આઇફોન 17 સિરીઝમાંથી ફિઝિકલ સીમ કાઢી રહી છે એપલ: મોટાભાગના દેશોમાં ઈ-સીમ જોવા મળશે…
Apple iPhone 17 Series With eSim: એપલ દ્વારા હવે દુનિયાભરના મોટાભાગના દેશોના આઇફોનમાંથી ફિઝિકલ સીમ કાઢવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. એપલ 17 સિરીઝ દ્વારા આ લાગુ કરવામાં આવી શકે છે. એપલના આ પગલાંને જોઈને લાગે છે કે હવે ઈ-સીમ જ ભવિષ્ય છે. આ સિરીઝ 9 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે. ત્યાર બાદ મોબાઇલના માર્કેટમાં એ મોટો બદલાવ જોવામાં આવી શકે છે. ત્યાર બાદ અન્ય કંપની પણ એપલને ફોલો કરવાનું શરુ કરી શકે છે. ગૂગલ પિક્સેલ 10 પણ અમેરિકા માટે ઈ-સીમ બનાવવામાં આવ્યો છે. આથી હવે અન્ય કંપની પણ એ શરુ કરી શકે છે.
ઈ-સીમ ટૅક્નોલૉજીને મળી રહ્યું છે પ્રોત્સાહન
હાલમાં કેટલાક ડૉક્યુમેન્ટ લીક થયા છે. એમાં જાણવા મળી રહ્યું છે કે એપલ તેણે ઓથોરાઇઝ્ડ સેલરને યુરોપિયન યુનિયનમાં ફક્ત ઈ-સીમ ધરાવતાં આઇફોન માટે તૈયાર રહેવા કહ્યું છે. એપલ દ્વારા અમેરિકામાં 2022થી આઇફોન 14 સિરીઝ દ્વારા ઈ-સીમની શરુઆત કરવામાં આવી હતી. અત્યારે અમેરિકામાં જ ઈ-સીમ ચાલે છે. જોકે હવે યુરોપ અને દુનિયાના અન્ય દેશોમાં પણ ઈ-સીમ મોબાઇલ લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એપલનો અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન એર પહેલું એવું મોડલ હશે જે ફિઝિકલ સીમ વગરનું હશે. એમાંથી સીમ ટ્રે કાઢી નાખવામાં આવી છે જેથી વધુ જગ્યા મળે. આઇફોન 17, 17 પ્રો અને 17 પ્રો મેક્સને પણ ઈ-સીમમાં કાઢવાનું પ્લાનિંગ છે.
ભારતમાં ઈ-સીમ હશે કે નહીં?
ભારતમાં બે સીમ કાર્ડનો ઉપયોગ વધુ થાય છે. આથી ઈ-સીમ ધીમે-ધીમે શરુ કરવામાં આવી શકે છે. એપલ આઇફોન એરથી એની શરુઆત કરવામાં આવશે. ભારતમાં પણ ઈ-સીમ વર્ષોથી સપોર્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વધુ સુવિધા ળી રહે એ માટે ફિઝિકલ સીમ પણ આપવામાં આવી રહ્યું છે. જોકે એક માહિતી મુજબ પ્રો સિરીઝમાંથી એક જ મોડલ ફક્ત ફિઝિકલ સીમની સુવિધા ધરાવશે. એ પણ ભારત અને ચીન જેવા માર્કેટ માટે આ મોડલ બનાવવામાં આવશે. આ સિવાયના તમામ મોડલ ઈ-સીમ હોવાની ચર્ચા છે.
કેમ ઈ-સીમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?
ઈ-સીમનો ઉપયોગ કરવા માટે ઘણાં ફાયદા છે. ઉદાહરણ તરીકે મોબાઇલ ચોરી થઈ ગયો અથવા તો ખોવાઈ ગયો તો ઈ-સીમને રિમોટલી બંધ કરી શકાય છે. ફિઝિકલ કાર્ડ માટે પૈસા ચૂકવ્યા વગર યુઝર તેમની ઇચ્છા અનુસાર કોઈ પણ કંપનીમાં સીમ કાર્ડ બદલી શકે છે. આથી પૈસાનો બચાવ થશે. સીમ ટ્રે કાઢી નાખવાથી કંપનીને મોબાઇલ વધુ પાતળો અને બેટરીની ક્ષમતા વધારવા માટે જગ્યા પણ મળે છે. જોકે ઈ-સીમમાં એક સમસ્યા છે કે યુઝર મોબાઇલ બદલી રહ્યો હોય તો એને તકલીફ પડી શકે છે જો નવો મોબાઇલ ઈ-સીમ સપોર્ટ ન કરતો હોય. તેમ જ અન્ય દેશમાં ટ્રાવેલિંગ દરમિયાન પણ સીમ કાર્ડ માટે તકલીફ પડી શકે છે.
કેમેરાની ડિઝાઇનમાં બદલાવ
એપલ દ્વારા કનેક્ટિવિટીમાં બદલાવ કરવાની સાથે એના કેમેરાની ડિઝાઇનમાં પણ બદલાવ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં જ આઇફોન 17 પ્રોના કવરના ફોટા લીક થયા છે. આ ફોટા અનુસાર કેમેરા કટઆઉટ થોડું પહેલાં કરતાં મોટું રાખવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે કેમેરાના મોડ્યુલની સાઇઝમાં વધારો થયો છે. આ સાથે જ એપલ લોગોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. એવી પણ ચર્ચા છે કે એપલ દ્વારા મેગ્નેટિક લેનયાર્ડ સ્ટ્રેપ એસેસરીઝ પણ લોન્ચ કરવામાં આવી રહી છે. આથી એ સ્ટ્રેપ શરીર પર પહેરેલો હશે ત્યારે આઇફોનને ફક્ત એના પર લગાવી દેવાનો રહેશે. મેગ્નેટને કારણે આઇફોન ચીપકી જશે. આઇફોનને કોઈ બટન અથવા તો હૂક દ્વારા લગાવવાની જરૂર નહીં પડે.