મોબાઇલથી ચેક થશે બ્લડ શુગર: ફક્ત ટચ કરો, સોઈની જરૂર નહીં પડે હવે…

Sugar Monitor System: ડાયાબિટીઝના દર્દીને વારંવાર બ્લડ શુગર ચેક કરવાની જરૂર પડે છે. આ માટે ઘણી વાર લેબોરેટરીમાં જવું પડતું હતું. જોકે ત્યાર બાદ ડિજિટલ મીટર આવી ગયા હતા જેની મદદથી ઘરે પણ દર્દી શુગર ચેક કરી શકે છે. એ માટે દર્દીએ એ મશીનમાં પણ વારંવાર સોઈ આંગળીમાં મારવી પડે છે. જોકે હવે માર્કેટમાં એક નવી પ્રોડક્ટ આવી છે. મોબાઇલની મદદથી હવે યુઝર્સ પોતાનું બ્લડ શુગર ચેક કરી શકશે. આ માટે હવે તેમણે આંગળીમાં સોઈ વાગડવાની પણ જરૂર નહીં પડે. આ પ્રોડક્ટનું નામ સ્માર્ટ ગ્લૂકોઝ મોનિટર છે. એનું મેડિકલ નામ કન્ટિન્યુઅસ ગ્લૂકોઝ મોનિટરિંગ સિસ્ટમ છે.
આ ગ્લૂકોઝ મીટરને હાથ પર અથવા તો પેટ પર લગાવી શકાય છે. એ લગાવ્યા બાદ સરળતાથી મોબાઇલ પર એને સતત ચેક કરી શકાય છે. આથી એનો ઉપયોગ કરનારને સોઈથી છૂટકારો મળે છે.
સ્ટીકર જેવા આકારમાં છે ઘણાં સેન્સર
માર્કેટમાં ઘણી-ઘણી કંપનીઓના બ્લડ ગ્લૂકોઝ મીટર સ્ટીકર મળે છે. કેટલાક પ્રોડક્ટ બ્લૂટૂથનો સપોર્ટ આપે છે તો કેટલાક NFCનો સપોર્ટ આપે છે. આથી મોબાઇલ અને પ્રોડક્ટ સાથે કમ્યુનિકેશન કરવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ પ્રોડક્ટ સેન્સરની મદદથી શુગર લેવલ ચેક કરે છે. બ્લૂટૂથ વાળી પ્રોડક્ટમાં એપ્લિકેશનની જરૂર પડે છે જેમાં ડેટા જોવા મળે છે. NFC વાળી પ્રોડક્ટમાં મોબાઇલને ફક્ત પ્રોડક્ટ પર ટચ કરવાનું રહેશે અને એના દ્વારા મોબાઇલમાં ડેટા પોપ-અપ થઈ જશે.
સ્માર્ટ ગ્લૂકોઝ મીટર કેવી રીતે કામ કરે છે?
સ્માર્ટ ગ્લૂકોઝ મીટરને હાથ અથવા તો પેટ પર લગાવવાનું રહેશે. શરીરની અંદર ઇન્ટરસ્ટિશિયલ ફ્લૂઇડમાં ગ્લૂકોઝના પ્રમાણને આ પ્રોડક્ટ ચેક કરે છે. બ્લૂટૂથ અથવા તો NFC દ્વારા એને મોબાઇલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એપ્લિકેશનમાં શુગરના ગ્રાફમાં વધતા ઉતાર-ચઢાવને પણ જોઈ શકાશે. આ સાથે જ એ માટેની એલર્ટ પણ આપવામાં આવશે.

શું છે કિંમત?
સ્માર્ટ બ્લડ શુગર માટે માર્કેટમાં ઘણાં વિકલ્પ છે. અલગ-અલગ કંપનીઓ અલગ-અલગ ફીચર્સ સાથે એને વેચે છે અને તેમનું રિઝલ્ટ કેટલું ચોક્કસ છે એનો દાવો પણ કરે છે. આ પ્રોડક્ટ માર્કેટમાં 3 થી 5 હજાર રૂપિયામાં મળે છે. એમાં આવતું એક પેચ 15 દિવસ સુધી યુઝર ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો: સરકારી એજન્સીની એન્ડ્રોઇડ યુઝર્સને ચેતવણી, આ કરો નહીં તો થઈ જશે બેન્ક એકાઉન્ટ ખાલી…
આ પ્રોડક્ટ કોના માટે છે ઉપયોગી?
ગ્લૂકોઝ મીટર પ્રોડક્ટ શુગરના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રોડક્ટ સતત બ્લડ શુગરને કેલ્ક્યુલેટ કરે છે. યુઝરને જરા પણ એની તબિયતમાં અસર લાગે કે મોબાઇલ ચાલુ કરીને તેઓ તરત જ શુગર લેવલ ચેક કરી શકે છે. હાઈ અથવા તો લો થઈ ગયું હોય તો યુઝર એને કન્ટ્રોલ કરવા માટે જરૂરી પગલાં લઈ શકે છે.

