Get The App

કોવિડ વેક્સિનથી કેટલા લોકોનો જીવ બચ્યો? રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
COVID Vaccine Impact


COVID Vaccine Impact: કોવિડ-19 મહામારીએ વિશ્વભરમાં લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું હતું. વર્ષ 2019ના અંતમાં ચીનના વુહાનથી ફેલાયેલો આ વાયરસ આજે પણ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી અને સમયાંતરે તેના નવા વેરિઅન્ટ્સ સંક્રમણ ફેલાવતા રહે છે. 2020માં કોવિડની વેક્સિન બન્યા પછી મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ થયું, જેમાં અબજો લોકોને વેક્સિન આપવામાં આવી. જોકે વેક્સિનની અસરકારકતા અને તેનાથી હાર્ટ એટેકના વધતા કેસ અંગે સવાલો ઉઠ્યા હતા, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા. હવે એક નવા અભ્યાસમાં કોવિડ વેક્સિનથી બચેલા લોકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે.

કોવિડ વેક્સિનથી 25.33 લાખ લોકોના જીવ બચ્યા

સાયન્સ ડેઇલીના રિપોર્ટ મુજબ, 2020થી 2024 દરમિયાન કોવિડ-19 વેક્સિનના કારણે વિશ્વભરમાં અંદાજે 25.33 લાખ લોકોના જીવ બચાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ ઇટાલીની યુનિવર્સિટા કેટોલિકા અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધન પર આધારિત છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સરેરાશ દર 5400 વેક્સિન ડોઝથી એક મૃત્યુ ટાળી શકાયું. આ સંશોધન JAMA Health Forum નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે.

વૃદ્ધોને સૌથી વધુ ફાયદો

60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વેક્સિનનો સૌથી વધુ ફાયદો થયો છે, જેનાં કારણે 90% મૃત્યુ ટાળી શકાયા છે. બચાવવામાં આવેલા કુલ 1.48 કરોડ લોકોમાંથી 76% વૃદ્ધો હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. તેમજ ઓમિક્રોન વેરિઅન્ટના સમયગાળા દરમિયાન, 57% મૃત્યુ વેક્સિનને કારણે ટાળી શકાયા છે.

બાળકો અને યુવાનોને ઓછો ફાયદો

બચાવવામાં આવેલા લોકોની સંખ્યામાં 0 થી 19 વર્ષની ઉંમરના બાળકો અને કિશોરોની સંખ્યા માત્ર 0.01% રહી, જ્યારે 20 થી 29 વર્ષના યુવાનોમાં 0.07% મૃત્યુ ટાળી શકાયા. આનું કારણ એ છે કે આ ઉંમરના લોકોમાં કોવિડ-19થી મૃત્યુનું જોખમ ઓછું હતું.

આ પણ વાંચો: હવે સોનું લેબોરેટરીમાં બનશે, અમેરિકાના સંશોધકોનો ધાતુને સોનામાં રૂપાંતરિત કરવાનો દાવો

અભ્યાસ પદ્ધતિ અને મહત્ત્વ

આ અભ્યાસ ખાસ છે કારણ કે તે વૈશ્વિક સ્તરે કરાયેલો પ્રથમ અભ્યાસ છે જે સમગ્ર મહામારી (2020-2024) ને આવરી લે છે. તેમાં ઓમિક્રોન વેરિઅન્ટ પહેલા અને પછી વેક્સિનની અસર તેમજ રસીકરણ થયેલા અને ન થયેલા લોકો વચ્ચેના તુલનાત્મક વિશ્લેષણનો સમાવેશ થાય છે. 

આ અભ્યાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિડ વેક્સિને વિશ્વભરમાં લાખો લોકોના જીવ બચાવવામાં અને મહામારીના ભયાવહ પ્રભાવને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

કોવિડ વેક્સિનથી કેટલા લોકોનો જીવ બચ્યો? રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો 2 - image

Tags :