Mumbai Airport Digiyatra: મુંબઈ એરપોર્ટ પર હાલમાં જ એક વિચિત્ર ઘટના થઈ છે. બે જોડિયા ભાઈઓ જ્યારે ડિજિયાત્રા ગેટમાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમને એન્ટ્રી આપવામાં નહોતી આવી. ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ આ જોડિયા ભાઈઓને ઓળખવામાં નિષ્ફળ રહી હતી. એના કારણે આ વિચિત્ર ઘટના જોવા મળી હતી. આ વીડિયોને બેમાંથી એક ભાઈએ રેકોર્ડ કર્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયો છે કારણ કે ટેક્નોલોજી ગમે એટલી એડવાન્સ કેમ ન બને એમ છતાં આ જોડિયા ભાઈઓની ઓળખવામાં એ સિસ્ટમ ભૂલ કરી રહી છે.
જોડિયા ભાઈઓને ઓળખવામાં નિષ્ફળ ડિજિયાત્રા
મુંબઈ એરપોર્ટ પર ડિજિયાત્રા ગેટમાંથી એન્ટ્રી ન મળી હોવાથી પ્રશાંત મેનન દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે તેણે અને તેના ભાઈ બન્નેએ ડિજિયાત્રા પર રજિસ્ટર કર્યું છે, પરંતુ તેમના ચહેરા એકસરખા હોવાથી તેને એન્ટ્રી નથી મળી રહી. આ વિશે પ્રશાંતે કહ્યું કે ‘હું મારા જોડિયા ભાઈ સાથે મુંબઈ એરપોર્ટ પર છું. અમે બન્નેએ ડિજિયાત્રામાં રજિસ્ટર કરાવ્યું છે. જોકે એમ છતાં તમે જ જાતે ડિજિયાત્રાનો જાદુ જોઈ લો.’
શું કહ્યું ડિજિયાત્રાએ?
આ વાયરલ વીડિયો વિશે ડિજિયાત્રા ફાઉન્ડેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘ડિયર પ્રશાંત, આ સમસ્યા તમે અમારી સાથે શેર કરી એ માટે અમે આભારી છીએ. અમે આ માટે તમને ડાયરેક્ટ મેસેજ કર્યો છે જેમાં અમે તમને વધુ સારી રીતે આસિસ્ટ કરી શકીએ એ માટે માહિતી આપી છે.’
સોશિયલ મીડિયા પર શું આવ્યા રિએક્શન?
આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સને એની મસ્તી કરવાની સાથે ચિંતા પણ વ્યક્ત કરી છે. એક યુઝરે કહ્યું કે ‘AI મોડલને ટ્રેન કરવા માટે સિતા અને ગીતાનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો.’ એક યુઝરે કહ્યું કે આ ખૂબ જ ફની છે, પરંતુ એટલું જ ચિંતાજનક પણ છે. એક વ્યક્તિએ કહ્યું કે સિસ્ટમ દ્વારા તેમને ઓળખી કાઢ્યા છે અને એકસરખા બે વ્યક્તિ હોવાથી તેમને મેન્યુઅલ ગેટ પર મોકલવામાં આવી રહ્યાં છે.
શું છે ડિજિયાત્રાની ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજી
ડિજિયાત્રા એક ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજી છે જેનો ઉપયોગ એરપોર્ટની એન્ટ્રી સિસ્ટમ પર કરવામાં આવી છે. એમાં યુઝરના ચહેરા અને બોર્ડિંગ પાસ દ્વારા તેમની ઓળખ મેળવી તેમને અંદર જવા માટેનો એક્સેસ આપવામાં આવે છે. ઓટોમેટિક વેરિફિકેશન પ્રોસેસને કારણે આ સિસ્ટમ વેઇટિંગ માટેનો સમય ઓછો કરે છે. જોકે ઓટોમેટિક ટેક્નોલોજીને કોઈ પણ શંકા આવી તો એ માટે મેન્યુઅલ ગેટ પર મોકલવામાં આવે છે. મુંબઈ એરપોર્ટ પરની આ ઘટનાને લઈને ટેક્નોલોજીમાં પણ બદલાવ કરવામાં આવે એની જરૂર દેખાઈ આવી છે.


