Get The App

આઇફોન 17 અને 18ની કિંમતમાં વધારો થઈ શકે એવી ચર્ચા, જાણો કારણ…

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
આઇફોન 17 અને 18ની કિંમતમાં વધારો થઈ શકે એવી ચર્ચા, જાણો કારણ… 1 - image


iPhone Price to Increase: એપલ સામે હાલમાં એક નવી ચેલેન્જ આવી છે. સેમિકન્ડક્ટર ચીપની કિંમતમાં વધારો થતાં હવે આઇફોનની કિંમતમાં વધારો થઈ શકે છે. એપલની સેમિકન્ડક્ટર માટેની સપ્લાયર તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC) દ્વારા એપલને જણાવી દેવામાં આવ્યું છે કે તેઓ હવે ચીપની કિંમતમાં વધારો કરી રહ્યાં છે. આ કંપની દુનિયાની સૌથી મોટી સેમિકન્ડક્ટર બનાવતી કંપની છે. તેમના દ્વારા એપલ અને અન્ય ક્લાયન્ટને જણાવી દેવામાં આવ્યું છે કે તેઓ 2026થી 5 નેનોમીટરની અંદર આવતી ઍડ્વાન્સ ચીપના ફેબ્રિકેશનની કિંમતમાં વધારો કરી રહ્યા છે.

ચીપની કિંમત વધતાં આઇફોનના ભાવ પર કેમ અસર પડશે?

TSMC દ્વારા ચીપની કિંમતમાં 8થી 10 ટકા વધારો કરવાની ચર્ચા છે. છેલ્લા 26 વર્ષમાં 3થી 5 ટકા કરવામાં આવતા હતા એની સરખામણીમાં આ ખૂબ જ મોટો જમ્પ માનવામાં આવી રહ્યો છે. આ કિંમતને કારણે ચીપની બનાવટમાં અસર પડશે. ખાસ કરીને લેટેસ્ટ ઍડ્વાન્સ ચીપની કિંમતમાં વધારો થશે. ખાસ કરીને 3nm A18 ચીપ જેનો સમાવેશ આઇફોન 17 પ્રો મોડલ્સમાં કરવામાં આવ્યો છે. તેમ જ 2nm A20 ચીપ જેનો સમાવેશ આઇફોન 18 પ્રોમાં કરવામાં આવશે એવી ચર્ચા છે. આ બન્ને ચીપની કિંમત પર અસર પડશે. આઇફોન 16મા A18 ચીપનો સમાવેશ થતાં એની પડતર કિંમતમાં 45 અમેરિકન ડૉલરનો વધારો થશે.

એપલની આઇફોન સ્ટ્રેટેજી પર અસર

એપલ દ્વારા ઘણાં સમયથી પરફોર્મન્સમાં અપગ્રેડ કરવા છતાં એની કિંમત બેલેન્સ રાખવામાં આવી છે. જોકે ચીપની વધતી કિંમતને કારણે એ એપલની સ્ટ્રેટેજી પર એની અસર પડી શકે છે. આઇફોનની પડતર કિંમતમાં વધારો થતાં એના પ્રોફિટ માર્જિનમાં ઘટાડો થશે. જો કંપની તેના નફાને જવા દેવા ન માગતી હોય તો તેઓ આઇફોનની કિંમતમાં વધારો કરીને ગ્રાહક પાસેથી એ વસૂલ કરી શકે છે. સારું પરફોર્મન્સ અને સારું કામ આપી શકે એ માટે 2nm ચીપ બનાવવા માટે વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. એપલ હવે મેક અને આઇપેડમાં પણ આ ચીપનો ઉપયોગ કરવાનું વિચારી રહી હતી. જોકે હવે એના પર પણ અસર પડી શકે છે. TSMC દ્વારા વધારવામાં આવેલી કિંમત એપલની ઘણી પ્રોડક્ટને અસર કરી શકે છે.

ગ્રાહક માટે એનો અર્થ શું છે?

એપલ દ્વારા આ ખર્ચ પોતે ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું તો તેમના નફા પર અસર પડશે, પરંતુ જો ગ્રાહકને માથે આવ્યું તો કિંમતમાં વધારો થશે. આઇફોન 17 પ્રો મોડલ્સની કિંમતમાં વધારો થઈ શકે છે. એમાં લેટેસ્ટ ચીપ હોવાથી એની કિંમતમાં વધારો થવો સમજી શકાય છે. આ સાથે જ આગામી આઇફોન 18ની કિંમતમાં પણ વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: આઇફોન ફોલ્ડની રાહ જોનાર માટે ખુશખબર, ડિઝાઇન અને ફીચર્સની માહિતી થઈ લીક…

માર્કેટ પર અસર

એપલ દ્વારા હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ TSMCની કિંમત વધારતા માર્કેટ પર એની અસર પડશે. કંપનીઓ હવે નાની ચીપને વધુ પાવરફુલ બનાવવા પર ધ્યાન આપી રહી છે. આથી ચીપ બનાવતી કંપનીઓ હવે આ ચીપનો ભાવ વધારી રહી છે. આ કારણસર અન્ય મોબાઇલ કંપનીઓ પર પણ એની અસર પડશે કારણ કે એક કંપની ચીપનો ભાવ વધારે ત્યારે અન્ય કંપની પણ એને અનુસરે છે.

Tags :