બજેટ મેકબુક પર કામ કરી રહ્યું છે એપલ? : આઇફોન 16 પ્રોના પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે એવી ચર્ચા
Apple Budget Macbook: એપલ બજેટ-ફ્રેન્ડલી મેકબુક પર કામ કરી રહ્યું હોવાની ચર્ચા છે. જો મેકબુક સસ્તુ લોન્ચ કરવામાં આવે તો લેપટોપના માર્કેટમાં એ ગેમ ચેન્જર બની શકે છે. મેકબુકની કિંમત વધુ હોવાથી એનો હાલમાં બધા ઉપયોગ નથી કરતાં, પરંતુ જો એ સસ્તુ કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિ પણ એ ખરીદી શકે છે. આ મેકબુકમાં એપલ આઇફોન 16 પ્રોની ચીપનો ઉપયોગ કરવામાં આવશે એવી સંભાવના છે. આ મેકબુકમાં ડિઝાઇન, પર્ફોર્મન્સ અને કિંમતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
શું હોઈ શકે છે સ્પેસિફિકેશન અને ફીચર્સ?
એપલ બજેટ-ફ્રેન્ડલી મેકબુક બનાવી રહ્યું હોવાથી એમાં આઇફોન 16 પ્રોની A18 પ્રો ચીપનો ઉપયોગ કરવામાં આવશે. મેકબુકમાં હવે M સિરીઝની ચીપનો ઉપયોગ થાય છે, પરંતુ બજેટ મેકબુકમાં એ ચીપ જોવા નહીં મળે. એમાં 6-કોર CPU અને 6-કોર GPU અને 16-કોર ન્યુરલ એન્જિનનો સમાવેશ કરવામાં આવશે. એને સેકન્ડ-જનરેશનના 3nm પ્રોસેસર પર બનાવવામાં આવશે. એપલની M1 ચીપ જેવું જ એનું પર્ફોર્મન્સ હશે એવું કહેવામાં આવી રહ્યું છે. 13 ઇંચની ડિસ્પ્લે ધરાવતું આ મેકબુક એર જેવું હોવાની ચર્ચા છે. 8 GB રેમ ધરાવતું આ મેકબુક વજનમાં હલકું હશે. રેમ 8 GBથી 16 GB પણ કરવામાં આવી શકે છે.
એપલ ઇન્ટેલિજન્સનો કરવામાં આવશે સમાવેશ
આ મેકબુકમાં ફક્ત USB-C આપવામાં આવશે. જોકે એપલના મોટાભાગના મેકબુકમાં હવે એ થઈ રહ્યું છે. થંડરબોલ્ટ સપોર્ટ આપવામાં નહીં આવે જેથી કોસ્ટ કટિંગ કરી શકાય. આ મેકબુકમાં ફક્ત એક જ એક્સટર્નલ ડિસ્પ્લે જોડી શકાશે એવી પણ ચર્ચા છે. એપલના આઇફોન સિરીઝમાં જે પ્રકારનું કોન્ફિગ્રેશન છે એ જ આ મેકબુકમાં પણ આપવામાં આવશે. એથી એમાં એપલ ઇન્ટેલિજન્સ પણ કામ કરશે. એપલ દ્વારા હજી AIના જોઈએ એવા ફીચર્સ કાઢવામાં નથી આવ્યાં, પરંતુ બહુ જલદી એ આવી શકે એવી ચર્ચા છે. જોકે એ દરેકને આ મેકબુકમાં ઉપયોગ કરી શકાશે.
ડિઝાઇન અને કલર
એપલ દ્વારા બજેટ મેકબુકમાં આઇફોનની જેમ ટાઇટેનિયમ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ મેકબુકના અન્ય સ્ટ્રક્ચરમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવશે. આથી મેકબુક ગરમ પણ ઓછું થશે. આ મેકબુકને સિલ્વર, બ્લુ, પિન્ક અને યેલો કલરમાં રજૂ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: યુ-ટ્યુબ પર ટ્રેન્ડિંગ ટૅબની જગ્યા ચાર્ટ્સ લેશે, લોન્ચ કર્યાના દસ વર્ષ બાદ બાય બાય
કિંમત અને પ્રોડક્શન ક્યારે શરૂ થશે?
એપલ હવે તેમની કિંમતમાં ખૂબ જ બદલાવ કરવાનું વિચારી રહી છે. આ મેકબુકને 699–899 અમેરિકન ડોલરની રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે. એટલે કે ભારતમાં એની કિંમત ₹65,000થી ₹90,000 સુધીની હોઈ શકે છે. એપલ દ્વારા અત્યાર સુધી જેટલા પણ મેકબુક લોન્ચ કરવામાં આવ્યાં છે એ 999 અમેરિકન ડોલરની ઊપરના છે. આ મેકબુકનું પ્રોડક્શન આ વર્ષના અંતમાં અથવા તો આવતા વર્ષની શરૂઆતમાં થશે. એને માર્ચમાં લોન્ચ કરવામાં આવે એવા ચાન્સ વધુ છે. અંદાજે 50–70 લાખ મેકબુક 2026માં વેચાશે એવો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. આ મેકબુક લેપટોપનો સામાન્ય ઉપયોગ કરતાં હોય તેમના માટે છે.