વોટ્સએપની જેમ ટેક્સ્ટ મેસેજ માટે નવું ફીચર: આઇફોન પર મોકલેલા મેસેજને હવે એડિટ કરી શકશે એન્ડ્રોઇડ યુઝર્સ
Android to iPhone Text Message: ગૂગલ દ્વારા હવે એન્ડ્રોઇડ યુઝર્સ માટે વધુ સરળ સર્વિસ બનાવવામાં આવી રહી છે. વોટ્સએપ પર દરેક યુઝર સેન્ડ કરેલા મેસેજને એડિટ કરી શકે છે. દરેક ઇન્સ્ટન્ટ મેસેજ સર્વિસ પર આ ફીચર છે. જોકે ટેક્સ્ટ મેસેજ પર આ સુવિધા નહોતી. જોકે એન્ડ્રોઇડ હવે એ સર્વિસ પણ લાવી રહ્યું છે. એન્ડ્રોઇડથી એન્ડ્રોઇડ પર મેસેજ એડિટ કરી શકાતા હતા, પરંતુ હવે પહેલી વાર આઇફોન પર સેન્ડ કરેલા મેસેજ પણ એડિટ કરી શકાશે.
કેવી રીતે શક્ય બન્યું?
આઇફોનની iOS 18માં રિચ કમ્યુનિકેશન સર્વિસીસ (RCS) યુનિવર્સલ પ્રોફાઇલ 3.0નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીના કારણે હવે યુઝર મેસેજ સેન્ડ કર્યાના 15 મિનિટની અંદર એને એડિટ કરી શકશે. તેમ જ મેસેજ ટાઈપિંગ ઇન્ડિકેટર અને રીડ રિસીપ્ટ જેવા ફીચરનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. મેસેજ એપનો ઉપયોગ પણ હવે ઇન્સ્ટન્ટ મેસેજ સર્વિસની જેમ કરી શકાય છે. આથી મેસેજ કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની છે.
કેવી રીતે કરશો મેસેજને એડિટ?
સેન્ડ કરેલા મેસેજને આ માટે યુઝરે લોન્ગ-પ્રેસ કરવાનું રહેશે. ત્યારબાદ એક મેન્યુ ઓપન થશે—એના પર પેન્સિલ આઇકનને પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ મેસેજ એડિટ કરીને ફરીથી સેન્ડ કરવાનું રહેશે. આ મેસેજ આઇફોન પર મોકલ્યો હોય તો એમાં એ મેસેજ એડિટ થતાં નવા મેસેજ તરીકે દેખાશે. જોકે એની બબલ ચેન્જ નહીં થાય. અત્યારે આ ફીચર એન્ડ્રોઇડ માટે છે. એટલે કે એન્ડ્રોઇડ યુઝર એપલને સેન્ડ કરેલા મેસેજ એડિટ કરી શકશે. જોકે આઇફોન યુઝર્સ એન્ડ્રોઇડને સેન્ડ કરેલા મેસેજ નહીં એડિટ કરી શકે કારણ કે એપલની મેસેજ એપ અપડેટ કરવાની જરૂર છે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટે ઓથેન્ટિકેટરમાંથી પાસવર્ડ ફીચર કાઢી નાખ્યું: પાસવર્ડ મેળવવા માટે આ કરો…
રિચ કમ્યુનિકેશન સર્વિસીસ શું છે?
રિચ કમ્યુનિકેશન સર્વિસીસ એટલે પહેલા જે શોર્ટ મેસેજ સર્વિસ જેને SMS તરીકે ઓળખવામાં આવતી હતી એનું અપગ્રેડ વર્ઝન છે. આ RCSને કારણે એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ એકમેક સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ શકે છે. એડિટેડ મેસેજ પહેલા એન્ડ્રોઇડ-એન્ડ્રોઇડ અને આઇફોન-આઇફોન વચ્ચે સીમિત હતા. જોકે હવે આ તફાવત પણ દૂર થઈ રહ્યો છે. હવે પહેલી વાર એન્ડ્રોઇડ યુઝર પણ આઇફોન પર મોકલેલા મેસેજને એડિટ કરી શકશે.