એપલની લિક્વિડ ગ્લાસ ડિઝાઇનથી મસ્ક પણ ખુશ, પરંતુ યુઝર્સ નાખુશ હોવાથી શેરના ભાવ ઘટ્યા
Apple New Liquid Glass Design: એપલ દ્વારા વર્લ્ડવાઇડ ડેવલપર કોન્ફરન્સ 2025માં iOS 26 લોન્ચ કરવામાં આવી હતી, જેમાં લિક્વિડ ગ્લાસ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે ડિઝાઇનને એકદમ પારદર્શક બનાવવામાં આવી છે. આ ડિઝાઇનથી ઇલોન મસ્ક અને નથિંગ મોબાઇલ કંપનીના માલિક કાર્લ પેઈ ખુશ છે, પરંતુ લોકોને એ પસંદ નથી આવી. આ ડિઝાઇન લોન્ચ થયા બાદ એપલના શેરના ભાવ ગબડ્યા હતા.
મસ્ક અને કાર્લે વ્યક્ત કરી ખુશી
એપલના સીઇઓ ટીમ કૂક દ્વારા સોશિયલ મીડિયા X પર લિક્વિડ ગ્લાસ વિશે પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટને જવાબ આપતાં ઇલોન મસ્કે કહ્યું હતું, ‘કૂલ.’ મસ્કે ટૂંકમાં તેની પસંદગી જણાવી હતી, પરંતુ નથિંગ કંપનીના માલિક કાર્લે કમેન્ટ કરી હતી, "લિક્વિડ ગ્લાસ… મને ખૂબ જ પસંદ આવ્યું."
મસ્ક અને કાર્લ આ ડિઝાઇનથી ખુશ છે, પરંતુ લોકો ને એ પસંદ નથી આવી. તેમનું કહેવું છે કે આ થીમને કારણે હવે વાંચવામાં તકલીફ પડશે. યુઝર ઇન્ટરફેઝ સફેદ બેકગ્રાઉન્ડ પર મૂકવામાં આવ્યો હોવાથી આઇકન અને ટેક્સ્ટ વાંચવામાં તકલીફ પડશે.
સ્ટોક માર્કેટમાં કડાકો
માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ, એપલ દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી કંપની છે. આ કંપનીએ ‘વન્સ-ઇન-અ-ડેકેડ’ ડિઝાઇન વર્લ્ડવાઇડ ડેવલપર કોન્ફરન્સ 2025માં લોન્ચ કરી છે. લિક્વિડ ગ્લાસ ડિઝાઇન લોન્ચ કરવાની સાથે જ એપલના શેરની કિંમત બે ટકા ગબડી ગઈ હતી, જેના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ 55 બિલિયન અમેરિકન ડોલર ઓછી થઈ ગઈ હતી. ગયા અઠવાડિયે ગુરુવારે કંપનીના શેરમાં 1.64 ટકાનો વધારો થયો હતો, પરંતુ શુક્રવારે 1.34 ટકા ફરી ઓછા થઈ ગયા હતા. ત્યાર બાદ આ ડિઝાઇનને કારણે વધુ બે ટકાનો ઘટાડો થયો છે.
ડિઝાઇનમાં બદલાવ લિક્વિડ ડિઝાઇન એપલની અગાઉની ડિઝાઇન કરતાં એકદમ અલગ છે. આ ડિઝાઇન ફક્ત આઇફોનમાં જ નહીં, પરંતુ આઇપેડ અને મેકબૂકમાં પણ જોવા મળશે. આ ડિઝાઇન ફક્ત સારું દેખાઈ એવું નથી, પરંતુ યુઝરના વોલપેપર અને થીમ સાથે ઓટોમેટિક મેચ થશે.
ઓપરેટિંગ સિસ્ટમમાં કેવી રીતે કામ કરશે લિક્વિડ ગ્લાસ ડિઝાઇન?
લિક્વિડ ગ્લાસ ડિઝાઇનને યુઝર ઇન્ટરફેસ જેવા કે બટન, સાઇડબાર અને સ્લાઇડરમાં રાખવામાં આવી છે, જેથી એપલ ડિવાઇઝની અંદર એ એક પારદર્શકતા ઊભી કરે. આ ડિઝાઇન iOS 26માં એક ગ્લાસ જેવી ઇફેક્ટ અને એનિમેશન લાવે છે, એટલે એને લિક્વિડ ગ્લાસ ડિઝાઇન નામ આપવામાં આવ્યું છે. આ ડિઝાઇન ડોક અને લોક સ્ક્રીનમાં પણ જોવા મળશે. કેમેરા એપમાં પણ આ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ તમામ બટન સંતાડી દેવામાં આવ્યાં છે અને સ્લાઇડ કર્યા બાદ જ એ જોઈ શકાશે.
આ પણ વાંચો: OpenAI આઉટેજ: દુનિયાભરના યુઝર્સની ChatGPT સહિત ઘણી સર્વિસ થઈ ડાઉન
એપ્લિકેશનને પણ આ ડિઝાઇન સાથે સુસંગત બનાવશે
એપલ લિક્વિડ ગ્લાસ લાઇટ અને ડાર્ક બંને મોડમાં ખૂબ જ સારી રીતે કામ કરે છે. એપલ દ્વારા એનો ઉપયોગ હાલમાં બટન, સ્વિચ, સ્લાઇડર્સ, ટેક્સ્ટ, મીડિયા કન્ટ્રોલ્સ, ટેબ બાર્સ અને સાઇડબારમાં કરવામાં આવી રહ્યો છે. જોકે, કંપની હવે તેમની તમામ એપ્લિકેશનને પણ લિક્વિડ ગ્લાસ બનાવી રહી છે. તેઓ બહુ જલદી આ માટે ડેવલપર્સને API પણ આપશે, જેથી તેઓ પણ પોતાની એપ્લિકેશનને લિક્વિડ ડિઝાઇન અનુસાર અપડેટ કરી શકે.