એપલે જાહેર કરી ‘Awe-dropping’ ઇવેન્ટ: 9 સપ્ટેમ્બરે લોન્ચ કરશે આઇફોન 17 સિરીઝ
Apple Event Announced: એપલ દ્વારા સત્તાવાર રીતે તેમની આઇફોન લોન્ચ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઇવેન્ટને ‘Awe-dropping’ ઇવેન્ટ કહેવામાં આવી રહી છે જેમાં આઇફોન 17 સિરીઝને લોન્ચ કરવામાં આવશે. એપલની નવી ગ્લાસ ડિઝાઇનને કારણે આ ઇવેન્ટુનું નામ આવું રાખવામાં આવ્યું હોય એવી શક્યતા છે. કેલિફોર્નિયાના કુપર્ટિનોમાં આવેલા એપલ પાર્કમાં આ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે યોજાશે. એને લાઇવ પણ દેખાડવામાં આવશે. આ ઇવેન્ટ ભારતમાં રાતે 10:30 વાગ્યે દેખાડવામાં આવશે. આ ઇવેન્ટની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી હતી અને આખરે એપલ દ્વારા તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
શું નવું હશે આઇફોનમાં?
એપલ આઇફોન 17 સિરીઝમાં કેમેરા અને ડિઝાઇનમાં મુખ્ય બદલાવ જોવા મળી શકે છે. સેલ્ફી કેમેરા 12 મેગાપિક્સલ હતો એને 24 મેગાપિક્સલ કરવામાં આવી શકે છે. તેમ જ ઓપ્ટિકલ ઝૂમ 5xથી વધારીને 8x કરવામાં આવી શકે છે. આ સાથે જ કેમેરા અને એના ફીચરમાં ખૂબ જ સુધારો કરવામાં આવી શકે છે. એમાં AI ફીચર્સ હોવાની પણ સંભાવના છે. સેમસંગ અને ગૂગલના ફોનની સામે માર્કેટમાં ટકી રહેવા માટે એપલ કેમેરા પર ખૂબ જ ધ્યાન આપી રહી છે.
એપલ વોચ અલ્ટ્રા 3 થશે લોન્ચ
આઇફોન 17 સિરીઝની સાથે એપલ વોચ અલ્ટ્રા 3ને પણ લોન્ચ કરવામાં આવશે એવા એંધાણ છે. આઉટડોર યુઝર્સ માટે આ વોચમાં ખૂબ જ નવા ફીચર્સ અને સુધારા કરવામાં આવ્યા હોય એવી આશા રાખવામાં આવી રહી છે. આ સાથે જ એપલ વોચ 11ને પણ લોન્ચ કરવામાં આવશે. આ બે વોચની સાથે અફોર્ડેબલ એપલ વોચ SEને પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
આ ઇવેન્ટમાં કેન્દ્રમાં હશે AI
દુનિયાભરની મોબાઇલ કંપનીઓ AIમાં ખૂબ જ આગળ વધી ગઈ છે. એપલ ઇન્ટેલિજન્સ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આ AI અન્ય કંપનીઓ કરતાં ખૂબ જ પાછળ છે. એન્ડ્રોઇડમાં ખૂબ જ જોરદાર AI ફીચર્સ છે. આથી એપલ પણ આ ઇવેન્ટમાં AIને મહત્ત્વ આપી રહી હોવાની આશા રાખવામાં આવી રહી છે. આથી સેમસંગ અને ગૂગલ જેવી કંપનીને પહોંચી વળવા માટે એપલ કેવા ફીચર્સ લઈને આવે એ હવે જોવું રહ્યું. આઇફોન લોન્ચ થતાની સાથે જ થોડા દિવસમાં બૂકિંગ શરૂ થઈ જશે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં ડિલિવરી શરૂ પણ થઈ જશે.