આજકાલ આપણે એવા સમાચાર વાંચીએ છીએ કે વિવિધ એઆઇ એજન્ટ્સે સાથે મળીને માત્ર
તેમના માટેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડેવલપ કર્યું અને માણસોને કહી દીધું - નો
એન્ટ્રી!
કેમ કે જમાનો એઆઇનો છે! હવે આપણે ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરીએ, સોશિયલ મીડિયામાં કંઈ પણ જોઇએ, યુટ્યૂબમાં કોઈ વીડિયો જોઇએ
ત્યારે એ અસલી હશે કે એઆઇ જનરેટેડ તે કહી શકાતું નથી. વાત માત્ર ઇમેજ કે વીડિયોની
નથી. લોકો પોતાની પોસ્ટની ટેકસ્ટ પણ એઆઇ પાસે જનરેટ કરીને તેને સાવ કોપી-પેસ્ટ
કરતા હોય છે.
એ જ રીતે કોઈ પણ સર્ચ એન્જિનમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે એવું લાગે કે બધું
આપણને જોઈતાં સર્ચ રિઝલ્ટ આપવા માટે નહીં પણ જાહેરાતો બતાવવા માટે જ ડિઝાઇન થયેલ
છે!
એટલે જ ધીમે ધીમે એવી સ્થિતિ આવી રહી છે કે આપણે સૌ આવા એઆઇ જનરેટેડ કન્ટેન્ટ
કે એડ્સની વધુ પડતી ભરમારથી થી કંટાળવા લાગ્યા છીએ અને અસલી, પૂરેપૂરું હ્યુમન-જનરેટેડ, લગભગ એડ-ફ્રી કન્ટેન્ટ શોધતા
રહીએ છીએ.
લોકોની આ નવી જરૂરિયાત પારખીને અમેરિકાની એક કંપનીએ સ્મોલ વેબ નામે એક નવી પહેલ કરી છે. તેણે વિક્સાવેલું કગી (kagi.com)નામનું આ પ્લેટફોર્મ વાસ્તવમાં એક સર્ચ એન્જિન છે. જેમાં એડ-આધારિત સર્ચ
રિઝલ્ટ તથા એઆઇ-જનરેટેડ કન્ટેન્ટને બદલે આપણને ખરેખ રસ પડે તેવા કન્ટેન્ટને આગળ
કરવામાં આવે છે. એ માટે મોટા ભાગે નોન કમર્શિયલ, લોકોએ જાતે લખેલી વેબસાઇટ્સને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. સ્મોલ વેબ સર્ચ
એન્જિનનો એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ સર્ચ એન્જિનનાં
પેઇડ અને ફ્રી એમ બે વર્ઝન છે!
તમે પોતાના વેબ બ્રાઉઝરમાં કે સ્માર્ટફોનમાં એપ તરીકે આ સર્ચ એન્જિનનો ઉપયોગ
કરીને જીવતા જાગતા અસલી લોકોએ ક્રિએટ કરેલ પર્સનલ બ્લોગ કે વીડિયો વગેરે જોઈ શકો
છો. એક સમયે ઇન્ટરનેટ પર આ જ પ્રકારની કન્ટેન્ટની બોલબોલા હતી. એ પછી બધું ને બધું
બહુ મોટી ટેક કંપનીઓ દ્વારા કંટ્રોલ થતાં પ્લેટફોર્મમાં ફેરવાવા લાગ્યું અને
ઇન્ટરનેટનો આખો બિઝનેસ એડ્સ તથા ક્લિક આધારિત થઈ ગયો.
સ્મોલ વેબ અને તેનું કગી સર્ચ એન્જિન એ જૂનો જમાનો પાછો લાવવાની મથામણ છે!


