Apple Fitness+ in India: એપલ દ્વારા તેમની વેલનેસ અને ફિટનેસ સબ્સ્ક્રિપ્શન સર્વિસ એપલ ફિટનેસ+ હવે ભારતમાં લોન્ચ થઈ રહી છે. આ સર્વિસ 15 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ સર્વિસ શરૂ થઈને પાંચ વર્ષ થયા છે અને આખરે હવે એ ભારતમાં આવી રહી છે. ભારતમાં એ શરૂ કરવામાં આવતાં આ સર્વિસ દુનિયાભરમાં 49 દેશમાં કાર્યરત થશે. આ સર્વિસનો ઉપયોગ યુઝર એક ફિટનેસ કોચ તરીકે પણ કરી શકે છે.
ઘણા પ્રકારની કસરતનો સમાવેશ થાય છે ફિટનેસ+માં
એપલ ફિટનેસ+માં અંદાજે 12 પ્રકારની અલગ-અલગ કસરતનો સમાવેશ કરવામાં આવે છે. એમાં સ્ટ્રેન્થ, યોગ, હાઈ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ, પિલાટેસ, ડાન્સ, સાયક્લિંગ, કિકબોક્સિંગ અને મેડિટેશનનો સમાવેશ પણ થાય છે. આ માટે પાંચથી લઈને 45 મિનિટ સુધીની સેશનનો સમાવેશ કરવામાં આવશે. એનો ઉપયોગ યુઝર આઇફોન, આઇપેડ અને એપલ ટીવી દ્વારા ફિટનેસ એપની મદદથી કરી શકશે. આ કસરતમાં ફિટનેસ માટેની તમામ લેવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી યુઝર તેની જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરી શકશે.
એપલ વોચ અને એરપોડ્સ પ્રો 3 દ્વારા અલગ અનુભવ
એપલ વોચ અને એરપોડ્સ પ્રો 3નો ઉપયોગ કરીને યુઝર આ ફિટનેસ+ સર્વિસનો અલગ અનુભવ મેળવી શકશે. આ ડિવાઇસનો ઉપયોગ રિયલ-ટાઈમ મેટ્રિક ડેટા એટલે કે હાર્ટ રેટ, કેલરી કેટલી બર્ન થઈ અને એક્ટિવિટી રિંગ પ્રોસેસ અને બર્ન બાર વગેરે મેળવી શકશે. બર્ન બાર દ્વારા યુઝર જે કસરત કરી રહ્યો છે એ જ કસરત કરવા માટે અન્યને કેટલી મહેનત લાગી હતી અને તેણે કેટલી સારી રીતે કરી હતી વગેરે જાણી શકાશે. આ ફીચર હાઈ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ, પિલાટેસ, ડાન્સ, સાયક્લિંગ, કિકબોક્સિંગ, ટ્રેડમિલ અને રોઇંગ સેશન જેવા અન્ય કસરત માટે કરી શકાશે.
કસ્ટમાઈઝ કસરત અને મેડિટેશન સેશન
એપલ ફિટનેસ+માં યુઝરને પોતાના અનુસાર કસરત અને મેડિટેશન કસ્ટમાઈઝ કરવાની અને એને શેડ્યૂલ કરવાની સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ યુઝર એક્ટિવિટી, ટ્રેનર, મ્યુઝિક અને કસરત કરવાના સમયને પણ પોતાની ઇચ્છા અનુસાર કસ્ટમાઈઝ કરી શકશે. યુઝર સ્ટે કન્સિસ્ટન્ટ, પુશ ફર્ધર અને ગેટ સ્ટાર્ટેડ જેવા પહેલેથી જે વિકલ્પ આપવામાં આવ્યાં છે એને પણ પસંદ કરી શકશે.
આ પણ વાંચો: એન્ડ્રોઇડ અને આઇફોન વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવું હવે બનશે સરળ, જાણો કેમ…
ફિટનેસ પ્રોગ્રામ અને મેડિટેશન લાઇબ્રેરી
એપલ ફિટનેસ+ દ્વારા ગાઇડેડ ફિટનેસ પ્રોગ્રામ પણ આપવામાં આવે છે. એનું પણ ખૂબ જમોટું કલેક્શન છે. એમાં યોગ ફોર એવરી રનર, 3 પરફેક્ટ વીકસ ઓફ સ્ટ્રેન્થ, રન યોર ફર્સ્ટ 5K વગેરેનો સમાવેશ થાય છે. મેડિટેશન લાઇબ્રેરીમાં પણ 12 થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સ્લીપ, શાંતિ અને સાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં આ સર્વિસ 149 રૂપિયા મહિને અને વર્ષે 999 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ ફેમિલી શેરિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. એટલે કે યુઝર પાંચ વ્યક્તિ સાથે આ પ્લાનને શેર પણ કરી શકે છે.


