આઇફોન હેક કરનારને 17.49 કરોડ રૂપિયા આપશે એપલ...
Apple Bounty Program: એપલ દ્વારા દુનિયાભરના હેકર્સને ખૂબ જ મોટી ચેલેન્જ આપવામાં આવી રહી છે. આઇફોનને હેક કરી આપનારને હવે 17.49 કરોડ રૂપિયા ચૂકવવાની ઓફર આપી છે. એપલ દ્વારા તેમના સોફ્ટવેર અથવા તો ડિવાઇસમાં કોઈ પણ મોટી સમસ્યા શોધી આપવામાં આવશે તો તેમને બે મિલિયન અમેરિકન ડૉલર એટલે કે 17.49 કરોડ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવશે.
એપલનો બાઉન્ટી પ્રોગ્રામ
એપલ 2022થી સિક્યુરિટી બાઉન્ટી પ્રોગ્રામ રજૂ કરે છે. આ બાઉન્ટી પ્રોગ્રામમાં દુનિયાભરના હેકર્સને એપલની પ્રોડક્ટ હેક કરી એમાં ખામી શોધી આપવા માટેની ઓફર આપવામાં આવે છે. સોફ્ટવેર અથવા તો ડિવાઇસમાં જેટલો મોટો પ્રોબ્લેમ શોધી આપવામાં આવે એટલી મોટી રકમ આપવામાં આવે છે.
અલગ-અલગ હેકિંગ માટે અલગ રકમ
એપલની પ્રોડક્ટને ઘણી રીતે હેક કરી શકાય છે. આથી ફિઝિકલ ડિવાઇસ અટેકમાં 2,50,000 અમેરિકન ડૉલર એટલે કે 2.18 કરોડ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવી શકે છે. ઍપ્લિકેશન અથવા તો નેટવર્કને હેક કરવામાં આવે તે 1,50,000થી 2,50,000 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે 1.31 કરોડથી લઈને 2.18 કરોડ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે. જો કોઈ હેકર્સ ઝીરો-ક્લિક અટેક લેવલનું હેકિંગ કરે અથવા તો એપલના પ્રાઇવેટ ક્લાઉડને હેક કરી શકે તો તેમને એક મિલિયન અમેરિકન ડૉલર એટલે કે અંદાજે 8.75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી શકે છે.
એપલ દ્વારા તેમની પ્રોડક્ટને લોકડાઉન મોડમાં હેક કરી આપવામાં આવે તો તેમને 2 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે અંદાજે 17.49 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી શકે છે. એપલનું લોકડાઉન મોડ તેમનું સૌથી પ્રોટેક્ટિવ સિક્યુરિટી લેયર છે. આથી એને હેક કરવામાં આવે તો એ માટે વધુ પૈસા મળે એ સ્વાભાવિક છે.
આ પણ વાંચો: રેડિયોએક્ટિવ શિંગડાં: ગેંડાનો શિકાર અટકાવવા દક્ષિણ આફ્રિકાનો ઈનોવેટિવ પ્રોજેક્ટ
કયા સંજોગમાં પૈસા નહીં મળે?
એપલનો આ પ્રોગ્રામ ખાસ કરીને એપલ હાર્ડવેર અને સોફ્ટવેર માટે હોય છે. જોકે એપલ પે જેવી ઍપ્લિકેશન અને ફિશિંગ ટ્રિક્સ માટે પૈસા આપવામાં નથી આવતા. જો એપલની પ્રોડક્ટમાં કોઈ ખામી દેખાઈ તો એને રિપોર્ટ કરવી અને જ્યાં સુધી એ પ્રોબ્લેમને ફિક્સ કરવામાં ન આવે ત્યાં સુધી એને જાહેર કરવું નહીં. આ પ્રોગ્રામ ખાસ એપલની પ્રોડક્ટને વધુને વધુ સિક્યુર બનાવવા માટે કરવામાં આવે છે.