Get The App

હવે AI, રોબોટિક્સ અને હાઈટેક કમ્પ્યુટર ડિવાઇસનો યુગ, આસુસનો પણ સ્માર્ટફોન નહીં બનાવવાનો નિર્ણય

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
હવે AI, રોબોટિક્સ અને હાઈટેક કમ્પ્યુટર ડિવાઇસનો યુગ, આસુસનો પણ સ્માર્ટફોન નહીં બનાવવાનો નિર્ણય 1 - image


ASUS Mobile: દુનિયામાં ઘણી મોટી-મોટી કંપનીઓ છે જેનો ખરાબ સમય આવે છે. બ્લેકબેરી અને નોકિયા એક સમયની નંબર વન કંપની હતી, પરંતુ આજે બંધ થઈ ગઈ છે. એવી જ રીતે હવે તાઇવાનની કંપની આસુસ દ્વારા પણ હવે સ્માર્ટફોન બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આસુસ દ્વારા સત્તાવાર રીતે એની જાહેરાત કરતાં હવે એક યુગનો અંત આવી ગયો છે. કંપનીના ચેરમેન જોની શિહ દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે. તાઈપેઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જોનીએ કહ્યું કે ‘આસુસ હવે ભવિષ્યમાં એક પણ નવા મોડલનો સમાવેશ નહીં કરે.’

આ જાહેરાતને કારણે હવે ઝેનફોન અને રોગ ફોન સીરિઝનો અંત આવી ગયો છે. જોકે આ સીરિઝના ફોન નવા નહીં આવવા છતાં કંપની દ્વારા અત્યાર સુધી જેટલા પણ મોબાઇલ માર્કેટમાં છે એને સપોર્ટ આપવામાં આવશે. કંપની દ્વારા હવે નવા મોબાઇલ નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ પણ હવે બ્લેકબેરી અને નોકિયાની કેટેગરીમાં આવી ગઈ છે. જો કે આસુસ દ્વારા હજી પણ અન્ય પ્રોડક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

કમ્પ્યુટર અને AI પર ધ્યાન

આસુસ દ્વારા મોબાઇલ 2026માં નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ તેમની સ્ટ્રેટેજી છે. તેઓ હવે લાંબું વિચારી રહ્યાં છે અને કમ્પ્યુટર અને AI પર ધ્યાન આપવા માગે છે. આસુસ હવે AI આધારિત સિસ્ટમ, રોબોટિક્સ અને કમ્પ્યુટર ડિવાઇસ પર ધ્યાન આપવા માગે છે. AI ટેક્નોલોજીની ડિમાન્ડ જ્યારે વધી રહી છે ત્યારે ટેક ઇન્ડસ્ટ્રીમાં દરેક કંપની હવે તેમની બિઝનેસ સ્ટ્રેટેજી પર ફોકસ કરી રહી છે. આથી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આસુસ દ્વારા પણ કેટલાક સખત નિર્ણય લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Xની એલ્ગોરિધમ હવે ઓપન સોર્સ, રેગ્યુલેટર્સના દબાણ બાદ મસ્કે પારદર્શકતા વધારી

AIને લઈને આસુસના પ્લાન

આસુસ હવે AI સર્વર બનાવવા પર ફોકસ કરી રહ્યું છે. અલગ અલગ AI મોડલ બનાવતા ક્લાયન્ટ માટે હવે તેઓ સર્વર બનાવવા પર ધ્યાન આપી રહ્યાં છે. આ સાથે જ AI માટે તેઓ અન્ય હાર્ડવેર પણ ડિઝાઇન કરી રહ્યાં છે. કંપનીને એવી આશા છે કે મોબાઇલના બિઝનેસ કરતાં AIનો બિઝનેસ તેમને વધુ રેવન્યુ જનરેટ કરીને આપશે. આથી તેમણે મોબાઇલની જગ્યાએ હવે સંપૂર્ણપણે AI પર ફોકસ કરવાનું નક્કી કર્યું છે.