Apple iPhone Fold Issue: એપલ તેમનો પહેલો આઇફોન ફોલ્ડ 2026માં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ યુઝર્સના હાથે એ સહેલાઈથી નહીં આવે. કંપનીને આ મોબાઇલને લઈને ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર એપલ ફોલ્ડને લોન્ચ કરવા માટે તેમની ટાઈમલાઇનને અનુસરી રહ્યું છે, પરંતુ એનું શિપમેન્ટ 2027માં કરવામાં આવે એવા એંધાણ છે. એપલને પ્રોડક્શનને લઈને ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડી શકે છે અને એના કારણે યુઝર્સને એ મળવામાં તકલીફ પડી શકે છે.
સપ્લાયમાં આવી શકે છે મુશ્કેલીઓ
આઇફોન 18 પ્રો મોડલ્સની સાથે એપલ આઇફોન ફોલ્ડને પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જોકે એપલને પ્રો મોડલ્સ અને ફોલ્ડ બન્નેને લઈને સપ્લાય ચેનમાં મુશ્કેલીઓ આવી શકે છે. એનો અર્થ એ થયો કે એપલને મોબાઇલના પ્રોડક્શનમાં મોડું થઈ શકે છે. મોબાઇલ લોન્ચ થતાં જો યુઝર તરત જ ઓર્ડર કરી દેશે તો પણ તેમને 2027 સુધી મોબાઇલ નહીં મળે એવી આશંકા છે.
ફોલ્ડેબલ આઇફોનની ડિઝાઇન અને ફીચર
ફોલ્ડેબલ આઇફોનની સ્ટાઇલ બૂક જેવી ડિઝાઇન છે. એની કવર ડિસ્પ્લે 5.25 ઇંચની છે અને જ્યારે એનું ફોલ્ડ ઓપન કરવામાં આવશે ત્યારે એની સ્ક્રીન 7.8 ઇંચની જોવા મળશે. આ આઇફોનમાં બે મેઈન કેમેરા હશે જે બેકસાઇડ હશે. તેમ જ મેઈન ડિસ્પ્લે અને કવર ડિસ્પ્લે બન્ને પર સેલ્ફી કેમેરાનો સમાવેશ કરવામાં આવશે. આઇફોન ફોલ્ડમાં ફેસ આઇડીનો સમાવેશ કરવામાં આવશે એવા ચાન્સ ઓછા છે. એની જગ્યાએ ફિંગરપ્રિન્ટ સેન્સરનો સમાવેશ સાઇડમાં કરવામાં આવી શકે છે. એપલ દ્વારા તેમની આગામી A20 પ્રો ચીપસેટનો સમાવેશ એમાં કરવામાં આવે એવી શક્યતા છે જેની જાહેરાત હજી સુધી કરવામાં નથી આવી. આ આઇફોનની કિંમત 1.80 લાખ રૂપિયાથી શરૂ થશે એવી ચર્ચા હતી, પરંતુ હવે 2,15,000 રૂપિયાથી વધુ હોવાની ચર્ચા ચાલી રહી છે.


