કાઉન્ટર-સ્ટ્રાઇક ગેમ્સના મેકર બ્રેઇન ચીપ પર કરી રહ્યા છે કામ: ઇલોન મસ્કની ન્યુરાલિંકને આપશે ટક્કર
New Brain Chip in Making: વાલ્વ કોર્પોરેશનના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગેબ નેવેલ હવે બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ પર કામ કરી રહ્યા છે. વાલ્વ કોર્પોરેશન એક ગેમ બનાવતી કંપની છે. કાઉન્ટર-સ્ટ્રાઇક ગેમ બનાવવા માટે આ કંપની ખૂબ જ જાણીતી છે. આ કંપનીના ફાઉન્ડર હવે તેમના નવા સ્ટાર્ટઅપ હેઠળ બ્રેઇન ચીપ બનાવવા જઈ રહ્યા છે. આ કંપનીને સ્ટારફિશ ન્યુરોસાઈન્સ નામ આપવામાં આવ્યું છે.
2019માં આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ ઇલેક્ટ્રોફિઝિયોલોજી ચીપ પર કામ કરી રહ્યા છે, જે બ્રેઇન એક્ટિવિટી રેકોર્ડ અને સ્ટિમ્યુલેટ કરી શકે. જોકે, કંપનીએ હવે જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં બ્રેઇન ચીપ લોન્ચ કરશે.
બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ બન્યું આકર્ષણનું કેન્દ્ર
સ્ટારફિશની પહેલી ચીપ ઇમ્પ્લાન્ટ માટે નથી. આ એક કસ્ટમ ઇલેક્ટ્રોફિઝિયોલોજી ડિવાઇસ છે, જે બીમારીઓની થેરાપી માટે બ્રેઇનને સ્ટિમ્યુલેટ કરે છે અને તમામ એક્ટિવિટી રેકોર્ડ કરે છે. કંપનીએ એ પણ કહ્યું છે કે આ ચીપને ઇમ્પ્લાન્ટ કરવા માટે તેમની પાસે હાલમાં પૂરતા કમ્પોનેન્ટ્સ નથી.
દસ વર્ષ પહેલાં ગેબ નેવેલને બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસમાં રસ પડ્યો હતો. જ્યારે તેમની કંપનીના સાઇકોલોજિસ્ટ વીડિયો ગેમ્સને લઈને લોકોના બાયોલોજિકલ રિસ્પોન્સની સ્ટડી કરી રહ્યા હતાં, ત્યારે આ વિષય પર ઉંડા સંશોધનની શરૂઆત થઈ હતી. 2019માં ગેમ ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન વાલ્વ કોર્પોરેશન દ્વારા આ કોન્સેપ્ટને એક્સપ્લોર કરવાની વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ કંપનીની સ્થાપના થઈ હતી.
ઇનોવેટિવ ડિઝાઇન
સ્ટારફિશ એમ માને છે કે તેઓ તેમના હરિફ કરતાં વધુ નાની અને ઇનોવેટિવ ડિઝાઇન બનાવી શકશે. તેઓ એવી ડિઝાઇન પર કામ કરી રહ્યા છે કે જે દિમાગની ફક્ત એક જ બાજુ નહીં, પરંતુ અન્ય જગ્યાએ પણ અસરકારક રીતે કામ કરી શકે.
આ ચીપ બેટરી વિના કાર્ય કરી શકે છે, એટલે કે નોર્મલ રેકોર્ડિંગ માટે 1.1 મિલિવોટ્સ પાવરનો ઉપયોગ કરે છે. આટલી ઓછી પાવર માટે વાયરલેસ પાવર ટ્રાન્સમિશનની તક પણ રહેલી છે. ચીપની સાઇઝ 2mm x 4mm છે, જે રેકોર્ડિંગ અને સ્ટિમ્યુલેટ કરી શકે છે.
ન્યુરાલિંકને આપશે ટક્કર
સ્ટારફિશ ચીપમાં 32 ઇલેક્ટ્રોડ સાઇટ્સ અને 16 રેકોર્ડિંગ ચેનલ્સ છે, જે એક સાથે કાર્ય કરશે. ન્યુરાલિંકની N1 ચીપમાં 64 બ્રેઇન ઇમ્પ્લાન્ટેડ થ્રેડ્સ છે, જેમાં 1024 ઇલેક્ટ્રોડ્સ છે. આ ચીપને 6 મિલિવોટ્સ પાવર જરૂરી છે. ન્યુરાલિંકની ચીપની કુલ સાઇઝ 23mm પહોળી અને 8mm જાડી છે. આથી, સ્ટારફિશ તેમની નવી ચીપ દ્વારા ન્યુરાલિંકને સખત ટક્કર આપી શકે છે.
આ પણ વાંચો: સેમસંગ પણ 'મેડ ઇન ઇન્ડિયા' તરફ: ભારતમાં બનાવશે સૌથી પાતળો ફ્લેગશિપ મોબાઇલ S25 એડ્જ
સ્ટારફિશનો ભવિષ્યનો પ્લાન
સ્ટારફિશનું માનવું છે કે વ્યક્તિના દિમાગને એક સાથે ઘણી જગ્યાએ કનેક્ટ કરવાથી પાર્કિન્સન જેવી બીમારીઓ પર અસરકારક સારવાર શક્ય બની શકે. આ કંપની હવે હાઇપરથર્મિયા ડિવાઇસ પર પણ કામ કરી રહી છે, જે ટ્યુમરને ટાર્ગેટ કરીને ચોક્કસ ગરમી આપીને દૂર કરવાની ટેક્નોલોજી છે. રોબોટિક્સ દ્વારા ગાઇડ કરવામાં આવી શકે એવી ટ્રાન્સક્રેનિયલ મેગ્નેટિક સ્ટિમ્યુલેશન સિસ્ટમ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે, જે બાયપોલર ડિસઓર્ડર અને ડિપ્રેશન જેવી બીમારીઓના ઇલાજમાં ઉપયોગી થઈ શકે.