Get The App

સાયબર ઠગો પર Appleની સર્જિકલ સ્ટ્રાઈક; 2025માં ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું, લાખો યુઝર્સ બચ્યા

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
સાયબર ઠગો પર Appleની સર્જિકલ સ્ટ્રાઈક; 2025માં ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું, લાખો યુઝર્સ બચ્યા 1 - image

Apple Fight Against Scam: ટેક જગતની સૌથી મોટી કંપનીઓમાની એક Appleએ એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, વર્ષ 2025 દરમિયાન તેણે પોતાના App Store પર અંદાજે 2.22 બિલિયન ડોલર એટલે કે અંદાજે ₹18 હજાર કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે આ કડક કાર્યવાહીના પરિણામે લાખો યુઝર્સ ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા છે.

6 વર્ષનો ટ્રેક રેકોર્ડ

Appleના સત્તાવાર અહેવાલ અનુસાર, છેલ્લા છ વર્ષમાં કંપનીએ App Store પર કુલ 11.2 બિલિયન ડોલરથી વધુના શંકાસ્પદ અને ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં App Store વિશ્વના 175 દેશોમાં કાર્યરત છે અને દર અઠવાડિયે અંદાજે 85 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે, જેના કારણે યુઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવી કંપની માટે મોટો પડકાર છે.

ટેક્નોલોજી અને હ્યુમન રિવ્યૂ

કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ફેક એપ્સ, નકલી રિવ્યૂ, સ્પેમ મેસેજ અને પેમેન્ટ ફ્રોડ સામે લડવા માટે અદ્યતન AI આધારિત સિસ્ટમની સાથે હ્યુમન એક્સપર્ટ્સ પણ ચોવીસ કલાક કાર્યરત છે. વર્ષ 2025 દરમિયાન Appleએ 91 લાખથી વધુ એપ સબમિશનની ઝીણવટભરી ચકાસણી કરી હતી, જેમાંથી સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 લાખથી વધુ એપ્સના સબમિશન રદ કરવામાં આવ્યા હતા.

ફેક એકાઉન્ટ્સ પર Appleનો હુમલો

સાયબર ગુનેગારો દ્વારા બોટ નેટવર્ક અને નકલી એકાઉન્ટ્સના માધ્યમથી App Storeના રેન્કિંગમાં હેરફેર કરવાના અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, Appleની સિક્યોરિટી સિસ્ટમે વર્ષ 2025 દરમિયાન આવા 1.1 બિલિયન એટલે કે 110 કરોડ નકલી એકાઉન્ટ્સ બનાવવાની કોશિશને પણ બ્લોક કરીને નિષ્ફળ બનાવી દીધી હતી.

આ પણ વાંચો: Google I/O 2026: એન્ડ્રોઇડ 17 અને એન્ડ્રોઇડ ઓટોની ધમાકેદાર જાહેરાત, બદલાઈ જશે સ્માર્ટફોન અને ડ્રાઇવિંગનો અંદાજ

છેતરપિંડી કરતી એપ્સ દૂર કરાઈ

એપ ડેવલપર્સ દ્વારા યુઝર્સ સાથે થતી છેતરપિંડી અંગે ચોંકાવનારો ખુલાસો કરતા Appleએ જણાવ્યું કે, પ્લેટફોર્મ પરથી 59 હજારથી વધુ એપ્સને દૂર કરવામાં આવી છે. આ એવી એપ્સ હતી જે શરૂઆતમાં સામાન્ય ગેમ અથવા યુટિલિટી એપ તરીકે મંજૂરી મેળવી લેતી હતી, પરંતુ એપ સ્ટોર પર લાઇવ થયા બાદ તે યુઝર્સ સાથે નાણાકીય છેતરપિંડી કરતા ફ્રોડ પ્લેટફોર્મમાં ફેરવાઈ જતી હતી.