AI Hunger For Ram and Storage: આજકાલ સ્માર્ટફોન અને લેપટોપ પહેલાં કરતાં મોંઘા થઈ રહ્યાં છે. આ પાછળ કંપનીઓની કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી, પરંતુ એક ખૂબ જ મોટું કારણ છે. આ કારણ છે AIની ભૂખ. AIની આ ભૂખ રેમ અને સ્ટોરેજને લઈને છે. AI ખૂબ જ વધુ રેમ અને સ્ટોરેજનો ઉપયોગ કરે છે. રેમ અને સ્ટોરેજની સાથે AI પાણી અને વિજળીનો પણ ખૂબ જ ઉપયોગ કરે છે. આ ઉપયોગ એટલો છે કે એનો કોઈ હિસાબ પણ નથી. એક રિપોર્ટ અનુસાર AI દુનિયાભરમાં જેટલી પણ પાણીની બોટલ છે એના કરતાં વધુ પાણીનો ઉપયોગ કરી રહ્યું છે. આ કારણસર છેલ્લા થોડા સમયથી ટેક ઇન્ડસ્ટ્રીમાં એક બદલાવ જોવા મળી રહ્યો છે. કંપનીઓ નવા મોબાઇલ તો લોન્ચ કરી રહી છે, પરંતુ એની કિંમત ધીમે-ધીમે વધી રહી છે. કેટલાક મોબાઇલમાં રેમ ઓછી મળી રહી છે તો એજ રેમ વાળા ફોન મોંઘા થઈ ગયા છે. કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે આ મોંઘવારીની અસર છે, પરંતુ આ પાછળની કહાની એકદમ અલગ છે. સેમસંગ જેવી ઘણી કંપનીઓ પણ હવે તેમના મોબાઈલની કિંમત રિવાઇઝ કરી રહી છે.
સપ્લાય ચેનમાં આવી રહી છે સમસ્યા
AIનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે એના કારણે દુનિયાભરમાં મેમોરી સપ્લાય ચેનમાં સમસ્યા આવી રહી છે. રેમની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે અને એ ધીમે-ધીમે વધતી જ રહેશે. આ કારણસર કંપનીઓને હવે એ મોંઘી મળશે કારણ કે એની અછત સર્જાઈ રહી છે. એના કારણે હવે એની સીધી અસર કંપનીઓ મોબાઇલની કિંમત પર પાડી રહી છે. આજે AIની દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. ચેટબોટ, ઇમેજ જનરેશન, વીડિયો ટૂલ, ડેટા એનાલિસિસ વગેરે માટે AIનો ઉપયોગ થાય છે. એને ચલાવવા માટે ખૂબ જ પાવરફુલ સર્વર્સની જરૂર પડે છે. આ સર્વરમાં પણ હાઈ-પર્ફોર્મન્સ રેમની જરૂર પડે છે. આ રેમ હવે ટેક કંપનીઓ માટે સોના જેટલી મોંઘી થઈ ગઈ છે. રેમ બનાવનાર કંપનીઓ પણ હવે સામાન્ય યુઝર્સ માટે રેમ બનાવવા કરતાં ડેટા સેન્ટર કંપનીઓને રેમ આપી રહી છે. ડેટા સેન્ટરને રેમ આપવામાં તેમને વધુ પૈસા મળી રહ્યાં છે. તેમને ઓર્ડર પણ વધુ મળે છે અને એમાં નફો પણ વધુ છે. આથી એની અસર પણ સામાન્ય માણસ પર પડી રહી છે.
સ્માર્ટફોન અને લેપટોપ બનાવનાર કંપનીઓને હવે પહેલાં જેટલી સરળતાથી રેમ નથી મળી રહી. તેમને જે રેમ મળી પણ રહી છે એ પહેલાં કરતાં મોંઘી થઈ ગઈ છે. આથી કંપનીઓ હવે મોબાઇલ અને લેપટોપની કિંમત વધારી રહી છે અથવા તો ઓછી રેમ વાળા ફોન બનાવી રહી છે. કેટલીક કંપનીઓ તેમનો જે સ્ટોક છે એનો પણ ઉપયોગ કરી રહી છે જે હવે પૂરો થતાં તેઓ પણ વધુ પૈસા વસૂલ કરશે. આજ કારણ છે કે છેલ્લા થોડા મહિનામાં ઘણાં મિડ-રેન્જ મોબાઇલની કિંમતમાં પણ વધારો થયો છે. કેટલીક લેપટોપ બ્રેન્ડ એવી પ્રોડક્ટ વેંચી રહી છે જેમાં યુઝર તેમની જરૂરિયાત અનુસાર રેમ અલગથી નખાવી શકે છે. યુઝર્સને લાગી રહ્યું છે કે આ કંપનીઓની ચાલ છે, પરંતુ હકીકતમાં તેમને પણ રેમ ન મળી રહી હોવાથી તેમણે આ રીતે લેપટોપ વેંચવા પડી રહ્યાં છે. સપ્લાય ચેનને કારણે ઘણાં વેન્ડર રેમ અને સ્ટોરેજને સ્ટોક કરી રહ્યાં છે જેથી એને વધુ કિંમત પર વેંચી શકે.

ક્રિપ્ટો ડિમાન્ડમાં આવ્યું ત્યારે પણ આવું થયું હતું
ક્રિપ્ટોકરન્સી જ્યારે ડિમાન્ડમાં હતી ત્યારે પણ માર્કેટના આવા હાલ હતા. ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીની માઇનિંગ ખૂબ જ ઝડપથી થઈ રહી હતી. એ સમયે આજ રીતે ગ્રાફિક્સ કાર્ડની અછત જોવા મળી હતી. ઘણી જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સનું માર્કેટ ખૂબ જ જાણીતું હોય છે અને એવી જગ્યાએ પણ એક પણ ગ્રાફિક્સ કાર્ડ નહોતા મળી રહ્યાં. બિટકોઇનના માઇનિંગ માટે ગ્રાફિક્સ કાર્ડની જરૂર પડે છે અને યુઝર્સ એને ખૂબ જ વધુ પ્રમાણમાં ખરીદી રહ્યાં હતાં.
જોકે હાલમાં જે પરિસ્થિતિ છે એ એકદમ અલગ છે. પહેલાં ગ્રાફિક્સ કાર્ડની શોર્ટેજ હતી ત્યારે કંપનીઓ કોવિડને કારણે બંધ હતી. લોજિસ્ટિક પર પણ અસર થઈ હતી. અત્યારે ફેક્ટરીઓ ચાલુ છે, પરંતુ તેઓ કોના માટે પ્રોડક્ટ બનાવી રહ્યાં છે એ મહત્ત્વનું છે. AI માટે બનનારી મેમોરી વધુ એડવાન્સ હોય છે. એમાં કમાણી વધુ છે અને એના કોન્ટ્રેક્ટ પણ વધુ લાંબા સમય સુધી ચાલે છે. આથી રેમ બનાવતી કંપનીઓ વધુ નફો કરવા માટે તેમના માટે રેમ બનાવી રહી છે. આથી સામાન્ય વ્યક્તિઓ માટે રેમ અને સ્ટોરેજ ધીમે-ધીમે મોંઘા થઈ રહ્યાં છે.
કિંમતમાં ઘટાડો થવાની આશા ઝીરો
એક્સપર્ટનું માનવું છે કે રેમની કિંમતમાં હવે ઘટાડો થવાની કોઈ આશા નથી. આ અછત ફક્ત 2026 પૂરતી સીમિત નથી. AI મોડલ જેમ જેમ એડવાન્સ અને મોટા બનતાં જશે એના માટે એટલી જ વધુ એડવાન્સ અને વધુ રેમની જરૂર પડશે. એની સીધી અસર, મોબાઇલ, લેપટોપ, ડેસ્કટોપ, ગેમિંગ કોમ્પ્યુટર અને ટેબ્લેટ પર જોવા મળશે. કેટલાક લોકો એવો અંદાજો લગાવી રહ્યાં છે કે આવનારા થોડા દિવસોમાં મિડ-રેન્જના મોબાઇલની કિંમતમાં ઘણો વધારો જોવા મળશે અને આ વધારો લગભગ ફિક્સ છે.
નકામા AI ફીચર્સ આપવામાં આવશે
આ તમામ કિંમતના ખેલમાં કંપનીઓ પણ હવે એક ગેમ રમી રહી છે જેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે. રેમ અને સ્ટોરેજ મોંઘા થવાને કારણે કંપનીઓ હવે સોફ્ટવેરની મદદથી નવા AI ફીચર્સ આપી રહી છે. આ ફીચર્સને કારણે કંપનીઓ આ કિંમતમાં વધારો થયો હોવાનું જસ્ટિફાય કરવાની કોશિશ કરી રહી છે. આથી યુઝર્સને લાગે છે કે તેઓ વધુ સ્માર્ટફોન માટે કિંમત ચૂકવી રહ્યાં છે, પરંતુ હકીકતમાં તેઓ રેમ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા ચૂકવી રહ્યાં છે. એક રીતે જોવા જઈએ તો AI હવે સંપૂર્ણ ટેક ઇન્ડસ્ટ્રીને એક નવી દિશામાં લઈ જઈ રહ્યું છે. પહેલાં ફોન કેવો બનશે એ નક્કી કરવામાં આવતું હતું અને ત્યાર બાદ એના માટે ચીપ બનાવવામાં આવતી હતી. જોકે હવે AI માટેની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે અને ત્યાર બાદ કંપનીઓ એ અનુસાર એડજસ્ટમેન્ટ કરે છે.
આ પણ વાંચો: FB-ઈન્સ્ટા પર તમારી દરેક હરકત પર નજર રાખશે AI! મેટાની નવી પોલિસીથી યુઝર્સ પરેશાન
એક્સપર્ટનું માનવું છે કે AIની ડિમાન્ડ અને રેમ તેમજ સ્ટોરેજ વચ્ચે સંતુલન બનાવવામાં નહીં આવ્યું તો આગામી થોડા દિવસોમાં સસ્તા મોબાઇલ ખરીદવું માત્ર એક સપનું બની જશે. ખાસ કરીને એ લોકો માટે જેઓ કિંમતને સૌથી વધુ મહત્ત્વ આપે છે. પહેલાં એવું હતું કે બ્રેન્ડ સારી હોવાથી કિંમત વધુ છે. જોકે સ્માર્ટફોન અને લેપટોપના માર્કેટમાં હવે બ્રેન્ડને દોષ આપવા કરતાં સપ્લાય ચેનને જવાબદાર ગણવી. AIની જે ભૂખ છે જે રેમ અને સ્ટોરેજ છે એને જવાબદાર ગણવી.


