ચીનનો ગજબ પ્લાન, પાણીમાં બનાવશે ડેટા સેન્ટર, સર્વરને હંમેશા ઠંડુ રાખવા શરુ કર્યો પ્રોજેક્ટ
AI ઈમેજ |
China To Build Underwater Data Center: ચીન દ્વારા હવે એક નવી અજાયબી તૈયાર કરવામાં આવી રહી છે. અજાયબી એટલા માટે કારણ કે ચીન હંમેશાં શક્ય ન હોય એવું જ કરીને દેખાડે છે. હાલમાં ચીન પાણીની અંદર એક AI ડેટા સેન્ટર બનાવી રહી છે. સર્વરને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે. આ પાણીનો ઉપયોગ વધુ ન થાય એ માટે ચીન દ્વારા હવે પાણીની અંદર જ આ ડેટા સેન્ટર બનાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડેટા સેન્ટરમાં પ્રોસેસર ખૂબ જ ગરમ થતાં હોવાથી એને ઠંડા રાખવા જરૂરી છે.
શાંઘાઈના દરિયા કિનારાની નજીક હવે પાણીમાં ડેટા સેન્ટર બનાવવાનું ચીન દ્વારા જૂનમાં શરુ કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ચીન આગળ નીકળવા માગે છે. ચીનનો આ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેમાં તેઓ હજારો લાખો ગેલન પાણીનો ઉપયોગ કરીને ડેટા સેન્ટરને ગરમીથી દૂર રાખશે. એનર્જી પર ફોકસ કરનાર થિંક ટેન્ક એમ્બરના એનાલિસ્ટ શબ્રિના નાધિલાએ આ વિશે કહ્યું, ‘કાર્બન ઓછું કરવા માટેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ચીનનો આ ખૂબ જ બોલ્ડ નિર્ણય કહી શકાય. આ નિર્ણયથી દુનિયાની ઘણી કંપનીઓ એ રીતે ડેટા સેન્ટર બનાવવા માટે પ્રેરિત થઈ શકે છે.’
ડેટા સેન્ટર કેમ ગરમ થાય છે?
ડેટા સેન્ટરમાં તમામ માહિતીનો સંગ્રહ થાય છે તેમ જ કૉમ્પ્યુટિંગ કામ પણ એમાં કરવામાં આવે છે. આથી આ પાછળ ખૂબ જ વધુ પ્રોસેસર અને GPUનો ઉપયોગ થાય છે. યુઝર્સ પણ હવે AIનો વધુ ઉપયોગ કરી રહ્યા છે અને ડિમાન્ડ પણ વધી રહી હોવાથી આ ડેટા સેન્ટર વધુ ગરમ થશે. આથી ડેટા સેન્ટર દ્વારા ખૂબ જ વિપુલ પ્રમાણમાં વીજળી અને પાણીનો ઉપયોગ થાય છે. આ સર્વર સતત કામ કરે છે અને દરેકને એકમેકની ખૂબ જ નજીક ગોઠવવામાં આવ્યા હોય છે. આ સર્વર દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે એ કોઈ કામમાં નથી આવતી એથી એ ત્યાં હાજર પ્રોસેસર અને સર્વર પર અસર કરે છે અને એ ડેમેજ થાય છે. એના કારણે ડેટાને પણ નુક્સાન થવાનો ભય છે. આ માટે તેમને સતત ઠંડા કરવાની પ્રોસેસ ચાલુ રાખવી પડે છે.
ડેટા સેન્ટરને ઠંડા કરવા માટે 40 ટકા વીજળીનો ઉપયોગ
ડેટા સેન્ટર દ્વારા જેટલી પણ વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે એમાંથી 40 ટકા વીજળી ફક્ત એને ઠંડા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ માટે પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેમ જ પાણીને ઠંડું કરવા અને ત્યાર બાદ ડેટા સેન્ટર હોય ત્યાં એને એક લેયરના આધારે સ્પ્રે કરવા માટે પણ વીજળીનો ઉપયોગ થાય છે. આ રીતે ટેમ્પરેચરને નીચું લાવવામાં આવે છે. આ માટે પાણીને જમીનમાંથી, નદી અથવા તો તળાવમાંથી લાવવામાં આવે છે. ઘણી જગ્યાએ વેસ્ટ વોટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
|
પાણીની અંદરના ડેટા સેન્ટર કેવી રીતે કામ કરશે?
ધ શાંઘાઈ ડેટા સેન્ટરને હાઇલાન્યુન કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ ડેટા સેન્ટરને ત્યાંથી થોડે જ અંતરે આવેલી વિન્ડ ફાર્મ સાથે કનેક્ટ કરવામાં આવશે. પવનચક્કી દ્વારા એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે. ડેટા સેન્ટરને જરૂરી એનર્જીની 97 ટકા એનર્જી પવનચક્કીમાંથી મેળવવામાં આવશે. આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 198 સર્વર રેકનો ઉપયોગ કરવામાં આવશે. એમાં 396થી લઈને 792 AI આધારીત સર્વરનો સમાવેશ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં એનું શેડ્યૂલ કરવામાં આવ્યું છે.
OpenAI દ્વારા 2022માં લાર્જ લેન્ગવેજ મોડલ GPT-3.5 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલ જેટલો જ કૉમ્પ્યુટિંગ પાવર શાંઘાઈનું ડેટા સેન્ટર ઉત્પન્ન કરશે. પાણીની અંદર જે ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે એ પાઇપનો ઉપયોગ કરીને રેડિએટરમાંથી પાણી પસાર કરશે. આ પાણી સર્વર અને અન્ય જગ્યાએ ગરમી હશે એને શોષી લેશે.
પર્યાવરણને લઈને ચિંતા
રિસર્ચર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આ પ્રકારના ડેટા સેન્ટર દ્વારા પાણીની અંદર રહેલી બાયોડાયવર્સિટીને નુક્સાન પહોંચી શકે છે. ડેટા સેન્ટર તો ઠંડા થઈ જશે, પરંતુ પાણી જે ગરમી શોષે છે એના કારણે પાણી ગરમ થાય છે. આ ગરમ પાણી ફરી દરિયામાં આવતાં ધીમે-ધીમે પાણીનું ટેમ્પરેચર વધતું જશે જે જોખમી થઈ શકે છે. 2022માં રિલીઝ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ પ્રકારના ડેટા સેન્ટર જે પાણી છોડે છે એ ખૂબ જ ગરમ હોય છે. તેમ જ એમાં ઓક્સિજનની માત્રા પણ નહીંવત્ હોય છે જે દરિયાની અંદર રહેલા જીવને ખૂબ જ નુક્સાન કરી શકે છે.