USA Product Ban: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલૅન્ડ વિશેના વિવાદાસ્પદ નિવેદનોની ઘણી અસર થઈ રહી છે. અમેરિકન બનાવટના ઉત્પાદનોને ટાળવામાં ગ્રાહકોને મદદરૂપ થતી બે એપ્સની ડેનમાર્કમાં લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. NonUSA અને Made O’Meter નામની એપ્સ ડેનિશ એપ સ્ટોરના ચાર્ટ્સમાં ઝડપથી ઉપર પહોંચી ગઈ છે. આ એપ્સ યુઝર્સને અમેરિકન બનાવટના ઉત્પાદનો ઓળખવામાં અને સ્થાનિક વિકલ્પો સૂચવવામાં મદદ કરે છે. યુઝર્સનો આ એપ્સ પ્રત્યેનો આકર્ષણ યુરોપિયન ગ્રાહકોમાં ખાસ કરીને ડેનમાર્કમાં, અમેરિકન પ્રોડક્ટ સામે વધતી ડિજિટલ વિરોધની ભાવના દર્શાવે છે.
NonUSA એપની વધી લોકપ્રિયતા
NonUSA એપ, જે ખાસ કરીને યુઝર્સને અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં મદદ કરે છે. ડેનિશ એપ સ્ટોરમાં આ એપ્લિકેશન ટોચનું સ્થાન મેળવી ચૂકી છે. આ એપ યુઝર્સને પ્રોડક્ટ બારકોડ સ્કેન કરવાની અને તેનો મૂળ દેશ તપાસવાની સુવિધા આપે છે, તેમજ શક્ય હોય ત્યાં સુધી તેનો સ્થાનિક વિકલ્પ પણ સૂચવે છે. તેની લોકપ્રિયતા માત્ર ડેનમાર્ક સુધી મર્યાદિત નથી પરંતુ નૉર્વે, સ્વીડન અને આઇસલેન્ડ જેવા અન્ય નોર્ડિક દેશોમાં પણ ફેલાઈ રહી છે.
Made O’Meterની લોકપ્રિયતામાં વધારો
Made O’Meter એપ iOS અને Android બંને પર ઉપલબ્ધ છે. એને પણ ખૂબ જ ઝડપથી લોકો ડાઉનલોડ કરી રહ્યાં છે. જોકે તેની પહોંચ NonUSA જેટલી મોટી નથી, તે છતાં તેણે ડેનિશ એપ સ્ટોરમાં પાંચમા સ્થાન સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. NonUSA (iOS પર) અને Made O’Meter (બંને પ્લેટફોર્મ્સ પર)ના સંયુક્ત ડાઉનલોડ્સ ગયા અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયામાં 867% સુધી વધી ગયા છે.
લોકલનો બહિષ્કાર અને ટ્રાવેલ પ્લાન પણ રદ કર્યો
એપ ડાઉનલોડ્સમાં આ વધારો ડેનમાર્કમાં ચાલી રહેલા લોકલ ગ્રાહક બહિષ્કાર વચ્ચે જોવા મળ્યો છે. કેટલાક રહેવાસીઓએ તો તેમના આયોજન કરેલા યુએસ પ્રવાસો પણ રદ કર્યા છે અને Netflix જેવી અમેરિકન સ્ટ્રીમિંગ સેવાઓની સબ્સ્ક્રિપ્શન ફરી વિચારવા માંડી છે. આ ચળવળ વધુને વધુ વ્યક્તિગત ગ્રાહક પસંદગીઓથી પ્રેરિત લાગે છે. આ માટે કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ લોકોને એ કરવા માટે પ્રેરિત નથી કરી રહ્યું, પરંતુ લોકો જાતે એનો વિરોધ કરી રહ્યાં છે. તેમ જ સોશિયલ મીડિયા અને એપ શોધખોળ આ બહિષ્કારો વિશે જાણકારી ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચો: નોઇડામાં બની દેશની સૌથી મોટી બેટરી સ્ટોરેજ સિસ્ટમ, ચીન પરની નિર્ભરતા દૂર થશે
ડેનમાર્કના એપનું માર્કેટ કેવું છે?
વિરોધ કરવામાં આવી રહ્યો હોવા છતાં, અનેક યુએસ આધારિત એપ્સ હજુ પણ ડેનમાર્કના ચાર્ટ્સમાં પ્રભુત્વ ધરાવે છે. તેમાં ChatGPT, Microsoft Authenticator અને શોપિંગ એપ Shopનો સમાવેશ થાય છે. Rejsekort જેવી સ્થાનિક ટ્રાવેલ સર્વિસ એપ્સ પણ યાદીમાં ભારે પ્રમાણમાં જોવા મળે છે, જે ચાલુ પરિસ્થિતિ વચ્ચે પ્રવાસ યોજનાઓમાં થયેલા ફેરફારોને પ્રતિબિંબિત કરે છે. Appfigures જણાવે છે કે ડેનમાર્કના iOS એપ સ્ટોરમાં દરરોજ તમામ એપ્સ મળીને આશરે 200,000 ડાઉનલોડ થાય છે.


