Apple vs Apple: આઇફોન બનાવતી કંપનીએ એપલ સિનેમા પર કર્યો કેસ
Apple vs Apple: એપલ દ્વારા અમેરિકાના મેસાચુસેટ્સમાં આવેલી ફેડરલ કોર્ટમાં એક કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. આ કેસ અમેરિકામાં આવેલી એક નાની થિયેટર્સની ચેન પર કરવામાં આવ્યો છે. આ ચેન દ્વારા પોતાનું નામ એપલ સિનેમાસ રાખવામાં આવ્યું છે. એપલનું કહેવું છે કે આ નામ રાખવું ટ્રેડમાર્કના નિયમ વિરુદ્ધનું છે. એપલ દ્વારા ગયા શુક્રવારે આ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. આઇફોન બનાવતી કંપનીએ આરોપ લગાવ્યો છે કે સિનેમાસ દ્વારા તેમની કંપનીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નામને કારણે ઘણાં લોકોમાં ગેરસમજ ઊભી થઈ રહી છે. ઘણાં લોકોને સ્ટીવ જોબ્સવાળું એપલ કંપનીનું સિનેમા થિયેટર લાગી રહ્યું છે.
એપલની ઇમેજને નુકસાન થવાનો આરોપ
એપલ દ્વારા ઘણાં આરોપ લગાવવામાં આવ્યાં છે. ટ્રેડમાર્કના ઉલંઘનની સાથે કંપનીની ઇમેજને પણ નુકસાન થઈ રહ્યું છે. એપલે એમ પણ કહ્યું છે કે તેમના નામનો ઉપયોગ કરવાથી સિનેમાની ચેનને ઘણો ફાયદો થઈ રહ્યો છે. એપલનું કહેવું છે કે અન્ય કંપનીના નામનો ઉપયોગ કરી બિઝનેસ કરવું ખોટું છે કારણ કે એનાથી એપલની બ્રેન્ડ વેલ્યુ ઓછી થઈ શકે છે. આથી બન્ને વચ્ચે કોર્ટમાં કેસ ચાલશે. એટલે કે આ કેસ Apple vs Apple હશે.
2013માં એપલ સિનેમાસની થઈ હતી શરૂઆત
અમેરિકામાં એપલ સિનેમાસની શરૂઆત 2013માં થઈ હતી. અમેરિકાના નોર્થઈસ્ટર્ન વિસ્તારમાં આ ચેન ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી પણ રહી છે. એપલ સિનેમાસ હવે તેની ચેનને વધુ વિસ્તારવાનું પ્લાનિંગ કરી રહી છે. હવે સાન ફ્રાન્સિસ્કોમાં પણ એપલ સિનેમાસના થિયેટર્સ જોવા મળી શકે છે. આ ચેન હવે 100થી વધુ નવા સિનેમાઘર બનાવવા જઈ રહી છે. આથી એપલના નામને લઈને લોકોમાં ગેરસમજ ઊભી થઈ રહી છે અને એથી જ આઇફોન બનાવતી કંપની દ્વારા આ કેસને કોર્ટમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ચેટજીપીટીને ટક્કર આપવા એપલ તૈયાર, AI ચેટબોટ બનાવવા માટે શરૂ કરી ટેલેન્ટ હન્ટ
એપલ સિનેમાસ સાથે વાતચીતમાં ઉકેલ ન આવ્યો
એપલ સિનેમાસની વેબસાઇટના આધારે આ ચેન હેઠળ 14 થિયેટર્સ કાર્યરત છે. એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે આ કંપની સાથે મળીને ઘણી વાર વાતચીત કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરી છે. જોકે સિનેમાસ કંપની દ્વારા આ વાતચીતને હંમેશાં નજરઅંદાજ કરવામાં આવી હતી. અમેરિકાની પેટેન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસની વોર્નિંગની સાથે ઘણી ફરિયાદ એપલ સિનેમાસ થિયેટર્સને મોકલી છે. આમ છતાં સિનેમાઘર દ્વારા એપલના નામનો ઉપયોગ કરવાનું બંધ કરવામાં નથી આવ્યું.