Get The App

હવે સોનું લેબોરેટરીમાં બનશે, અમેરિકાના સંશોધકોનો ધાતુને સોનામાં રૂપાંતરિત કરવાનો દાવો

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
gold


તસવીર : ENVATO

Scientists Claim Gold Can Be Created in Lab : રસાયણશાસ્ત્રીઓ સદીઓથી સામાન્ય ધાતુઓમાંથી સોનું ઉત્પન્ન કરવાનું સપનું સેવી રહ્યા છે. સાહિત્યમાં તો એની કલ્પના કરીને જાતજાતની સાહસિક કૃતિઓ સર્જાઈ છે. આધુનિક જમાનાના ‘પાર્ટિકલ ફિઝિક્સ’ (કણ ભૌતિકશાસ્ત્ર) અને ન્યુક્લિયર ફ્યુઝન ટૅક્નોલૉજીના યુગમાં આ સપનું સાકાર થવાના ભણકારા વાગી રહ્યા છે. પરંપરાગત વિજ્ઞાની આ કાર્યને અશક્ય માનતા હતા, પરંતુ આજના શોધકો પરમાણુ સ્તરે તત્ત્વોના રૂપાંતરણની શક્યતા જોઈ રહ્યા છે. આ સંદર્ભમાં સુવર્ણ-સર્જન કરવામાં અકસીર સાબિત થાય એવી નવીન પદ્ધતિ શોધી કાઢી હોવાનો દાવો એક અમેરિકન સંશોધન સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.  

કેલિફોર્નિયાની સંશોધન ટીમએ ઐતિહાસિક દાવો કર્યો  

‘મેરેથોન ફ્યુઝન’ નામની અમેરિકન સંશોધન સંસ્થાએ સોનાનું સર્જન કરી આપે એવી એક નવીન પદ્ધતિ વિકસાવી હોવાનો દાવો કર્યો છે, જેમાં ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરની મદદથી પારાના આઇસોટોપને સ્થિર સોનામાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉચ્ચ-ઊર્જા ન્યુટ્રોન કિરણો દ્વારા ‘મર્ક્યુરી-198’ પર બોમ્બાર્ડિંગ (હુમલો) કરીને તેને ‘કિરણોત્સર્ગી મર્ક્યુરી-197’માં ફેરવવામાં આવે છે, જે પછી સ્વયંભૂ રીતે ‘ગોલ્ડ-197’માં પરિણમે છે. ‘ગોલ્ડ-197’ સોનાનું એકમાત્ર કુદરતી સ્થિર સ્વરૂપ (આઇસોટોપ) છે.  

હવે સોનું લેબોરેટરીમાં બનશે, અમેરિકાના સંશોધકોનો ધાતુને સોનામાં રૂપાંતરિત કરવાનો દાવો 2 - image

લેબોરેટરીમાં સોનું બનાવાઈ ચૂક્યું છે

સૈદ્ધાંતિક રીતે જોઈએ તો એક ગીગાવોટ ક્ષમતાવાળું થર્મલ ફ્યુઝન પ્લાન્ટ વાર્ષિક ઘણું સોનું ઉત્પાદિત કરી શકે છે. આ વિચાર કોરી કલ્પના નથી, કેમ કે જીનીવા સ્થિત CERNની લાર્જ હેડ્રોન કોલાઇડર (LHC) પ્રયોગશાળામાં કરાયેલા ALICE (A Large Ion Collider Experiment) પ્રયોગમાં ભૌતિકશાસ્ત્રીઓ સબએટોમિક કણોની અથડામણમાંથી સોનાના અણુઓ ઉત્પન્ન કરી ચૂક્યા છે. 

જોકે, સોનાની રાહ આસાન નથી

અલબત્ત, ALICE પ્રયોગમાં ચાર વર્ષમાં માત્ર 29 પિકોગ્રામ જેટલું સોનું જ મળ્યું હતું. એક પિકોગ્રામ એટલે એક ગ્રામનો ટ્રિલિયનમો ભાગ. આટલી ઓછી માત્રામાં સોનું મળતું હોવાથી આ પદ્ધતિ સોનાના વ્યાવસાયિક ઉત્પાદન માટે વ્યવહારુ સાબિત થતી નથી. 

ટેક્નોલોજિકલ પડકારો અને આશંકાઓ 

ટ્રાન્સમ્યુટેશન નામની આ પ્રક્રિયા શરૂ કરવા માટે 6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટથી વધુ ઊર્જા ધરાવતા ન્યુટ્રોન પ્રવાહની જરૂર પડે છે. મેરેથોન ફ્યુઝન ‘ડિજિટલ ટ્વિન’ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે ફ્યુઝન રિએક્ટરનું એક અત્યાધુનિક કમ્પ્યુટર મોડેલ છે. પરંતુ, વ્યાવસાયિક ફ્યુઝન રિએક્ટરના અભાવે આ દાવાઓની પ્રાયોગિક પુષ્ટિ થઈ શકી નથી. 

હવે સોનું લેબોરેટરીમાં બનશે, અમેરિકાના સંશોધકોનો ધાતુને સોનામાં રૂપાંતરિત કરવાનો દાવો 3 - image

ટેક્નોલોજી પ્રાયોગિક તબક્કામાં છે

ન્યુક્લિયર ફ્યુઝન ટેક્નોલોજી હજુ પ્રાયોગિક તબક્કામાં છે. યુકેના JET (Joint European Torus) જેવા અદ્યતન પ્રોજેક્ટ દ્વારા સામાન્ય ઊર્જા ઉત્પાદન કરી શકાયું છે, પરંતુ STEP (Spherical Tokamak for Energy Production) જેવી ભવિષ્યની યોજનાઓ, કે જેની બાયપ્રોડક્ટ તરીકે સોનું ઉત્પન્ન કરી શકાય, 2040 સુધી વ્યવહારુ બની શકે એવી સંભાવના ઓછી છે.  

સોનું કિરણોત્સર્ગી હોવાથી સીધું ઉપયોગમાં નહીં લઈ શકાય 

આ પદ્ધતિથી ઉત્પન્ન થતું સોનું પ્રારંભિક તબક્કે કિરણોત્સર્ગી હશે, જેથી તેને સીધેસીધું ઉપયોગમાં લઈ શકાશે નહીં. એને સુરક્ષિત રીતે વાપરવા માટે ઘણાં સમય સુધી તેનું ‘ડિકે’ (decay - ક્ષીણન) થવા દેવું પડશે. આમ, આ પદ્ધતિથી સોનું મેળવવાની પ્રક્રિયા ખર્ચાળ હોવાથી અને એના કિરણોત્સર્ગી જોખમો હોવાથી સોનાનું લેબોરેટરીમાં સર્જન કરવું હાલમાં વ્યાવસાયિક રીતે શક્ય નથી. 

ભવિષ્યમાં આશા ઉજળી છે

અલબત્ત, જે આજે શક્ય નથી એ કાલે પણ અશક્ય જ હશે એવું નથી હોતું. ન્યુક્લિયર ફ્યુઝન ટૅક્નોલૉજીમાં નિર્ણાયક સફળતા ન મળે, અને એના થકી સોનાનું ઉત્પાદન કરવાના વ્યવહારુ ઉકેલ જડે તો પછી સોનાને લેબોરેટરીમાં જથ્થાબંધ પેદા કરવાનું સપનું સાકાર થશે.

Tags :