X Open Source: ઇલોન મસ્કના X દ્વારા ગ્રોકની મદદથી કામ કરવામાં આવતી એલ્ગોરિધમને ઓપન સોર્સ બનાવવામાં આવી છે. X પર ‘ફોર યૂ’ ફીડ આવે છે જેને ઓફિશિયલી હવે ઓપન સોર્સ બનાવવામાં આવી છે. આ પ્રોડક્શન સિસ્ટમને ગિટહબ પર લોન્ચ કરવામાં આવી છે. આ એજ કોડ સિસ્ટમ છે જે હાલમાં Xના પ્લેટફોર્મ પર ઉપયોગ કરવામાં આવી છે. આ કોડને xAIના ગ્રોક દ્વારા બનાવવામાં આવ્યો છે. ઇલોન મસ્ક દ્વારા 11 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી કે તે તેના X પ્લેટફોર્મને ટ્રાન્સપરન્ટ બનાવશે. આ માટે તેણે જે કોડ રિલીઝ કર્યો છે એમાં ઓર્ગેનિક પોસ્ટ કેવી રીતે કામ કરે છે અને એડ્વર્ટાઇઝમેન્ટ માટે યુઝરને કેવી રીતે રિકમેન્ડેશન મોકલવામાં આવે છે એ વિશે માહિતી આપવામાં આવી છે.
Xનું ફીડ કેવી રીતે કામ કરે છે?
X દ્વારા તેનું ફીડ-રેન્કિંગ કોડબેઝને દર ચાર અઠવાડિયે અપડેટ કરવામાં આવે છે. તેમની સિસ્ટમ લોજિકમાં જે પણ બદલાવ કરવામાં આવે છે એની ડેવલપર માટે સંપૂર્ણ માહિતી સાથે નોટ્સ પણ આપવામાં આવશે. Xની નવી ઓપન-સોર્સ સિસ્ટમ એલ્ગોરિધમમાં ખૂબ જ બદલાવ લાવી રહી છે અને એમાં એડવાન્સ રેન્કિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. યુઝરની ફીડ હવે તેઓ જે એકાઉન્ટને ફોલો કરી રહ્યાં છે એની સાથે-સાથે દુનિયાભરના કન્ટેન્ટને પણ દેખાડવામાં આવશે. આથી યુઝર્સ હવે બન્ને કન્ટેન્ટને જોઈ શકશે. AI સિસ્ટમ હવે લાઇક, રિપ્લાય, ક્લિક અને વીડિયો જોવા વગેરે જેવી દરેક બાબતને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ તૈયાર કરશે.
દુનિયાભરના રેગ્યુલેટર્સના પ્રેશર બાદ કર્યું ઓપન સોર્સ
X પર દુનિયાભરના દેશના રેગ્યુલેટર્સનું પ્રેશર છે. X પર સતત આરોપ લાગ્યો છે કે એની એલ્ગોરિધમમાં પૂર્વગ્રહ જોવા મળે છે. તેમ જ તેમના દ્વારા કન્ટેન્ટ મોડરેશન કરવામાં નથી આવતું. જોકે હવે મસ્ક દ્વારા તેમના સોર્સ કોડને જ ઓપન કરી નાખવામાં આવ્યું છે. આથી જે પણ વ્યક્તિને કોઈ પણ શંકા હોય તો એ ત્યાં જઈને તેમની એલ્ગોરિધમ ચેક કરી શકે છે. ઓપન સોર્સના મહત્ત્વ વિશે ઇલોન મસ્ક કહે છે, ‘અમને ખબર છે કે એલ્ગોરિધમ જોઈએ એટલી સારી નથી અને એમાં ઘણાં સુધારાની જરૂર છે. જોકે હવે અમે પણ કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ એને તમે પણ રિયલ-ટાઇમમાં જોઈ શકશો. સંપૂર્ણ પારદર્શકતા રાખવામાં આવી રહી છે. કોઈ પણ સોશિયલ મીડિયા કંપની આ રીતે ઓપન સોર્સ નથી રાખી રહી.’
આ પણ વાંચો: શું છે રીવ્યુ ફાર્મિંગ? : રીવ્યુ અને રેટિંગ્સ જોઈને ખરીદી પહેલાં ચેતી જજો, જાણો કારણ...
ગ્રોકને લઈને વિવાદ
ગ્રોકના ઇમેજ જનરેશન ફીચરને લઈને ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. એનો ઉપયોગ કરી ડીપફેક ન્યૂડ ફોટો અને વીડિયો બનાવવામાં આવી રહ્યાં છે. એને લઈને દુનિયાભરમાં એનો વિવાદ ચાલી રહ્યો છે. તેમ જ એના પર કન્ટેન્ટ મોડરેશનને લઈને પણ વિવાદ ચાલે છે. જોકે મસ્ક દ્વારા એને ઓપન સોર્સ કરવામાં આવ્યું હોવાથી હવે X પર કેવી રીતે કન્ટેન્ટ રિકમેન્ડ કરવામાં આવે છે એ જાણવા મળશે. તેમ જ જે પણ વિવાદ હતો એમાં હવે પારદર્શકતા આવશે. 2023માં X જ્યારે ટ્વિટર હતું ત્યારે પણ એની કેટલીક બાબતોને ઓપન સોર્સ કરવામાં આવી હતી. ગિટહબ પર એને રિલીઝ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ વર્ષ થઈ ગયા હોવાથી મોટાભાગની ફાઇલ આઉટડેટેડ થઈ ગઈ છે.


