iOS 27માં AI અને પર્ફોર્મન્સ પર ફોકસ કરશે એપલ, iOS 26માં ફક્ત ખામી દૂર કરાશે

Apple iOS 27 Focus On AI: એપલ દ્વારા સપ્ટેમ્બરમાં iOS 26 લોન્ચ કરાયો હતો. આ વખતે એમાં AIનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા હતી. જોકે એપલ દ્વારા જોઈએ એટલા ફીચર્સ નહોતા આપવામાં આવ્યાં. ત્યાર બાદ iOS 26.1માં એનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા હતી, પરંતુ એમાં પણ એપલ દ્વારા AI પર ધ્યાન નથી અપાયું. તેથી હવે ચર્ચા છે કે એપલ દ્વારા iOS 27માં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવશે.
લીક્વિડ ગ્લાસ ડિઝાઇન
એપલ દ્વારા iOS 26માં લિક્વિડ ગ્લાસ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સિવાય એમાં કોઈ બીજા મેજર ફીચર્સ નહોતા. તેમ જ AIના ફીચર્સ પણ જોઈએ એવા નથી. એપલ દ્વારા ગયા વર્ષે એપલ ઇન્ટેલિજન્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. આઇફોન 16 સાથે આ ફીચર્સ આવ્યું હતું, પરંતુ એમાં જોઈએ એટલા ફીચર્સ નહોતા. આ જ ફીચર્સ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં પણ છે.
મેકબૂકની સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવામાં આવશે
એક રિપોર્ટ અનુસાર એપલની એન્જિનિયરિંગ ટીમ હાલમાં ઓપરેટિંગ સિસ્ટમને નવેસરથી જોવાની કોશિશ કરી રહી છે. તેમનો હેતુ હવે નકામી બાબતોને દૂર કરી, ખામીઓ દૂર કરી પર્ફોર્મન્સને વધુ સારો બનાવવાનો છે જેથી ક્વોલિટી સારી બને. આ સ્ટ્રેટેજી 2009માં મેકબૂકની ઓપરેટિંગ સિસ્ટમ સ્નો લેપર્ડ વખતે અપનાવવામાં આવી હતી. એ ઓપરેટિંગ સિસ્ટમમાં નવા ફીચર્સને લોન્ચ કરવાની જગ્યાએ એપલ દ્વારા ફક્ત પ્રોડક્ટને કેવી રીતે વધુ સારી બનાવવામાં આવે એના પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આથી એપલ હવે નવા ફીચર્સને iOS 26માં લોન્ચ નહીં કરે.
આ પણ વાંચો: આકાશમાં અદભૂત ક્ષણ: શનિ ગ્રહની રિંગ થઈ અદૃશ્ય, જાણો કેમ...
iOS 27માં લોન્ચ કરવામાં આવશે AI આધારિત સિરી
એપલ છેલ્લા ઘણાં સમયથી સિરીના નવા વર્ઝન એટલે કે સિરી 2.0 પર કામ કરી રહ્યું છે. એમાં સિરી AI આધારિત હશે. કંપની હાલમાં AI વર્ક સર્ટ્યુઅલ પર કામ કરી રહી છે. આ સાથે જ એપલ ઇન્ટેલિજન્સને પણ નવેસરથી રજૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. એપલ હવે AIને પહેલાં કરતાં વધુ એપ્લિકેશનમાં સમાવેશ કરવાની કોશિશ કરી રહ્યું છે. 2024થી એપલ સિરીના નવા વર્ઝન પર કામ કરી રહ્યું છે, પરંતુ એ હવે iOS 27માં જ લોન્ચ કરવામાં આવશે. iOS 26.4 સુધી અત્યારની ઓપરેટિંગ સિસ્ટમને લઈ જવામાં આવશે, પરંતુ એમાં ફક્ત સુધારા કરવામાં આવશે નહીં કે નવા ફીચર્સ.

