આઇફોન યુઝર્સ હવે એન્ડ્રોઇડ ફોનમાં પણ કરી શકશે એરડ્રોપ, જાણો વિગત…

Android and iPhone AirDrop: એપલ તેની સિક્યુરિટીને લઈને પહેલેથી ખૂબ જ ગંભીર છે. અત્યાર સુધી આઇફોનમાંથી ફક્ત આઇફોન યુઝર્સ જ ફોટો લઈ શકતા હતા. જોકે હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ એરડ્રોપ દ્વારા ફોટો લઈ શકશે. આ નવી અપડેટને લઈને આઇફોન અને એન્ડ્રોઇડ બન્ને યુઝર વચ્ચે ફોટો અને વીડિયો ટ્રાન્સફર કરવાનું ખૂબ જ સરળ થઈ જશે. જોકે આ માટે કેટલાક સ્ટેપ જરૂરી છે. આ ફીચર સૌથી પહેલાં ગૂગલ પિક્સેલ 10માં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. એ આઇફોન, આઇપેડ અને મેકબુક દરેક ડિવાઇસ સાથે કામ કરશે.
ભવિષ્યમાં વધુ ડિવાઇસમાં જોવા મળશે આ ફીચર
ગૂગલ દ્વારા હાલમાં આ ફીચરને પિક્સેલ 10 સિરીઝમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે હવે એને બહુ જલદી અન્ય ડિવાઇસમાં પણ લોન્ચ કરવાની તૈયારી શરુ કરવામાં આવશે. કંપનીના કહ્યા મુજબ યુઝર્સ હવે ફોટો, વીડિયોઝ અને ફાઇલ પણ ખૂબ જ ઝડપથી ટ્રાન્સફર કરી શકશે. સામેની વ્યક્તિ કયા મોબાઇલનો ઉપયોગ કરે છે એનાથી કોઈ મતલબ નહીં રહે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે આઇફોન યુઝર્સે તેમનું એરડ્રોપ દસ મિનિટ માટે દરેક વ્યક્તિ જોઈ શકે એ મોડમાં રાખવાનું રહેશે.
ગૂગલનો ક્રોસ-પ્લેટફોર્મ શેરિંગ
ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્રોસ-પ્લેટફોર્મ શેરિંગ તરફ કંપનીનું આ પહેલું પગલું છે. ગૂગલ હવે એપલ સાથે મળીને કોન્ટેક્ટ્સ ઓનલી મોડમાં પણ એરડ્રોપ કરી શકાય એ વિશે ચર્ચા વિચારણા કરશે. આ અપડેટ ટૂ-વે કમ્યુનિકેશનને સપોર્ટ કરે છે. એટલે કે બન્ને મોબાઇલ એકમેકને ફાઇલ અને મીડિયા શેર કરી શકે છે. આ માટે બન્ને ડિવાઇસમાં ડિસ્કવરેબલ મોડ ચાલુ હોવો જોઈએ.
સિક્યુરિટીને મહત્ત્વ
ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્વિક શેર-એરડ્રોપ ફંક્શનમાં પણ તેમની મલ્ટી-લેયર સિક્યુરિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી આ કનેક્શન દરમિયાન ફક્ત બે મોબાઇલ વચ્ચે કનેક્શન થશે નહીં કે સર્વર સાથે. આથી દરેક ડેટા સુરક્ષિત અને સિક્યુર રહેશે. તેમ જ એને કોઈ જોઈ પણ નહીં શકે અને કયા ડેટા શેર કરવામાં આવ્યાં છે એની જાણ એપલ અને ગૂગલ બેમાંથી એક પણ કંપનીને નહીં હોય.
આ પણ વાંચો: સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટની કર્મચારીઓને આપી ચેતવણી: AI માટે નવી રણનીતિનો આપ્યો સંકેત
સિક્યુરિટી અને પ્રાઇવસીને લઈને ગૂગલ કટિબદ્ધ
ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે શેરિંગ એક્સપિરિયન્સ માટે યુઝર્સના હાથમાં હંમેશાં કન્ટ્રોલ રહેશે. ફાઇલ રિસીવ કરતા પહેલાં એને અપ્રૂવલ આપવું જરૂરી રહેશે. આથી યુઝર શું એક્સેપ્ટ કરી રહ્યો છે એની પરવાનગી તે પોતે આપશે. આથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ શેર નહીં કરી શકે. આ માટે ગૂગલ દ્વારા થર્ડ પાર્ટી ટેસ્ટિંગ ફર્મ NetSPIની પણ મદદ લીધી હતી. એના દ્વારા એ કેટલું સિક્યુર છે એ ચેક કરવામાં આવ્યું હતું.

