આપણે જાણીએ છીએ કે વિવિધ એઆઇ ચેટબોટ સર્વિસ એકદમ પોપ્યુલર થઈ એ પછી આ બધી
કંપનીઓએ પોતાની સર્વિસ પોતપોતાની વેબસાઇટ તથા એપની બહાર વિસ્તારવાની કોશિશ કરી
હતી. વધુ લોકો સુધી પહોંચવા માટે તેમને માટે સૌથી અસરકારક અને હાથવગું સાધન હતું
વોટ્સએપ. આ કારણે વોટ્સએપમાં ચેટજીપીટી, પર્પ્લેક્સિટી તથા બીજી ઘણી
એઆઇ સર્વિસે પોતપોતાના ચેટબોટ શરૂ કર્યા.
વોટ્સએપ પર આપણે પોતાની બેંક કે વીમા કંપનીઓના ચેટબોટ સાથે વાતચીત કરીને ઘણી
બધી માહિતી મેળવી શકીએ છીએ. બરાબર એ જ રીતે એઆઇ કંપનીઓના ચેટબોટ સાથે પણ વોટસએપમાં
ચેટિંગ કરી શકીએ છીએ. એ માટે આપણે વોટ્સએપની બહાર ક્યાંય જવાની જરૂર રહેતી નથી.
દેખીતું છે કે વોટ્સએપની માલિક મેટા કંપની પોતે પણ પોતાની મેટા એઆઇ સર્વિસ
વોટ્સએપમાં ઓફર કરે છે. કંપનીને લાગ્યું કે વોટ્સએપ પર અન્ય એઆઇ સર્વિસના ચેટબોટ
એક્ટિવ રહેશે તો મેટાની પોતાની એઆઇ સર્વિસનો ઉપયોગ ઘટતો જશે. આ કારણે ઓક્ટોબર
૨૦૨૫માં મેટા કંપનીએ જાન્યુઆરી ૧૫, ૨૦૨૬થી વોટ્સએપમાં અન્ય એઆઇ
કંપનીના ચેટબોટ પર પ્રતિબંધ મૂકી દીધો.
જોકે હવે સમાચાર છે કે બ્રાઝિલ સરકારે વોટ્સએપને તેના આ નિર્ણય પર બ્રેક લગાવવાનો
આદેશ આપ્યો છે. વિવિધ દેશોની સરકારો ઇન્ટરનેટ પરની વિવિધ કંપની એકબીજા સાથે
સ્પર્ધાત્મક રીતે આગળ વધી શકે તેવું મુક્ત વાતાવરણ જાળવી રાખવાનો આગ્રહ રાખે છે.
વોટ્સએપમાં અન્ય કંપનીઓના એઆઇ ચેટબોટ પર પ્રતિબંધ મૂકવાની વાત આ વાતના ભંગ સમાન
છે.
યુરોપિયન યુનિયનમાં ખાસ કરીને ઇટાલીમાં વોટ્સએપમાં અન્ય એઆઇ કંપનીના ચેટબોટ પર
પ્રતિબંધ સામે વાંધો ઉઠાવ્યો છે. પરિણામે હાલમાં મેટા કંપનીએ ઇટાલીમાં જાન્યુઆરી
૧૫, ૨૦૨૬ની ડેડલાઇન વીત્યા પછી પણ
અન્ય એઆઇ કંપનીઓને વોટ્સએપ પર તેમના એઆઇ ચેટબોટ્સ ઓફર કરવાનું ચાલુ રાખવા કહ્યું
છે.
અત્યારે ભારતમાં મેટા કંપનીના પ્રતિબંધને ચેટજીપીટી જેવી એઆઇ સર્વિસ વોટ્સએપ
પર બંધ થઈ ગઈ છે. આપણે વોટ્સએપમાં તેનો નંબર સેવ કર્યો હોય અને તેની સાથે વાત
કરવાનો પ્રયાસ કરીએ તો ચેટજીપીટીની એપ ડાઉનલોડ કરવા કહેવામાં આવે છે.
બ્રાઝિલ કે ઇટાલીની જેમ ભારતમાં પણ વોટ્સએપમાં અન્ય એઆઇ કંપનીઓને પોતાના
ચેટબોટ ઓપરેટ કરવાની કામચલાઉ પરમિશન મળે તો નવાઈ નહીં.


