Get The App

સ્પેસ સ્ટેશન પર શોધવામાં આવી કેન્સરની નવી ટ્રીટમેન્ટ, બે કલાકની ટ્રીટમેન્ટ માટે હવે લાગશે બે મિનિટ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
સ્પેસ સ્ટેશન પર શોધવામાં આવી કેન્સરની નવી ટ્રીટમેન્ટ, બે કલાકની ટ્રીટમેન્ટ માટે હવે લાગશે બે મિનિટ 1 - image


New Cancer Medicine: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વિજ્ઞાનીઓ દ્વારા કેન્સરની નવી ટ્રીટમેન્ટ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને એમાં તેમને સફળતા પણ મળી છે. નાસા અને દવા બનાવતી કંપની મર્કની ટીમે સ્પેસમાં પ્રોટીન ક્રિસ્ટલ ગ્રોથ પર સ્ટડી કરી હતી. એના દ્વારા કેન્સરની દવા માટેની એક નવી શોધ થઈ છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા 2025ની સપ્ટેમ્બરમાં આ ઇન્જેક્શનને મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. દર્દીએ હવે બે કલાકની ઇન્ફ્યુઝનની ટ્રીટમેન્ટની જગ્યાએ ફક્ત બે મિનિટમાં આ ઇન્જેક્શન લેવાનું રહેશે. કેન્સરના દર્દીઓ માટે આ સમાચાર ખૂબ જ સારા છે. આ દવાને કારણે દર્દીનો ઇલાજ કરવું ખૂબ જ સરળ, ઝડપી અને સસ્તુ થઈ ગયું છે.

શું છે આ નવો ઇલાજ?  

મર્ક કંપનીની આ નવો ઇલાજ દવા પેમ્બ્રોલિઝુમાબનું સબક્યુટેનિયસ ઇન્જેક્શનનું સ્વરૂપ છે. આ દવા ઇમ્યુનોથેરાપીમાં આવે છે. કેટલાક ખાસ પ્રકારના કેન્સરમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં લંગ કેન્સરનો પણ સમાવેશ થાય છે.

આ દવા પહેલાં કેવી રીતે આપવામાં આવતી હતી?  

દર્દીએ પહેલાં હોસ્પિટલ અથવા તો દવાખાનામાં જવું પડતું હતું. એમાં નસમાં ઇન્ફ્યુઝન (IV ડ્રિપ) દ્વારા દવા આપવામાં આવતી હતી. આ માટે એક-બે કલાકનો સમય લાગતો હતો. જોકે એમાં પણ વિવિધ શોધ કરવામાં આવતાં એ માટે હવે 30 મિનિટનો સમય લાગતો હતો.

નવી દવા કેવી રીતે આપવામાં આવશે?  

ચામડીની નીચે એટલે કે સબક્યુટેનિયમાં એક ઇન્જેક્શન આપવાનું રહેશે. આ ઇન્જેક્શન આપવા માટે એકથી બે મિનિટનો સમય લાગે છે. આ ઇન્જેક્શન દર ત્રણ અઠવાડિયામાં એક વાર લેવાનું રહેશે. એમાં દર્દીનો સમય બચી જશે. હોસ્પિટલનો ખર્ચ પણ બચી જશે અને જીવનશૈલી પણ સારી રહેશે.

સ્પેસ સ્ટેશન પર શોધવામાં આવી કેન્સરની નવી ટ્રીટમેન્ટ, બે કલાકની ટ્રીટમેન્ટ માટે હવે લાગશે બે મિનિટ 2 - image

સ્પેસ સ્ટેશનની રિસર્ચ ટીમે કેવી રીતે મદદ કરી?  

અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ ખૂબ જ ઓછું હોય છે અને એથી જ એને માઇક્રોગ્રેવિટી કહેવામાં આવે છે. પૃથ્વી પર ગ્રેવિટીને કારણે ક્રિસ્ટલ બનાવતી વખતે ખૂબ જ સમસ્યા આવે છે. ક્રિસ્ટલ નાના, ઓછી ગુણવત્તાવાળા અને અલગ-અલગ સાઇઝના બને છે. જોકે સ્પેસમાં એક મોટા, એક સમાન અને સારી ગુણવત્તાવાળા બને છે. એનાથી વિજ્ઞાનીઓ દવાના અણુઓની સંરચનાને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. મર્ક કંપની 2014થી સ્પેસમાં રિસર્ચ કરી રહી છે. તેમણે મોનોક્લોનલ એન્ટીબોડી એટલે કે લેબમાં બનાવવામાં આવેલા પ્રોટીન શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારે એને સ્પેસમાં ઉગાડી છે. આ ક્રિસ્ટલથી ખબર પડી કે દવાના કણોના સૌથી સારા આકાર અને સંરચના શું હોવી જોઈએ. જેથી કરીને એને સરળતાથી ઇન્જેક્શનના સ્વરૂપમાં આપી શકાય. આ રિસર્ચ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની નેશનલ લેબોરેટરીના સપોર્ટથી શક્ય બન્યું છે. નાસા સ્પેસ સ્ટેશનને ખાનગી કંપનીઓ અને વિજ્ઞાનીઓ માટે હંમેશાં ખુલ્લું રાખે છે, જેથી માઇક્રોગ્રેવિટીનો ફાયદો ઉઠાવીને નવી શોધ કરી શકાય.

આ પણ વાંચો: 200 MP કેમેરાની તૈયારી કરી રહ્યું છે એપલ, જાણો આઇફોનની લોન્ચ ટાઇમલાઇન…

સ્પેસ રિસર્ચના ફાયદા  

પૃથ્વી પર દવાઓના વિકાસને એની મદદથી ઝડપથી અને સારી રીતે બનાવી શકાય છે. કેન્સર જેવા રોગોનો ઇલાજ સરળતાથી કરી શકાય છે. અંતરિક્ષ યાત્રીઓ માટે લાંબા સ્પેસ મિશનની તૈયારી પણ એની મદદથી થઈ જાય છે. કમર્શિયલ સ્પેસ ઇકોનોમીમાં વધારો થાય છે કારણ કે ખાનગી કંપનીઓ સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. નાસાનું કહેવું છે કે સ્પેસમાં જે પણ રિસર્ચ કરવામાં આવે છે એ ફક્ત અંતરિક્ષ યાત્રીઓ માટે જ નથી હોતું, પરંતુ પૃથ્વી પરના લોકોના સારા સ્વાસ્થ્ય માટે પણ એટલું જ મહત્ત્વનું હોય છે. આ રિસર્ચ એક ઉત્તમ ઉદાહરણ છે કે સ્પેસમાં કરવામાં આવતાં રિસર્ચ કેવી રીતે લાખો લોકો સુધી પહોંચે છે. ભવિષ્યમાં કેન્સર માટેની ઘણી દવા આ રીતે શોધી શકાશે.