Caller Name Presentation Service In India: ભારતમાં ટેલિફોન ફ્રોડ અને સ્પામ કોલ્સ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર અને ટ્રાઈ (TRAI) દ્વારા 'કોલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP - Calling Name Presentation) નામની નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. આ સુવિધાનું ટેસ્ટિંગ હાલમાં અંતિમ તબક્કામાં છે અને આગામી થોડા મહિનાઓમાં તે સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થઈ જશે.
ખાનગી કંપનીઓએ ટેસ્ટિંગ શરૂ કર્યું
ભારત સરકારે તમામ ટેલિકોમ ઓપરેટર્સને 31 માર્ચ, 2026 સુધીમાં સમગ્ર ભારતમાં આ સેવા ફરજિયાતપણે શરૂ કરી દેવા સૂચના આપી છે. જે અંતર્ગત Jio, Airtel અને Vodafone-Idea (Vi) એ ઘણા રાજ્યોમાં આના સફળ ટ્રાયલ્સ પૂર્ણ કરી લીધા છે. ગુજરાત સહિતના કેટલાક સર્કલ્સમાં Airtel અને અન્ય ઓપરેટર્સે તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જ્યારે સરકારી કંપની BSNL પણ આગામી 3-4 મહિનામાં આ સેવા પૂર્ણપણે શરૂ કરવાની તૈયારીમાં છે.
BSNL 3 મહિનામાં નવી સર્વિસ સંપૂર્ણપણ લાગુ કરશે
તાજા અહેવાલો મુજબ, સરકારી ટેલિકોમ કંપની BSNL એ આ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે આગામી 3થી 4 મહિનામાં BSNLના ગ્રાહકોને આ સુવિધા મળવા લાગશે. ત્યારબાદ ખાનગી ટેલિકોમ કંપનીઓ પણ આ વ્યવસ્થાને સંપૂર્ણપણે લાગુ કરશે. અંદાજ છે કે 31 માર્ચ, 2026 સુધીમાં આ વ્યવસ્થા આખા દેશમાં તમામ નેટવર્ક પર કાર્યરત થઈ જશે.
KYC આધારિત સચોટ ઓળખ
અત્યાર સુધી આપણે અજાણ્યા નંબરની ઓળખ માટે 'Truecaller' (ટ્રુકોલર) જેવી થર્ડ પાર્ટી એપ્સ પર આધાર રાખવો પડતો હતો, જે ક્રાઉડ-સોર્સિંગ પર ચાલતી હોવાથી હંમેશા સાચી માહિતી આપતી નથી. પરંતુ નવી 'CNAP' (સીનેપ) વ્યવસ્થામાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકના 'નો યોર કસ્ટમર' (KYC) દસ્તાવેજો, ખાસ કરીને આધાર કાર્ડ સાથે લિંક્ડ સત્તાવાર નામનો ઉપયોગ કરશે. આનો અર્થ એ કે જ્યારે કોઈ વ્યક્તિ તમને કોલ કરશે, ત્યારે તેના સિમ કાર્ડ લેતી વખતે જે સત્તાવાર નામ નોંધાવ્યું હશે તે જ તમારી સ્ક્રીન પર દેખાશે.
તમારા ફોન પર કેવી રીતે કામ કરશે?
જો તમે કોઈ મિત્રનો નંબર 'બબાલ' કે અન્ય કોઈ હુલામણા નામથી સેવ કર્યો હશે, તો કોલ આવતી વખતે થોડી સેકન્ડ માટે તેનું આધાર કાર્ડ મુજબનું ઓફિશિયલ નામ દેખાશે અને ત્યારબાદ તમે સેવ કરેલું નામ જોવા મળશે. જો નંબર સેવ નહીં હોય, તો માત્ર તેનું ઓફિશિયલ નામ જ સ્ક્રીન પર ફ્લેશ થશે. આ વ્યવસ્થા શરૂઆતમાં 4G અને 5G નેટવર્ક પર ઉપલબ્ધ થશે અને બાદમાં જૂના નેટવર્ક્સ પર પણ લાવવામાં આવશે.
આ પણ વાંચો: એઆઈને એડ્સથી કંટાળ્યા ?
પ્રાઇવસી અને યૂઝર કંટ્રોલ
આ વ્યવસ્થા મોબાઈલ કંપનીઓ માટે ફરજિયાત હશે અને તે 'બાય ડિફોલ્ટ' એક્ટિવ રહેશે. જોકે, સરકાર ગ્રાહકોની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખી રહી છે. જો કોઈ યૂઝર ઈચ્છે કે તેનું નામ બીજાને ન દેખાય, તો તે આ સુવિધાને બંધ કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.
આ નવી સિસ્ટમ લાગુ થવાથી ફેક કોલ્સ, બેન્ક ફ્રોડ અને અજાણ્યા નંબરથી થતી હેરાનગતિમાં મોટો ઘટાડો આવવાની શક્યતા છે.


