અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી રીતે ઉચાપત
iPhone Theft in Ahmedabad Store: અમદાવાદના રાસપણ માર્કેટમાં આવેલા એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા જ અંદાજે એક કરોડ રૂપિયાની એપલ પ્રોડક્ટ અને રોકડા નાણાની ઉચાપત કરવામાં આવી છે. આ ઉચાપત સ્ટોર મેનેજર અને સેલ્સમેન દ્વારા કરવામાં આવી હોવાની શંકા છે. એપલનો ઓથોરાઇઝ્ડ સ્ટોર ચલાવનાર ગ્રીન મેનેજમેન્ટના માલિક દિનેશભાઈ સુવક્ષિતભાઈ પરીખ દ્વારા અમદાવાદ પોલીસમાં એક ફરિયાદ કરવામાં આવી છે. આ કંપની 2006થી એપલની હાઈ-એન્ડ પ્રોડક્ટ જેવી કે આઈફોન, મેકબૂક, આઈપેડ અને એસેસરીઝનો બિઝનેસ કરે છે.
2025ની 3 જુલાઈએ રૂટિન ઓડિટ આવ્યું હતું. આ ઓડિટ રાતે સાડા આઠ વાગ્યા બાદ શરૂ થયું હતું. આ ઓડિટમાં ઓડિટરને જાણવા મળ્યું કે ઇનવેન્ટરી અને ફાયનાન્સ બન્નેમાં ગડબડ છે. ફિઝિકલ ઇન્સ્પેક્શન અને ક્રોસ-વેરિફાઈ કર્યા બાદ જાણ થઈ હતી કે ઘણી પ્રોડક્ટ ગાયબ છે. આ સાથે જ રોકડા નાણા કાઉન્ટરમાં રાખવામાં આવતાં અંદાજે 6.66 લાખ રૂપિયાની પણ ઉચાપત કરવામાં આવી છે.
શું-શું ગાયબ છે?
• 85 આઈફોન ગાયબ છે જેની અંદાજિત કિંમત 85.91 લાખ છે
• 7 મેકબૂક જેની અંદાજિત કિંમત 8.99 લાખ રૂપિયા છે
• 1 આઈપેડ જેની કિંમત 34,900 છે
• 18 એસેસરીઝ જેમાં કેબલ, ચાર્જર, એડેપ્ટર અને એપલ પેન્સિલ છે. એની કિંમત અંદાજે 52,100 રૂપિયા છે
• 6.66 લાખ રૂપિયા રોકડા નાણા કાઉન્ટરમાંથી ગાયબ
કુલ 1.02 કરોડ રૂપિયાની ટોટલ મિલકતની ઉચાપત
દિનેશભાઈ દ્વારા ફરિયાદમાં બે વ્યક્તિના નામ લખવામાં આવ્યાં છે. એમાં સ્ટોર મેનેજર કુલદીપસિંહ જાડેજા અને સેલ્સમેન મયંકસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. તેમના પર દિનેશભાઈને શંકા છે. તેમના પર આરોપ છે કે તેમણે બન્નેએ પ્રોડક્ટ અને રોકડા નાણાની સિનિયર મેનેજમેન્ટને જાણ કર્યા વગર અને કોઈ પણ ડોક્યુમેન્ટેશન સિવાય ઉચાપત કરી છે.
ઓડિટર દ્વારા સરપ્રાઈઝ ઓડિટ કરવામાં આવ્યું હતું અને તેમણે આ ઉચાપતને શોધી કાઢી હતી. ઓડિટ રિપોર્ટમાં તેમણે જણાવ્યું છે કે આ જેટલી પણ પ્રોડક્ટ ગાયબ છે એનો કોઈ પણ સેલ અથવા તો ટ્રાન્સફર રેકોર્ડમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. આ સાથે જ જેના પર શંકા છે એ વ્યક્તિ પણ આ વિશે કોઈ જવાબ આપી નથી શક્યો. તેમને જ્યારે આ વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે આ વિશે તેમને કોઈ જ જાણ નથી. જોકે સ્ટોકમાં ગરબડ જોવા મળી એ વાત નક્કી છે.
નિકોલ પોલીસ દ્વારા આ વિશે કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે અને તેમણે આ માટેની તપાસ પણ શરૂ કરી દીધી છે. તેમના પર ચોરી, વિશ્વાસઘાત અને ષડ્યંત્ર કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે જેમના પર શંકા છે તેમણે આ મોબાઈલ ગેરકાયદેસર વેચી દીધા હશે અથવા તો કોઈ વ્યક્તિને આપ્યાં હશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ કેસમાં જોડાશે એવી ચર્ચા છે કારણ કે આ કેસમાં ખૂબ જ મોટી રકમનો સમાવેશ થાય છે. તેમ જ આ મોબાઈલ ગ્રે માર્કેટમાં વેચવામાં આવ્યા હોવાની પણ આશંકા છે. આ માટે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. પોલીસે આ માટે હાલમાં CCTV કેમેરા ચેક કરી રહી છે. તેમ જ અન્ય કર્મચારીઓ અને થર્ડ-પાર્ટી વેન્ડરોના સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરી રહી છે.