અમેરિકાને જેનો ડર હતો ચીને એ જ કરી બતાવ્યું, શક્તિશાળી AI મોડલ તૈયાર, જાણો તેની વિશેષતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China New AI Model: ચીને ફરી એક વખત અમેરિકાની સિલિકોન વેલીમાં ખળભળાટ મચાવી દીધો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીને લઈને સિલિકોન વેલીમાં અત્યારે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે, જેમાં વૈશ્વિક રોકાણકારોના અબજો રૂપિયા દાવ પર લાગેલા છે. અત્યાર સુધી આ માર્કેટમાં Anthropicના શક્તિશાળી 'Mythos' AI મોડેલનું એકહથ્થુ વર્ચસ્વ જોવા મળતું હતું, પરંતુ હવે ચીને તેને સીધી ટક્કર આપી છે.
તાજેતરના એક અહેવાલ અનુસાર, ચીની AI સ્ટાર્ટઅપ Zhipu AI (જે Z.ai તરીકે પણ ઓળખાય છે) એ એક નવું ઓપન-વેટ મોડેલ લોન્ચ કર્યું છે, જેને GLM-5.2 નામ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીની સ્ટાર્ટઅપનું આ નવું AI મોડેલ Anthropicના ફ્લેગશિપ મોડેલ 'Mythos' જેટલી જ ક્ષમતા સાથે સોફ્ટવેરની ખામીઓ શોધવાનું કામ પૂરું કરી શકે છે. સાયબર સુરક્ષા અને સોફ્ટવેર કોડિંગના ક્ષેત્રમાં તેનું પ્રદર્શન અમેરિકન મોડેલની સમકક્ષ હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય રીઝનિંગમાં હજુ પણ પાછળ
જોકે, નિષ્ણાતોના મતે ચાઇનીઝ AI મોડેલ સામાન્ય રીઝનિંગ અને વ્યાપક AI એપ્લિકેશન્સની બાબતમાં હજુ પણ Anthropic અને OpenAIના ટોચના મોડેલો કરતાં પાછળ છે. તેમ છતાં, સંશોધકો સ્વીકારે છે કે સાયબર સુરક્ષા જેવા અત્યંત જટિલ ક્ષેત્રમાં હવે અમેરિકા અને ચીન વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું છે.
વૈશ્વિક સ્તરે સસ્તા AI પ્લેટફોર્મની માંગ વધી
હાલમાં વિશ્વભરમાં સસ્તા અને કાર્યક્ષમ AI પ્લેટફોર્મની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં ચીની સ્ટાર્ટઅપ્સ અને ટેક કંપનીઓ આ ગ્લોબલ ડિમાન્ડને ઝડપથી પૂરી કરી શકે તેમ છે. સામાન્ય રીતે અમેરિકન કંપનીઓની પ્રોડક્ટ્સ અને સબ્સ્ક્રિપ્શન મોંઘા હોય છે, જ્યારે ચીન તેની સસ્તી અને કિફાયતી ટેક્નોલોજી માટે જાણીતું છે, જે તેને માર્કેટમાં મોટો ફાયદો કરાવી શકે છે.
GLM-5.2 અમેરિકન મોડેલ 'Mythos'થી કેવી રીતે અલગ છે?
ચીની સ્ટાર્ટઅપનું GLM-5.2 મોડેલ માત્ર સસ્તું જ નથી, પરંતુ કામગીરીની શૈલીમાં પણ Anthropicના મોડેલથી ઘણું અલગ છે:
- ઓપન-વેટ મોડેલ: GLM-5.2 એક ઓપન-વેટ મોડેલ છે. એટલે કે વૈશ્વિક ડેવલપર્સ તેને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
- કસ્ટમાઇઝેશનની સુવિધા: ડેવલપર્સ પોતાની જરૂરિયાત મુજબ આ કોડમાં ફેરફાર કરી શકે છે.
- લોકલ હાર્ડવેર સપોર્ટ: આ મોડેલનો ઉપયોગ કરવા માટે કોઈ મોંઘી ક્લાઉડ સર્વિસની જરૂર નથી; તેને પોતાના પર્સનલ હાર્ડવેર કે સર્વર પર પણ ચલાવી શકાય છે.
મોટું જોખમ: ટેક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઓપન-વેટ મોડેલના કારણે ડેવલપર્સ અને સ્થાનિક કંપનીઓને વધુ સ્વતંત્રતા ચોક્કસ મળશે. પરંતુ, સાયબર સુરક્ષા નિષ્ણાતોએ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે ઓપન સોર્સ જેવી સુવિધાનો લાભ ઉઠાવીને સાયબર ગુનેગારો આ શક્તિશાળી AI સિસ્ટમનો દુરુપયોગ કરી શકે છે, જે આગામી સમયમાં વૈશ્વિક કંપનીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.









