New Siri With Gemini AI: એપલે જ્યારથી એપલ ઇન્ટેલિજન્સની શરૂઆત કરી છે ત્યારથી તે ચર્ચામાં તો રહ્યું છે, પરંતુ આ રેસમાં પાછળ પણ રહ્યું છે. એપલ હવે સિરીમાં AIનો સમાવેશ કરવા જઈ રહ્યું છે. એપલ છેલ્લા ઘણાં સમયથી સિરીને વધુ સ્માર્ટ બનાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ એમાં તેમને નિષ્ફળતા મળી છે. જોકે હવે એને વધુ સ્માર્ટ બનાવવા માટે એપલે ગૂગલની મદદ લીધી છે. એપલ હવે સિરીને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. એમાં AI ફીચર્સ માટે જેમિની AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલ દ્વારા ગૂગલ સાથેની તેની નવી પાર્ટનરશિપ હેઠળ જેમિનીનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં સિરીમાં નવા-નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. જોકે ચેટબોટની જેમ સિરી કામ કરી શકે એવું વર્ઝન જૂનમાં લોન્ચ કરવામાં આવશે. એપલની વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સમાં iOS 27ની સાથે એને પણ લોન્ચ કરવામાં આવશે.
લાંબા સમયથી સિરીને સ્માર્ટ બનાવવાનું એપલનું પ્લાનિંગ
એપલ દ્વારા 2010માં સિરીને આઇફોન માટે વોઇસ આસિસ્ટન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે સિરીને આઇફોનની સંપૂર્ણ ઇકોસિસ્ટમનું એક્સેસ આપ્યું હતું. ઘણાં લાંબા સમય સુધી સિરી ખૂબ જ પ્રચલિત વોઇસ આસિસ્ટન્ટ રહ્યું હતું. જોકે છેલ્લા થોડા વર્ષથી હવે એ એટલું જ પાછળ છે. AI ખૂબ જ આગળ વધી રહ્યું હોવાથી ચેટજીપીટી, જેમિની અને માઇક્રોસોફ્ટનું કોપાઇલટ આગળ નીકળી ગયું છે. એપલ દ્વારા પોતે પણ 2024માં વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સમાં આ વાતને સ્વીકારવામાં આવી હતી. તેમણે એ સમયે કહ્યું હતું કે તેઓ હવે સિરીનું નેક્સ્ટ-જનરેશન વર્ઝન લોન્ચ કરશે જે દરેક એપ્લિકેશન સાથે કામ કરી શકશે. જોકે એપલ દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ દરેક પ્લાન લંબાઈ રહ્યાં છે કારણ કે એપલના પોતાના AI મોડલ જોઈએ એટલું સારી રીતે પરફોર્મ નથી કરી રહ્યું. આથી એપલ હવે કેવી રીતે AI ફીચર્સને તેમના યુઝર્સ સુધી પહોંચાડે એ વિશે તેમણે ફરી વિચાર કરવાની ફરજ પડી હતી. આથી એપલ હવે આગામી મહિને સિરીને લઈને ખૂબ જ મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યું હોવાની ચર્ચા છે.
AI માટે ગૂગલ અને જેમિનીની મદદ લીધી એપલે
એપલ દ્વારા સિરીના નેક્સ્ટ-જનરેશન વર્ઝનમાં હવે ગૂગલના જેમિની AIનો સમાવેશ કરવામાં આવશે. એપલ દ્વારા પહેલાં ચેટજીપીટી અને એન્થ્રોપિક સાથે પણ વાત કરવાની ચર્ચા હતી. જોકે એપલે હવે છેલ્લે જેમિની પર પસંદગી ઉતારી છે. એન્થ્રોપિક ઘણાં પૈસા ચાર્જ કરી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું અને ચેટજીપીટી સાથે કામ કરવાને લઈને સ્ટ્રેટેજિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૂગલનું જેમિની મોડલ ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. તેમ જ તેમની શરતો પણ એપલ અનુસારની છે. આ ડીલ હેઠળ એપલ હવે ગૂગલ જેમિનીનો ઉપયોગ કરશે. એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ માટે એપલના પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટ સર્વરનો ઉપયોગ કરવામાં આવશે.
ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે જેમિની આધારીત સિરી
એક રિપોર્ટ અનુસાર એપલ ફેબ્રુઆરીના અંત સુધીમાં નવા સિરીને લોન્ચ કરશે. એપલ સિરીને લઈને ડેમો પણ આપશે એવી ચર્ચા છે. iOS 26.4 વર્ઝન દ્વારા સિરીને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ વર્ઝનનું બેટા વર્ઝન સાથે જ એને પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. લોકો માટે એને માર્ચમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. એપલના ફાઉન્ડેશન મોડલ વર્ઝન 10 હેઠળ નવી AI સિસ્ટમને લોન્ચ કરવામાં આવશે જે 1.2 ટ્રિલિયન પેરામીટર્સ પર કામ કરશે. એપલ આ ફીચર્સને પોતાની અપડેટ તરીકે રજૂ કરશે, પરંતુ એમાં જેમિની દરેક કામ કરતું જોવા મળશે.
સિરીમાં શું નવા ફીચર્સ હશે?
ફેબ્રુઆરીમાં જ્યારે નવું સિરી લોન્ચ કરવામાં આવશે ત્યારે એ ચેટબોટ તરીકે નહીં હોય, પરંતુ આજના લેટેસ્ટ AI આસિસ્ટન્ટ તરીકે જ કામ કરશે. એપલના જણાવ્યા અનુસાર સિરીને યુઝરના મોબાઇલ સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે એની જાણ હશે અને યુઝર્સની જરૂરીયાત અનુસાર એને વધુ સારી રીતે સમજી શકશે. તેમ જ યુઝર માટે પોતે એપ્લિકેશનમાં એક્શન લેશે. યુઝર હવે મેસેજને સમરાઇઝ કરી શકશે, ઇમેલમાંથી ડિટેઇલ કાઢી શકશે તેમ જ કોઈ પણ ફોલો-અપ્સ વગર તમામ માહિતી જાણી શકશે. એપલ હાલમાં રોજિંદા કામને વધુ સરળ અને સારું બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આઇફોન, આઇપેડ અને મેક વચ્ચે એ ખૂબ જ સારી રીતે કામ કરે એ પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: એપલની ખામી, યુઝર્સની કમાણી : જાણો કેમ આઇફોન કંપની ચૂકવી રહી છે 869 કરોડ રૂપિયા…
iOS 27માં લોન્ચ કરવામાં આવશે સિરી ચેટબોટ
એપલ દ્વારા ફેબ્રુઆરીમાં ફક્ત જેમિનીની મદદથી નવા ફીચર્સને લોન્ચ કરવામાં આવશે. જોકે સિરી સંપૂર્ણ રીતે AI તરીકે કામ કરે એ જૂનમાં એટલે કે iOS 27 સાથે લોન્ચ કરશે. એમાં સિરી ચેટબોટ સ્ટાઇલમાં હશે અને એની અલગથી એક એપ્લિકેશન પણ હશે. આઇફોન, આઇપેડ અને મેકબુકની ઓપરેટિંગ સિસ્ટમમાં એનો સમાવેશ કરવામાં આવશે. ચેટજીપીટી અને જેમિનીની જેમ આ ચેટબોટ પણ કામ કરશે. આ ચેટબોટને એપલની ઇન્ટર્નલ ટીમ દ્વારા એપલ ફાઉન્ડેશન મોડલ વર્ઝન 11 તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. નવું સિરી જેમિની 3ના લેવલનું હશે અને ફેબ્રુઆરીમાં જે રિલીઝ કરવામાં આવશે એના કરતાં વધુ સારું હશે.


