Apple Paying Money to Users: અમેરિકાના ઘણાં એપલ યુઝર્સના એકાઉન્ટમાં અચાનક બેંક એકાઉન્ટમાં પૈસા આવી રહ્યાં છે. એપલ દ્વારા સિરીમાં એક ખામી હોવાથી તેમના દ્વારા સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કેસના સેટલમેન્ટ માટે એપલ દ્વારા 95 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 869 કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી દેખાડી હતી. ત્યાર બાદ ઘણાં યુઝર્સના બેંક એકાઉન્ટમાં પૈસા આવી રહ્યાં હતાં અને બહુ જલદી અન્ય યુઝર્સના એકાઉન્ટમાં પણ આ રકમ જમા થઈ જશે. એપલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ સિરીની મદદથી યુઝર્સની વાતચીતને સાંભળી અને રેકોર્ડ કરી રહ્યાં છે. ત્યાર બાદ કોર્ટમાં આ કેસ પહોંચ્યો હતો.
સેટલમેન્ટ માટે સહમતી દેખાડી હતી એપલે
અમેરિકાની કંપની એપલ દ્વારા ગયા વર્ષે જ તેમની ભૂલ વિશે કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર તેમણે કેસને સેટલમેન્ટ કરવા માટે તૈયારી દેખાડી હતી. ત્યાર બાદ એપલ દ્વારા 2025માં આ ક્લેમનો સ્વીકાર કર્યો હતો અને તેમણે સેટલમેન્ટ માટેની તૈયારી શરૂ કરી દીધી હતી.
ઘણાં લોકોએ હજી પણ જોવી પડશે રાહ
એક રિપોર્ટ અનુસાર જે પણ યુઝર્સે ક્લેમ ફાઇલ કર્યો હતો તેમને હવે એપલ દ્વારા પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન તેમણે બેંક એકાઉન્ટની માહિતી પણ જમા કરાવવાની રહી હતી અને હવે તેમને પૈસા મળી રહ્યાં છે. આ સમયે જેમણે બેંક એકાઉન્ટ નહોતું આપ્યું અને ઓપ્શનલ પેમેન્ટ પસંદ કર્યું હતું તેમના પૈસા આવવાના બાકી છે અને તેમણે હજી રાહ જોવી પડશે.
2019માં પહેલીવાર કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો
2019માં એક કેસ કરવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે સિરી ઓટોમેટિક એક્ટિવ થાય છે અને તમામ વાતને રેકોર્ડ કરે છે. ત્યાર બાદ ઘણાં યુઝર્સ દ્વારા આ વિશે સોશિયલ મીડિયામાં વાત કરી હતી કે તેઓ પણ એનો સામનો કરી રહ્યાં છે.
કોને મળશે રકમ?
આ માટે યુઝર્સ પાસે 2014ની 17 સપ્ટેમ્બરથી લઈને 2024ની 31 ડિસેમ્બર સુધી સિરી સપોર્ટેડ એપલ ડિવાઇસ હોવી જરૂરી હતી અને એ પણ સિરી એક્ટિવેટ હોવું જરૂરી છે. આ સાથે જ યુઝર્સે એ પણ સાબિત કરવું રહેશે કે તેમનું સિરી ઓટોમેટિક શરૂ થયું હતું. ત્યાર બાદ એપલ દ્વારા આપવામાં આવેલું ફોર્મ ભરવાનું હતું અને બેંક ડિટેઇલ્સ આપવાની હતી.
આ પણ વાંચો: 149 મિલિયન પાસવર્ડ લીક! તમારા ઑનલાઇન એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં તપાસો...
એપલ સિરી શું છે?
એપલ સિરી એક વોઇસ આસિસ્ટન્ટ સર્વિસ છે. આ યુઝર્સના વોઇસ કમાન્ડ પર કામ કરે છે. આઇફોન, આઇપેડ, મેકબુક, એપલ વોચ અને હોમપોડ જેવી એપલની ડિવાઇસમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિરીની મદદથી વોઇસ કમાન્ડ આપીને કોલ, મેસેજ, એલાર્મ અને રીમાઇન્ડરને સેટ કરી શકાય છે. મ્યુઝિક પ્લે કરવાની સાથે આબોહવાની પણ જાણકારી મેળવી શકાય છે. સિરી યુઝર્સને સ્માર્ટ-હોમ દ્વારા સપોર્ટેડ ડિવાઇસ પર પણ કન્ટ્રોલ મળતો હતો.


