખમથી બચી શકાય.




