દિલ્હી પોલીસની સ્માર્ટ પહેલ: ગૂગલ મેપ્સ પર દેખાડશે જોખમભરી જગ્યાની જાણકારી
Delhi Police Traffic Technology: દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા એક કમાલની પહેલ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા હવે ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે એવી જગ્યાને ‘બ્લેક સ્પોટ’ તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે. આથી યુઝર્સને પહેલેથી જ એ વિશે જાણ થઈ જશે. જાણી-અજાણી દરેક વ્યક્તિ એ જગ્યાએ સાવચેતી રાખી શકે જેથી અકસમાત થવાનો ભય ઓછો રહે. આ બ્લેક સ્પોટમાં હાઈ-રિસ્ક જગ્યાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. એવી જગ્યા જ્યાં સૌથી વધુ અકસમાત થતા હોય.
શું છે બ્લેક સ્પોટ?
‘બ્લેક સ્પોટ’ એ એવી જગ્યા છે જ્યાં ઘણાં અકસમાત થતા હોય. આ બ્લેક સ્પોટ જ્યાં હોય એની બન્ને સાઇડ 500 મિટરના વિસ્તારમાં વાહન ચાલકે સાચવવાનું રહેશે. આ વિસ્તારના મધ્ય ભાગને બ્લેક સ્પોટ કહેવામાં આવે છે. 2024માં દિલ્હી પોલીસ દ્વારા આવા 111 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ બ્લેક સ્પોટમાં એક વર્ષમાં 1132 અકસમાત થયા હતા. એમાંથી 483 ખૂબ જ ઘાતકી હતા અને 649 સામાન્ય હતા જેમાં લોકોને થોડું ઘણું વાગ્યું હતું.
ગૂગલ મેપ્સ પર દેખાડવામાં આવશે આ લોકેશન
દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા હવે ગૂગલ સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ હવે મેપ્સ પર આ બ્લેક સ્પોટને દેખાડશે. ટ્રાફિક હેડક્વાર્ટર્સના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શિવ કેશરી સિંહ કહે છે, ‘અમે આ વિશે ગૂગલ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ઇન્ટર્નલ પ્રોસેસ તો ક્યારની શરૂ પણ થઈ ગઈ છે. અમે આ માહિતી દ્વારા યુઝર્સને પહેલેથી ચેતવવા માગીએ છીએ જેથી તેઓ સાવચેતીથી ડ્રાઈવિંગ કરી શકે.’
કેવી જગ્યાને બ્લેક સ્પોટ ગણવામાં આવશે?
સામાન્ય અકસમાત થતા હોય એવી જગ્યા નહીં, પરંતુ વારંવાર જ્યાં જીવલેણ અકસમાત પણ થતા હોય એને બ્લેક સ્પોટમાં ગણવામાં આવશે. તેમ જ આ જગ્યાએ વારંવાર આવા અકસમાત થયાં હોય તો જ એને આ કેટેગરીમાં રાખવામાં આવશે. દિલ્હીના જીટી કર્નાલ રોડ પર આવેલી આઝાદપુર સબઝી મંડી પાસે 20 અકસમાત થયા છે જેમાંથી 11 ઘાતકી હતા. NH-24 પર આવેલું અક્ષરધામ મંદિર પાસે 19 અકસમાત થયા છે અને એમાંથી 8 ગંભીર હતા. આઉટર રિંગ રોડના ભલસ્વા ચોક પર 19 અકસમાત થયા છે જેમાંથી 6 ખતરનાક હતા. ISBT કાશ્મીરી ગેટ પર 17 અકસમાતમાંથી 8 ઘાતકી, SGT નગર 18 અકસમાતમાંથી 7 ગંભીર અને લિયાબસપુર બસ સ્ટેન્ડ પર 18 અકસમાતમાં 6 જીવલેણ હતા. આ પ્રકારની જગ્યાને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટની લોકપ્રિય એપ્લિકેશન થઈ રહી છે બંધ, જાણો યુઝર્સને શું ફરક પડશે…
નવા બ્લેક સ્પોટનો પણ સમાવેશ કરવામાં આવશે
2024માં 111 બ્લેક સ્પોટ હતા. જોકે જુલાઈ 2025 સુધીમાં દિલ્હી પોલીસ દ્વારા નવા 25 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. આ 25 જગ્યાએ 176 અકસમાત થયા હતા જેમાંથી 88 ખૂબ જ ગંભીર હતા. આ જગ્યા માટે રોડને જે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે એ પણ એમાં ભૂમિકા ભજવી રહ્યું છે. આથી દિલ્હી પોલીસ દ્વારા રોડ બનાવતી એજન્સી સાથે પણ મળીને કામ કરવામાં આવી રહ્યું છે જેથી એની ડિઝાઇનમાં બદલાવ કરી અકસમાત થતા અટકાવી શકાય. દિલ્હી પોલીસને જોઈને ભારતના અન્ય રાજ્યની પોલીસ અથવા તો સરકાર પણ આ કામ કરે તો લોકો માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.