સરકારી એજન્સીની એન્ડ્રોઇડ યુઝર્સને ચેતવણી, આ કરો નહીં તો થઈ જશે બેન્ક એકાઉન્ટ ખાલી…

Android Users Warning: સરકારી એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સને હેકિંગની વોર્નિંગ આપવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે જરૂરી પગલાં નહીં લીધા તો તેમનો મોબાઇલ હેક થઈ શકે છે. સરકાર દ્વારા આ માટે એન્ડ્રોઇડના એક વર્ઝન માટે ચેતવણી આપી છે જેનો ભારતમાં કરોડો લોકો ઉપયોગ કરે છે. આ એજન્સી દ્વારા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલીક ખામી શોધી છે. આ ખામીઓનો ફાયદો ઉઠાવીને હેકર્સ મોબાઇલમાં આર્બિટ્રેરી કોડ એક્સિક્યુટ કરી શકે છે. આ કારણસર એન્ડ્રોઇડ પર ખતરો છે.
કયા વર્ઝન પર છે ખતરો?
CERT-In અનુસાર એન્ડ્રોઇડના વર્ઝન 13, 14, 15 અને 16 પર આ ખતરો છે. લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 16 પણ એમાંથી બાકાત નથી. જોકે મોટાભાગના યુઝર્સ પાસે એન્ડ્રોઇડ 14 અને 15 સ્માર્ટફોન છે. યુઝર્સ પાસે આ વર્ઝનના પિક્સેલ, વીવો, ઓપ્પો, શાઓમી, રિયલમી, મોટોરોલા, વનપ્લસ અને સેમસંગનો મોબાઇલ હોય તો દરેક યુઝર્સે ચેતી જવાની જરૂર છે.
હાર્ડવેરમાં છે સમસ્યા
CERT-Inની માહિતી અનુસાર આ સમસ્યા હાર્ડવેરને કારણે છે જેના કારણે સોફ્ટવેર પર પણ અસર પડી છે. મોબાઇલમાં Qualcomm, NVIDIA, Broadcom અને Unisoc જેવી કંપનીઓના હાર્ડવેર પાર્ટ્સમાં ખામી છે. આ પાર્ટ્સ દરેક મોબાઇલમાં આવે છે અને એથી જ એના પર હેકિંગનો ખતરો છે.
હાઇ રિસ્ક વોર્નિંગ
આ હાર્ડવેરને કારણે એન્ડ્રોઇડમાં જે પણ ખામી છે એનો ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યાં છે. તેઓ મોબાઇલ હેક કરીને એમાં આર્બિટ્રેરી કોડ એક્સિક્યુટ કરી શકે છે. ત્યાર બાદ યુઝર્સના મોબાઇલને હેક કરીને એને પોતાના ફાયદા અનુસાર એક્સેસ કરી શકે છે. એમાં યુઝર્સની બેન્કની માહિતી પણ ચોરી કરવામાં આવે છે. એનાથી યુઝર્સના બેન્ક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.
શું પગલાં લેશો?
યુઝર્સ આ ચેતવણીને ધ્યાનમાં રાખીને એ માટે પગલાં લે એ ખૂબ જ જરૂરી છે. આ ઇશ્યુ વિશે ગૂગલને પણ જાણ છે. ગૂગલ દ્વારા નવેમ્બરમાં જ આ માટેનો સિક્યોરિટી પેચ રજૂ કર્યો છે. આથી આ પેચને જલદી ઇન્સ્ટોલ કરવો જરૂરી છે. જો યુઝર્સ દ્વારા એને ઇન્સ્ટોલ કરવામાં ન આવ્યો હોય તો એને જલદી ઇન્સ્ટોલ કરવું.
આ પણ વાંચો: આઇફોન 17 અને 18ની કિંમતમાં વધારો થઈ શકે એવી ચર્ચા, જાણો કારણ…
CERT-Inની સલાહ
• યુઝર્સ પોતાના મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમને સતત લેટેસ્ટ અપડેટ આધારિત રાખે.
• એક પણ સિક્યોરિટી પેચને નજરઅંદાજ ન કરવું.
• સેટિંગ્સમાં જઈને ઓટો અપડેટ ચાલુ કરવું જેથી નવી અપડેટ આવતાં ફોન ઓટો અપડેટ થઈ જશે.
• ગૂગલ પ્લે સ્ટોર પર પ્લે પ્રોટેક્ટનો ઉપયોગ કરવો.
• કોઈ પણ અજાણી લિન્કને ઓપન ન કરવી જેમાં અટેચમેન્ટ હોય.
• થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી દૂર રહેવું. હંમેશાં ગૂગલ પ્લે સ્ટોર અથવા તો ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરવો.

