એપલ તેના અમેરિકન યુઝર્સને ચૂકવશે ૮૨૦ કરોડ રૂપિયા, જાણો કેવી રીતે મેળવશો આ રકમ…
Apple Siri Settlement Case: એપલ દ્વારા તેના પર લાગેલા આરોપને લઈને સેટલમેન્ટ કરવા માટે યુઝર્સને ૮૨૦ કરોડ રૂપિયા ચૂકવવાનું સ્વીકારવામાં આવ્યું છે. એપલ પર આરોપ હતો કે તેઓ સિક્રેટલી સિરીનું રેકોર્ડિંગ કલેક્ટ કરે છે અને એનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એપલ દ્વારા આ આરોપને ફગાવી દેવામાં આવ્યો હતો. જોકે 2023ની ડિસેમ્બરમાં કરવામાં આવેલા આ કેસ માટે એપલ દ્વારા સેટલમેન્ટ કરવામાં આવ્યું છે.
કેવી રીતે શરૂઆત થઈ કેસની?
કોઈ પણ પ્રાઇવેટ વાતચીત બાદ યુઝર પર જાહેરાતો આવતી હતી. આ જાહેરાતો એજ હોય છે જે વિશે યુઝરે થોડા સમય પહેલાં વાત કરી હોય છે. ડોક્ટર સાથે વાત કર્યાબાદ મેડિકલ ટ્રીટમેન્ટની જાહેરાત આવતી હોય છે. કારની વાત કર્યા બાદ એ વિશેની જાહેરાત આવે છે. કપડાંની વાત કરી હોય તો એ વિશે જાહેરાતો આવે છે. આથી એપલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સિરીના ડેટા તેઓ તૃતીય પક્ષને આપે છે. આ કેસ ખૂબ જ લાંબો ચાલી શકે એમ હોવાથી એપલ દ્વારા આ કેસનું સેટલમેન્ટ કરી દેવામાં આવ્યું છે.
કોને મળી શકે છે આ રકમ?
કોઈ પણ વ્યક્તિએ સિરીનો ઉપયોગ અમેરિકામાં 2014ની 17 સપ્ટેમ્બરથી લઈને 2024ની 31 ડિસેમ્બર સુધી કર્યો હોય તો તેઓ કંપની પાસેથી પૈસા માગી શકે છે. આ દરમ્યાન કોઈ પણ યુઝરને વિચિત્ર અનુભવ થયો હોય જેમ કે તેમણે જે વિશે વાત કરી હોય એની જ જાહેરાતો તેને જોવા મળી હોય. આ પ્રકારની વ્યક્તિને એપલ દ્વારા પૈસા ચૂકવવામાં આવશે.
કઈ ડિવાઇઝનો સમાવેશ થાય છે?
આઇફોન, આઇપેડ, મેકબુક, આઇમેક, હોમપોડ, એપલ ટીવી અને આઇપોડ ટચ ડિવાઇઝમાં સિરીનો ઉપયોગ કરતાં યુઝર્સ આ પૈસા મેળવી શકશે. એક યુઝરને એક ડિવાઇઝ પર ૨૦ અમેરિકન ડોલર્સ મળશે. વધુમાં વધુ એક યુઝર ૫ ડિવાઇઝ માટે દાવો કરી શકે છે.
કેવી રીતે દાવો કરશો?
આ માટે વ્યક્તિએ સિરી પ્રાઇવસી સેટલમેન્ટ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ એમાં દાવો સબમિટ કરો સેક્શનમાં નવો દાવો કરવાનો રહેશે. ત્યા નામ, સરનામું, અને એપલ આઇડી લખવાનો રહેશે. ત્યાર બાદ જે-તે ડિવાઇઝની માલિકી હોવાનો પૂરાવો ઉદાહરણ તરીકે સિરિયલ નંબર, મોડેલ નામ અથવા તો ખરીદી બિલ આપવાનું રહેશે. સિરીનું સક્રિયકરણ કર્યા બાદ એક પણ ખોટો અનુભવ થયો હોય એ વિશે જણાવવાનું રહેશે. જો યુઝરને ઇમેઇલ દ્વારા કોઈ દાવો આઇડી કોડ પ્રાપ્ત કરવામાં આવ્યો હોય તો એના દ્વારા ઝડપથી પ્રક્રિયા કરી શકે છે.
આ પણ વાંચો: ગૂગલે લીધો મોટો નિર્ણય, જેમિની AIને હવે સ્માર્ટવોચ, ટીવી અને કારમાં પણ લોન્ચ કરશે
મહત્ત્વની તારીખો
- દાવો કરવા માટેની છેલ્લી તારીખ: 2025ની 2 જુલાઈ
- મંજુરી સાંભળણી: 2025ની પહેલી ઓગસ્ટ
- પૈસાનું વિતરણ: કોર્ટ મંજુરી મળ્યા બાદ કરવામાં આવશે.
2019થી કરવામાં આવ્યો બદલાવ
એપલ દ્વારા આ પ્રથાને 2019માં બંધ કરવામાં આવી હતી. એક વિસલબ્લોઅરના અહેવાલ બાદ એપલ દ્વારા તમામ રેકોર્ડિંગ્સને અન્ય કંપનીઓને આપવાના બંધ કરી દીધા હતા. ત્યાર બાદથી કંપનીએ ગોપનીયતાને લઈને ઘણી ધોરણો બનાવી છે. એપલ હવે યુઝરના ડેટા રક્ષણ કરવા માટે તમામ પગલું ઉઠાવી રહ્યું છે. જોકે ૨૦૧૯ પહેલાં તેમની ધોરણો થોડી અલગ હતી.