ડીપફેક સામે લડવા ડેનમાર્કે આપ્યો કોપીરાઈટનો અધિકાર, આ કાયદો લાવનારો દુનિયાનો પહેલો દેશ
AI Image |
Denmark Use Copyright Law to Fight DeepFake: ડેનમાર્ક દ્વારા તેમના કોપીરાઈટ કાયદામાં એક નવો સુધારો કરવામાં આવી રહ્યું છે. કોઈની પણ ક્રિએટીવિટી અને કામને પ્રોટેક્ટ કરવા માટેના કાયદામાં હવે લોકોના ચહેરા, અવાજ અને તેમના હાવભાવનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જો આ બિલ પાસ થઈ ગયું તો કોઈ પણ વ્યક્તિનો અથવા તો તેના જેવા દેખાતા વ્યક્તિનો ફોટો અથવા તો વીડિયો તેમની પરવાનગી વગર શેર કરવો કાયદા વિરુદ્ધનું કામ હશે. સેલિબ્રિટીઝથી લઈને ટીચર અને સામાન્ય વ્યક્તિ દરેકનો એમાં સમાવેશ કરવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિનો આ રીતે ફોટો અથવા તો વીડિયો શેર કરવામાં આવ્યો હશે તો એેને સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવશે અને એ માટે જે તે વ્યક્તિ વળતરની માંગણી પણ કરી શકશે.
ડીપફેકે વધારી ચિંતા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ખૂબ જ વાસ્તવિક વીડિયો, ફોટો અને અવાજ પણ બનાવી શકાય છે. આથી કોઈ પણ વ્યક્તિની નકલ કરવી હવે ખૂબ જ સરળ થઈ શકે છે. ડીપફેકનો ઘણી ખોટી રીતે ઉપયોગ કરી શકાય છે:
- આ ડીપફેકની મદદથી કોઈ પણ વ્યક્તિએ લાઈફમાં કંઈ ન કર્યું હોય એ પણ કરાવી શકાય છે.
- પરવાનગી વગરની પોર્નોગ્રાફી ક્લિપ બનાવી શકાય, ખોટી માહિતી ફેલાવી શકાય અને સ્કેમ પણ કરી શકાય.
- લોકોને ઈમોશનલી છેતરવામાં આવી શકે છે. એને ઈમોશનલ હેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં સામે વાળી વ્યક્તિને દુઃખી હોવાનું દેખાડી, એકલા હોવાનું કહીને તેમને ભોળવી નાખવામાં આવે છે.
2023માં એટલે કે એક વર્ષમાં રિસર્ચર્સને 65,820 ડીપફેક વીડિયો ઑનલાઇન મળ્યા હતા. 2019 બાદ એમાં લગભગ 550 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક સ્કેમમાં તો એક વ્યક્તિ પાસે 3250 પાઉન્ડ એટલે કે અંદાજે ₹3.76 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. એમાં સ્કેમર્સે ઇલોન મસ્ક બની તેના અવાજમાં તેની સાથે વાત કરી હતી.
ડેનમાર્કના નવા બિલમાં કયા પ્રોટેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ડેનમાર્કના કલ્ચર મિનિસ્ટર જેકોબ એન્જેલ-શિમિડ્ટ આ બિલ વિશે કહે છે, ‘આ બિલ દરેક વ્યક્તિને તેમના અવાજ અને તેમના ચહેરાનો પણ અધિકાર આપે છે. કોઈ પણ વ્યક્તિ તેમની પરવાનગી વગર એને કોપી નહીં કરી શકે.’
ઈમિટેશન પ્રોટેક્શન : આ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈના પણ ચહેરા, અવાજ અથવા તો તેના હાવભાવને ડિજિટલ ક્રિએટ કરી જાહેરમાં શેર નહીં કરી શકે.
પરફોર્મન્સ પ્રોટેક્શન : કોપીરાઈટ કાયદામાં અત્યાર સુધી જેનો સમાવેશ ન થતો હોય એ પ્રકારના નોન-વર્બલ દરેક વસ્તુનો પણ હવે એમાં સમાવેશ કરવામાં આવશે. એટલે કે સંજય દત્તની ચાલવાની સ્ટાઈલ એકદમ અલગ છે, તો એનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવશે.
આર્ટિસ્ટ પ્રોટેક્શન : મ્યુઝિશિયન, એક્ટર્સ અને અન્ય આર્ટિસ્ટની હવે ડિજિટલી નકલ નહીં કરી શકાશે.
આ કાયદાની અન્ય મહત્ત્વની બાબત
- આ કાયદો ફક્ત સેલિબ્રિટીઝ કે લોકપ્રિય વ્યક્તિઓ જ નહીં, પરંતુ ડેનમાર્કના દરેક નાગરિક માટે લાગુ પડશે.
- સેક્શન 73(a) હેઠળ વ્યક્તિના મૃત્યુ બાદ પણ 50 વર્ષ સુધી આ કાયદા હેઠળ તેમને પ્રોટેક્શન મળશે.
- કોઈ પણ વ્યક્તિએ કોઈનો પણ વીડિયો અથવા તો ફોટો કે કંઈપણ બાબત શેર કરી હોય તો એ માટેની પરવાનગી મેળવી હોય તો એની સાબિતી આપવી પડશે. આ પરવાનગી જે-તે વ્યક્તિ ગમે ત્યારે પાછી પણ ખેંચી શકે છે.
- જો કોપિરાઇટનું ઉલ્લંઘન થયું હોય અને એને તરત જ કાઢવા માટે કહેવામાં આવે અને કોઈ પણ પ્લેટફોર્મ એ કરવામાં નિષ્ફળ રહે તો તેમને ખૂબ જ મોટી રકમનો દંડ કરવામાં આવી શકે છે.
- કટાક્ષ, પેરોડી અને સોશિયલ ટિકાઓને અપવાદ રાખવામાં આવ્યા છે. યુરોપિયન પરંપરાના માનવ અધિકાર હેઠળ અભિવ્યક્તિના હક અનુસાર આ કાયદામાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
બોલિવૂડથી લઈને કોપેનહેગન સુધી થઈ અસર, અનિલ કપૂર ઉત્તમ ઉદાહરણ
2023માં બોલિવૂડ એક્ટર અનિલ કપૂર જ્યારે દિલ્હી કોર્ટમાંથી બહાર આવ્યો ત્યારે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યો હતો. આ માટેનું કારણ તેણે જે અપિલ કરી હતી એ માન્ય રાખી હતી. અનિલ કપૂર પહેલી એવી વ્યક્તિ હતી જેણે ‘ઝક્કાસ’ શબ્દનો ઉપયોગ નહીં કરી શકાય એ માટે એને કોપિરાઇટ કરાવ્યો હતો. તેમ જ AIની મદદથી તેના નામ, ચહેરા અને અવાજનો પણ ઉપયોગ નહીં કરી શકાય એ માટેની પણ અપીલ કરી હતી. તેની આ અપીલને માન્ય રાખવામાં આવી હતી. ત્યાર બાદ અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ દ્વારા પણ કોપીરાઈટ કરાવવામાં આવ્યા હતા. આ વિશે અનિલ કપૂરે કહ્યું હતું, ‘હું જીવિત નહીં હોઉં ત્યારે મારી ફેમિલી પાસે મારી પર્સનાલિટીને પ્રોટેક્ટ કરવાનો હક હશે.’
અનિલ કપૂરને આ જે પરવાનગી મળી હતી એ સેલિબ્રિટીનો ઉપયોગ વ્યાપારી રીતે નહીં કરી શકાય એ માટે હતી. જોકે અનિલ કપૂરથી પ્રેરણા લીધી હોય એમ આ વાતને ડેનમાર્ક દ્વારા ખૂબ જ અંગત રીતે લેવામાં આવી છે. ડેનમાર્કે ફક્ત સેલિબ્રિટીઝ જ નહીં, પરંતુ દરેક નાગરિક માટે કાયદો બનાવી દીધો છે. સેલિબ્રિટી માટે જે કાયદો હતો એ હવે દરેક વ્યક્તિને મળશે અને એમાં તેમના ચહેરા, અવાજ કે કોઈપણ વસ્તુનો ઉપયોગ નહીં કરી શકાય.
AI સામે દુનિયાભરના દેશમાં શું પગલા લેવામાં આવી રહ્યા છે?
ડેનમાર્ક : ચહેરા, અવાજ અને હાવભાવને પ્રોટેક્ટ કરવામાં આવી રહ્યો છે. જો એ ન કરવામાં આવે તો કન્ટેન્ટને કાઢવામાં આવશે અને જે-તે વ્યક્તિ વળતર માંગી શકે છે.
યુરોપિયન યુનિયન : AI એક્ટ અને ડિજિટલ સર્વિસ એક્ટ. હંમેશાં દરેક બાબત વિશે દરેક વસ્તુ જણાવવી. પ્લેટફોર્મની રહેશે જવાબદારી, બાયોમેટ્રિક ડેટા રાઇટ્સ આપવામાં આવ્યાં છે.
ચીન : AI કન્ટેન્ટ પર લેબલ લગાવવું. તેમ જ એને ટ્રેસ કરી શકાય એવું હોવું જોઈએ. રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી. તેમ જ અભિવ્યક્તિના સ્વતંત્રતા પર પણ લાગામ.
અમેરિકા : ઇલેકશનના ડીપફેક બનાવનાર પર ક્રિમિનલ ગુનો. AI ફ્રોડ એક્ટ લાગુ કરવામાં આવ્યો. કાયદાકીય ગુનો દાખલ કરવામાં આવશે.
ભારત : પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને પર્સનાલિટી કાયદો અને પબ્લિસિટીનો કાયદો. અનિલ કપૂર, આલિયા ભટ્ટ અને રશ્મિકા મંદાનાનો કેસ છે જગજાહેર. ડોમેન બંધ કરવામાં આવ્યો અને ISP ને બ્લોક કર્યું હતું.
આ કાયદાનો ફાયદો શું છે?
સરળતા : વ્યક્તિને એકદમ સરળ કાયદો આપવામાં આવ્યો છે અને એ છે કે આ મારો ચહેરો છે અને મારી પસંદ છે કે એને દરેક પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે.
દરેક નાગરિક માટે કાયદો : ટીચરથી લઈને રોજિંદું કામ કરતાં વ્યક્તિથી લઈને દરેક નાગરિકને સેલિબ્રિટીઝ જેવા જ તમામ હક મળશે.
બદલાવ આવશે : પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિનું ડિજિટલ ઈમેજ જનરેટ નહીં કરી શકાય. પોસ્ટ દ્વારા કોઈને પણ નુક્સાન નહીં પહોંચાડી શકાય. ટ્રોલ્સ અને સ્કેમર્સ માટે ખૂબ જ મોટી મુશ્કેલી બનશે.
![]() |
AI Image |
શું મુશ્કેલીઓ આવી શકે છે?
દેશની બહાર કાયદો લાગુ નહીં પડે : જે-તે વ્યક્તિનો ફોટો અથવા તો વીડિયો દેશની બહાર એટલે કે અન્ય દેશમાંથી શેર કરવામાં આવ્યો હોય તો તેને ડેનમાર્કની કોર્ટનો કોઈ નિયમ લાગુ નહીં પડે.
ડાર્કનેટનું જોખમ : રેગ્યુલેટર્સ આ ડીપફેકને ચેક કરશે. જોકે ડાર્કનેટ પર તેમને જે માહિતી મળી શકે છે એનીથી તેઓ પણ અચંબિત થઈ શકે છે. અથવા તો બની શકે કે ડાર્કનેટ પરથી કોઈ વસ્તુ કરવામાં આવી હોય એ તેમની પહોંચની બહાર હોય.
વાણી સ્વતંત્રતા વચ્ચે એક પાતળી લાઇન : કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કટાક્ષ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે એમ છતાં કોઈની ટીકા કરવી અને એને નીચા પાડવા વચ્ચે એક પાતળી લાઇન હોય છે. એ લાઇન પારખવામાં મુશ્કેલી આવી શકે છે.
એક્સપર્ટ શું કહી રહ્યાં છે?
- ડેનમાર્કના કલ્ચર મિનિસ્ટર જેકોબ એન્જલ-શિમિડ્ટ કહે છે, ‘લોકોના દિમાગમાં ફોટો અને વીડિયોની છબી તરત છપાઈ જાય છે. AI ડિજિટલ કન્ટેન્ટને કારણે શું સાચું છે અને શું ખોટું છે એ વિશે દરેક વ્યક્તિ નથી જાણી શકતી અને એ ખૂબ જ મુશ્કલ પણ છે.’
- સ્મસબ કંપનીમાં કામ કરતી AI કોમ્પ્લાયન્સ સ્પેશિયાલિસ્ટ નટાલિયા ફ્રિટ્ઝેન કહે છે, ‘મોટા ભાગના બિલમાં વોટરમાર્ક અને ટ્રાન્સપરન્સીની વાત કરવામાં આવે છે. જોકે આ કાયદાને કારણે ડીપફેક વીડિયો બનાવનાર પર જવાબદારી આવશે.’
- સેન્સિટી AIના COO ફ્રાન્સેસ્કો કવાલી કહે છે, ‘અમલ કર્યા વગર નિયમ બનાવવો એ ફક્ત એક સિગ્નલ હોઈ શકે, પરંતુ ઢાલ નહીં.’
- ઓનપ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ટોમ વાઝદાર કહે છે, ‘કોઈની પણ ઓળખ એક જાહેર મિલકત નથી. આ મેસેજને જો અયોગ્ય રીતે પણ અમલ કરવામાં આવે તો પણ એ ખૂબ જ મહત્ત્વનો છે.’
ડેનમાર્ક આ બિલને વિન્ટર સેશનમાં પાસ કરે એવી આશા રાખવામાં આવી રહી છે. યુરોપ અને અન્ય દેશ માટે આ ખૂબ જ પ્રેરણારૂપ બની શકે છે. આ કાયદાનો અમલ કરાવવો એ માટે ખૂબ જ મુશ્કલી આવી શકે છે, પરંતુ આ કાયદો એક સાફ મેસેજ આપે છે કે આપણો ચહેરો, અવાજ અને હાવભાવ આપણા પોતાના હોય છે, દરેકના નહીં. આથી દુનિયાના અન્ય દેશ પણ આ પરથી પ્રેરણા લઈને આ પ્રકારનો કાયદો બનાવે તો દરેક દેશના નાગરિકને ડીપફેકથી સુરક્ષા મળી શકે છે.'