2025માં ચોથી વાર સ્પાયવેર એલર્ટ ઇશ્યુ કર્યું એપલે: સૌથી વધુ ફ્રાન્સના યુઝર્સ સંકટમાં
Apple Security Alert: એપલ દ્વારા 2025માં ચોથી વાર સ્પાયવેર એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. સ્પાયવેર એલર્ટ એટલે કે યુઝર્સના ડિવાઇસને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે અને તેમના ડેટાને હેક અને મોનિટર કરવામાં આવી શકે છે. આ ઇશ્યુ હાલમાં ફ્રાન્સમાં સૌથી વધુ છે. એક સર્વેલન્સ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં પેગાસસ અને પ્રેડેટર જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને લોકો વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ફ્રાન્સની નેશનલ એજન્સી ફોર ધ સિક્યોરિટી ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. એમાં ઘણાં હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
શું થઈ રહ્યું છે?
એપલ દ્વારા આ એલર્ટ iMessage, ઇમેલ અને યુઝર જ્યારે iCloud એકાઉન્ટમાં લોગિન કરે છે ત્યારે તેમને આપવામાં આવી રહી છે. આ અગાઉ 5 માર્ચ, 29 એપ્રિલ અને 25 જૂને પણ એલર્ટ આપવામાં આવી હતી. આ એલર્ટ દ્વારા યુઝરને ચેતવવામાં આવે છે કે તેમની ડિજિટલ જાસૂસી થઈ રહી છે. આ જાસૂસી માટે પેગાસસ, પ્રેડેટર, ગ્રેફાઇટ અને ટ્રાયએંગ્યુલેશન જેવા સ્પાયવેર ટૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટૂલની મદદથી યુઝરના મોબાઇલને કોઈ પણ પ્રકારના સંપર્ક કર્યા વગર હેક કરી શકાય છે.
ફ્રાન્સની સાઇબર સિક્યોરિટી અનુસાર આ અટેક ખાસ કરીને જર્નાલિસ્ટ, એક્ટિવિસ્ટ, પોલિટિશિયન અને અન્ય સરકારી કર્મચારીઓ પર કરવામાં આવી રહ્યાં છે. એપલ દ્વારા આ નોટિફિકેશનને હાઈ-કોન્ફિડન્સ એલર્ટ કહેવામાં આવી રહ્યું છે. એટલે કે જે-તે વ્યક્તિને કોઈ દેશ, રાજ્ય અથવા તો કંપની દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમને સ્પાયવેર ઓપરેટર દ્વારા હેક કરવામાં આવી રહ્યાં છે.
ટાર્ગેટ યુઝરે શું કરવું?
આ માટે યુઝરે સૌથી પહેલાં જે-તે દેશ અથવા તો રાજ્યની સાઇબર સિક્યોરિટી ટીમનો સંપર્ક કરવો. આ સાથે જ યુઝરે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાથી દૂર રહેવું. એટલે કે મોબાઇલને રિસેટ કરવો, ફોર્મેટ કરવો, અથવા તો કોઈ એપ્લિકેશન ડિલીટ કરવી વગેરે બાબતોથી દૂર રહેવું. જો એ કરવામાં આવે તો સાઇબર સિક્યોરિટી ટીમને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરવામાં તકલીફ પડે છે.
આ પ્રકારની અટેકથી સુરક્ષિત રહેવા શું કરશો?
એપલ દ્વારા જે-તે યુઝર્સને સિક્યોરિટી એલર્ટ ન મળી હોય એમ છતાં તેઓ પોતાની જાતને સુરક્ષિત રાખી શકે છે. આ માટે તેમણે સૌથી પહેલાં iPhone ને અપડેટ કરવો અને ઓટોમેટિક અપડેટ ચાલુ રાખવી. સ્પાયવેરની સામે રક્ષણ માટે એડવાન્સ પ્રોટેક્શન એટલે કે લોકડાઉન મોડ ચાલુ રાખવું. રોજના એક વાર મોબાઇલ ચાલુ-બંધ કરવાની ટેવ રાખવી. આ કરવાથી જે-તે યુઝર્સના મોબાઇલને હેક કરવામાં આવ્યો હોય તો એના કનેક્શન તૂટવાના ચાન્સ વધી શકે છે. ખૂબ જ સ્ટ્રોંગ અને યુનિક પાસવર્ડનો ઉપયોગ કરવો. નામ અને બર્થડે પાસવર્ડમાં રાખવું ટાળવું. તેમ જ ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન શરૂ કરી દેવું. કોઈ પણ લિંક પર ક્લિક કરવાથી અથવા તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાથી દૂર રહેવું.
અત્યારનો સૌથી મોટો ખતરો
સ્પાયવેર અત્યારનો સૌથી મોટો ખતરો છે. આ એક ડિજિટલ અટેક છે. આ માટેના ટૂલ્સ ખૂબ જ મોંઘા આવે છે, પરંતુ એ એટલા જ એડવાન્સ પણ હોય છે અને એને ઓળખવા પણ મુશ્કેલ હોય છે. એપલ આ પ્રકારના ખતરાથી તેના યુઝર્સને બચાવવા માટે એલર્ટ મોકલતી રહે છે. જોકે એમ છતાં યુઝરે પોતે પણ કેટલી તકેદારી રાખવી જરૂરી છે. એપલ દ્વારા અને ફ્રાન્સની સરકાર દ્વારા અત્યાર સુધી આ કેમ્પેઈન પાછળ કોનો હાથ છે અને કોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે એનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.