જાણો કંપ્યૂટરમાં cut, copy, pasteની શોધ કરનાર હતું કોણ?
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2020, મંગળવાર
કંપ્યૂટરનો અનિવાર્ય ભાગ એવું કટ, કોપી અને પેસ્ટ જો ન હોય તો શું થાય ? કલ્પના પણ નથી કરી શકાતીને... કારણ કે મોટા મોટા કામને સરળ કરી દેતા આ વિકલ્પો આપણા હાથવગા છે. આ અતિજરૂરી વિકલ્પો આપણને આપનાર વ્યક્તિનું નામ છે લૈરી ટેસ્લર. તે એક કંપ્યૂટર સાઈંટિસ્ટ હતો જેનું 74 વર્ષની વય નિધન થયું હતું.
લૈરીએ 1960માં કંપ્યૂટર પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ એવો સમય હતો જ્યારે દુનિયાના લોકો કંપ્યૂટર શું છે તેના વિશે જાણતા પણ ન હતા. તેણે પોતાની કારર્કિદીનો મોટાભાગનો સમય ઝેરોક્ષ કંપનીમાં પસાર કર્યો હતો. જ્યારે તેનું નિધન થયું ત્યારે ઝેરોક્ષ કંપનીએ શ્રદ્ધાંજલી આપતાં કહ્યું હતું કે કટ, કોપી, પેસ્ટ અને ફાઈંડ તેમજ રિપ્લેસના જનક તેમજ ઝેરોક્ષના પૂર્વ રિસર્ચર લૈરી ટેસ્લરનું નિધન થયું છે.
લૈરી ટેસ્લરનો જન્મ 1945માં ન્યૂયોર્કના બ્રાંક્સમાં થયો હતો. તેણે કેલિફોર્નિયામાં અભ્યાસ કર્યો હતો. 1973માં તેણે ઝેરોક્ષ જોઈન કર્યું હતું. ત્યાં તેણે ટિમ મોટ સાથે મળી જિપ્સી ટેક્સ્ટ એડિટર તૈયાર કર્યું હતું. આ એડિટરમાં જ તેણે કંટેટને કોપી કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી મેથડની શોધ કરી. આ શોધ આજની કટ, કોપી, પેસ્ટ બની છે. ઝેરોક્ષ કંપની સાથે લાંબા સમય સુધી કાર્યરત રહ્યા બાદ સ્ટીવ જોબ્સ તેને એપલમાં લઈ આવ્યા. જ્યાં તેણે 17 વર્ષ કામ કર્યું અને ચીફ સાઈંટિસ્ટના પદ સુધી પહોંચ્યા હતા.