ગૂગલને વર્ષે એક બિલિયન ડોલર ચૂકવશે એપલ?: સિરી માટે AI મોડલ તૈયાર કરી રહ્યું હોવાની ચર્ચા

Apple And Google Making Deal?: એપલ હાલમાં ગૂગલ સાથે એક ડીલ ફાઇનલ કરી રહ્યું હોવાની ચર્ચા છે. આ ડીલ હેઠળ એપલ દર વર્ષે ગૂગલને એક બિલિયન અમેરિકન ડોલર ચૂકવશે એવી ચર્ચા છે. એપલ ઘણાં સમયથી તેના સિરીને વધુ સારું બનાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ એમાં તેને હાથ નથી લાગી રહ્યો. આથી તેમણે હવે થર્ડ-પાર્ટી કંપનીની મદદ લેવાનું નક્કી કર્યું છે. એપલ દ્વારા એપલ ઇન્ટેલિજન્સમાં ચેટજીપીટીને સપોર્ટ આપ્યો હતો. જોકે હવે સિરી માટે ગૂગલ AI મોડલ તૈયાર કરી રહ્યું હોવાની ચર્ચા છે.
એપલે લીધી થર્ડ-પાર્ટીની મદદ
એપલ દ્વારા ગૂગલની મદદ લેવામાં આવી એ ખૂબ જ ચર્ચાનો વિષય છે. એપલ મોટાભાગે પોતાની ટેક્નોલોજી પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે. જોકે એપલ ઘણાં સમયથી સિરી પર કામ કરી રહ્યું છે અને તેમને જોઈએ એવું રિઝલ્ટ નથી મળી રહ્યું. આ માટે એપલ દ્વારા જ્યાં સુધી તેમની પોતાની ટેક્નોલોજી તૈયાર ન થઈ જાય ત્યાં સુધી યુઝર્સને થર્ડ-પાર્ટીની મદદ દ્વારા ફીચર્સ પૂરા પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. એપલ ઇન્ટેલિજન્સમાં 150 બિલિયન પેરામીટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે ગૂગલના કસ્ટમ મોડલમાં 1.2 ટ્રિલિયન પેરામીટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી ગૂગલ એપલ કરતાં ખૂબ જ આગળ છે.
હરિફના AI મોડલને એક્સપ્લોર કરી રહ્યું છે એપલ
એપલ દ્વારા આ વર્ષની શરૂઆતથી તેના હરીફ કંપનીઓના AIને એક્સપ્લોર કરી રહ્યું છે. એપલ દ્વારા OpenAI અને એન્થ્રોપિક જેવા મોડલનો ઉપયોગ કર્યો હતો. એપલ દ્વારા ત્રણેય કંપનીઓની સર્વિસ જોયા બાદ તેમણે હવે ગૂગલને પસંદ કરવાનું નક્કી કર્યું છે. સિરીનું નવું વર્ઝન હવે ગૂગલ સાથે મળીને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે હવે તેમના પ્લાનમાં બદલાવ પણ થઈ શકે છે કારણ કે સિરીને હજી લોન્ચ કરવામાં ઘણો સમય લાગી શકે છે.
આ પ્રોજેક્ટને શું આપવામાં આવ્યું છે?
એપલ અને ગૂગલ દ્વારા સાથે મળીને જે પાર્ટનરશિપ કરવામાં આવી રહી છે એને પ્રોજેક્ટ ગ્લેનવુડ નામ આપવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટને માઇક રોકવેલ દ્વારા આગળ વધારવામાં આવી રહ્યો છે. તેમણે હાલમાં જ આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને એપલના હેડ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ ક્રેગ ફેડેરિઘી સાથે મળીને કામ કરી રહ્યા છે. ગૂગલ સાથેની પાર્ટનરશિપમાં સિરી દરેક વસ્તુને સમરાઇઝ કરવા માટે અને ટાસ્ક પ્લાનિંગ માટે જેમિનીની મદદ લેશે. સિરીની કેટલીક બાબતો હજી પણ એપલ ઇન્ટેલિજન્સ દ્વારા હાથમાં ધરવામાં આવી છે જેથી પ્રાઇવસી અને સિક્યોરિટી પર કન્ટ્રોલ રહી શકે.

