Get The App

લગ્નનું આમંત્રણ બની શકે છે બૅન્ક એકાઉન્ટ ખાલી થવાનું કારણ, વોટ્સએપ પર આવતાં ઇન્વિટેશનથી બચીને રહો…

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નનું આમંત્રણ બની શકે છે બૅન્ક એકાઉન્ટ ખાલી થવાનું કારણ, વોટ્સએપ પર આવતાં ઇન્વિટેશનથી બચીને રહો… 1 - image


Digital Marriage Invitation Scam: સાયબર ક્રિમિનલ હવે લગ્નની સીઝનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ વોટ્સએપ પર ડિજિટલ વેડિંગ કાર્ડના નામ પર .apk ફાઇલ મોકલીને વાયરસ મોકલી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ આ ફાઇલને ઓપન કરે એટલે એ મોબાઇલમાં ડાઉનલોડ થઈ જશે. ત્યાર બાદ હેકર્સ તમામ માહિતી ભેગી કરીને ખાતાને ખાલી કરી દેશે. લગ્નના સમયે ઘરમાં ખુશીનો માહોલ હોય છે, પરંતુ આ ખુશી ક્યારે દુઃખમાં બદલાઈ જાય એ ખબર નહીં પડે. દિલ્હી સહિત ભારતના ઘણા શહેરમાં આ સ્કેમ ખૂબ જ ચાલી રહ્યો છે. લગ્નના આમંત્રણના નામે એક ફાઇલ મોકલવામાં આવે છે. આ ફાઇલ હેકર્સ દ્વારા એક સોફ્ટવેર હોય છે જે મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ ઇન્સ્ટોલ થતાં હેકર્સ તમામ માહિતી ચોરી કરી શકે છે અને બૅન્ક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. આ માટે ગુરુગ્રામ પોલીસ દ્વારા લોકોને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ?

હાલમાં હવે ડિજિટલ જમાનો થઈ રહ્યો હોવાથી લોકો આમંત્રણ આપવા માટે કાર્ડની જગ્યાએ ડિજિટલ વેડિંગ કાર્ડ મોકલે છે. આ સુવિધાનો ફાયદો હવે સાયબર ક્રિમિનલ ઉઠાવી રહ્યા છે. તેઓ હવે લોકોને છેતરવા માટે apk ફાઇલ મોકલી રહ્યા છે. એન્ડ્રોઇડ મોબાઇલમાં ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે આ ફાઇલ એક્સટેન્શન હોય છે. આ ફાઇલને કોઈ પણ યુઝર ઇન્વિટેશન સમજીને ઓપન કરે એટલે એ તરત જ મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ ઇન્સ્ટોલ થતાં હેકર્સને યુઝર્સના મોબાઇલનું રિમોટ એક્સેસ મળી જાય છે. સાયબર ક્રાઇમ એસીપી પ્રિયાંશુ દીવાને કહ્યું કે, ‘હેકર્સ દુનિયાના ગમે તે ખૂણામાં બેસીને મોબાઇલની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે અને કોઈ OTP માગ્યા વગર જ યુઝરના બૅન્ક એકાઉન્ટને ખાલી કરી શકે છે. આ પ્રકારના લગ્નના કાર્ડ અથવા તો બૅન્ક અથવા તો ઇન્સ્યોરન્સ કંપની તરફથી આવતી કોઈ પણ હાઇપરલિંક અથવા તો apk ફાઇલ પર ક્લિક ન કરવું. આમ કરવાથી યુઝર છેતરપિંડીનો શિકાર બની શકે છે. વોટ્સએપ અથવા તો ઈમેલ અથવા તો કોઈ પણ રીતે આવતી apk ફાઇલથી દૂર રહેવું.

apk ફાઇલ કેમ ખતરનાક હોઈ શકે છે?

ગૂગલ પ્લે સ્ટોરની બહારથી ડાઉનલોડ કરવામાં આવતી કોઈ પણ apk ફાઇલ ગંભીર સુરક્ષા ઊભી કરી શકે છે. આ પ્રકારની ઍપ્લિકેશનમાં મેલવેર હોઈ શકે છે જે ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે. ડેટા ચોરીથી લઈને બૅન્ક એકાઉન્ટ ખાલી અને પસંદ અથવા તો જરૂરી ન હોય એવી એડ્સ પણ દેખાડવામાં આવી શકે છે. અજાણી apk ફાઇલને કારણે ફોટો એટલે કે મીડિયા, ડૉક્યુમેન્ટ્સ, કોન્ટેક્ટ્સ, મેસેજ અને લોકેશન જેવી જાણકારી હેકર્સ સુધી પહોંચી શકે છે અને એ પણ યુઝરની અનુમતિ અને જાણ બહાર. લગ્નના કાર્ડ દ્વારા જે ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ યુઝર્સના મોબાઇલને રિમોટ એક્સેસ પણ આપી શકે છે. હેકર્સ આ માટે ફ્રીમાં સોફ્ટવેર અપગ્રેડ અથવા તો અન્ય ઓફરની લાલચ આપીને યુઝર પાસે ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી શકે છે. આથી એનાથી બચીને રહેવું.

apk કેવી રીતે કામ કરે છે?

ગુરુગ્રામના સાયબર ક્રાઇમ એસીપી પ્રિયાંશુ દીવાને કહ્યું કે ‘apk ફાઇલ અથવા તો લિંક-આધારિત સાયબર ફ્રોડ મોટાભાગે જામચાડા જેવા સાયબર હોટસ્પોટથી ઓપરેટ થતાં હોય છે. આ રીતે કરવામાં આવતી છેતરપિંડીમાં યુઝર પર લગ્નના કાર્ડના નામે અલગ-અલગ apk ફાઇલ અથવા તો લિંક મોકલવામાં આવે છે. એ ઓપન કરતાં જ એની ડેસ્ક અથવા તો ટીમ વ્યુઅર જેવું એક રિમોટ એક્સેસ ઍપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે. ત્યાર બાદ હેકર્સ દુનિયાના ગમે તે ખૂણામાં બેસીને યુઝર્સના મોબાઇલ પર આવતાં તમામ OTP અને અન્ય ડેટાને જોઈ શકે છે. આથી યુઝર્સને એમ થશે કે તેમણે કોઈને OTP નથી આપ્યો એમ છતાં પૈસા કપાઈ જાય છે.’

આ પણ વાંચો: ચીન દ્વારા કેમ ઇમરજન્સી સ્પેસ મિશન કરવામાં આવ્યું?, જાણો વિગત...

કેવી રીતે રહેશો સુરક્ષિત?

આ વિશે સાયબર ક્રાઇમ પોલીસનું કહેવું છે કે કોઈ પણ ઍપ્લિકેશનને ફક્ત પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. તેમ જ કોઈ પણ લિંક અને apk ફાઇલને ઓપન કરવાનું ટાળવું. કોઈ પણ લિંક આવી હોય તો એને પહેલાં વેરિફાઇ કરવી. કોઈ પણ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હોય અથવા તો વેડિંગ કાર્ડ આવ્યો હોય તો એને ઓપન કરવું નહીં. સીધું ડિલીટ કરી દેવું. જો કોઈ પણ યુઝરને સાયબર ક્રાઇમ થઈ રહ્યો હોય એવું લાગે અથવા તો થયો હોય તો સીધું 1930 નંબર પર કોલ કરી એ વિશે ફરિયાદ કરવી.

Tags :