Meta AI in Ads: મેટાની નવી પોલિસીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સના યુઝર્સને હવે એક ડર લાગી રહ્યો છે કે કંપની દ્વારા હવે AIની મદદથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે. પહેલાં કરતા વધુ નજર રાખવાનું પ્લાનિંગ હવે મેટા AIની મદદથી કરી રહી છે. મેટાનું કહેવું છે કે AIની મદદથી યુઝર્સ તેમની ઇચ્છાની એડ્સ જોઈ શકશે, પરંતુ એક્સપર્ટ દ્વારા એને ખતરાની ઘંટી ગણવામાં આવી રહી છે.
AIની મદદથી કરવામાં આવશે એડ્સનો બિઝનેસ
મેટા હવે AIની મદદથી એડ્સનો બિઝનેસ કરી રહ્યું છે. આ કોઈ નાનો બદલાવ નથી. એના કારણે મેટા કંપની તેમની દરેક પ્રોડક્ટમાં હવે પહેલાં કરતાં AIનો ઉપયોગ વધુ કરશે. આ AI હવે વધુ બારિકાઈથી યુઝર્સના ઉપયોગ પર ધ્યાન રાખશે જેના કારણે તેમને એડ્સ કઈ દેખાડવી એ નક્કી કરી શકાય.
યુઝર્સની દરેક એક્ટિવિટી હવે બનશે ડેટા
અત્યાર સુધી યુઝર્સની પર્સનલ માહિતીને ડેટા ગણવામાં આવતાં હતાં. જોકે AI આવવાથી હવે એ યુઝર્સની લાઇકથી લઈને સર્ચ અને કઈ પોસ્ટ જોવામાં આવે છે અને મેટા AI સાથે શું વાતચીત કરવામાં આવે છે એ દરેક બાબત પર ધ્યાન રાખવામાં આવશે. આથી યુઝર્સના મેસેજ, એમાં થતી વાતચીત અને એમાં ઉપયોગમાં લેવામાં આવતાં કીવર્ડ વગેરે માહિતી એલ્ગોરિધમ સુધી પહોંચી શકે છે. મેટા કંપની દ્વારા એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા મેસેજને માણસ જે રીતે વાંચે છે એ રીતે વાંચવામાં નથી આવતાં. જોકે એક્સપર્ટ દ્વારા યુઝર્સને ચેતવી દેવામાં આવ્યાં છે કે તમે જે વાત કરશો એના આધારે પણ તમને એડ્સ દેખાડવામાં આવી શકે છે.
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કાર્યરત છે મેટા AI
મેટા AI સંપૂર્ણ રીતે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કાર્યરત છે. જો યુઝર્સ હવે AIને ટ્રાવેલ, ફૂડ અથવા તો કોઈ પણ વિષય પર સવાલ પૂછશે તો યુઝર્સને એ વિશેની એડ્સ જોવા મળવાની શરૂ થઈ જશે. કંપનીનું કહેવું છે કે એની મદદથી યુઝર્સને કોઈ પણ એડ્સ દેખાડવા કરતાં તેમની પસંદગીની એડ્સ જોવા મળશે જેથી યુઝર્સને પણ કંટાળો નહીં આવે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
યુઝર્સ જ્યારે પણ મેટા AI સાથે વાત કરશે ત્યારે AI આ કીવર્ડને સમજશે અને ત્યાર બાદ યુઝરની એક પ્રોફાઇલ તૈયાર કરશે. આ પ્રોફાઇલ સાથે જે એડ્સ બંધબેસતી હશે એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર દેખાડવામાં આવશે. કેટલીક વાર યુઝર્સને આ એડ્સ વિશેના ઇમેલ પણ મળતાં હશે. જોકે યુઝર્સ દ્વારા ઇમેલ માટેનું ફીચર ઓન રાખ્યું હશે તો એમાં પણ તેમને એડ્સ જોવા મળશે. મેટા આ ફીચરને યુઝર્સ માટે સમયની બચત બતાવી રહ્યું છે.
આ ફીચરનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
મેટાની વાતો અને તેમના દાવાથી દરેક વ્યક્તિ સહમત નથી. ગ્રાહક સુરક્ષા અધિકારીઓ, પ્રાઇવસી અને સિવિલ રાઇટ્સ સાથે જોડાયેલા 36 જેટલા ગ્રુપ દ્વારા ફેડરલ ટ્રેડ કમિશનમાં આ વિશે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે યુઝરની વાતચીતના આધારે એડ્સ દેખાડવાથી તેમની પ્રાઇવસી અને ડેટા સુરક્ષા પર લઈને ઘણાં સવાલ ઊભા થઈ રહ્યાં છે.
મેટાનો દાવો
મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે 2025ની ઓક્ટોબરમાં આ વિશે બદલાવના સંકેત આપવામાં આવ્યા હતા. આ સાથે જ મેટાને વિશ્વાસ છે કે યુઝર્સ માટે AI આધારિત એડ્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સાથે જ મેટાનું કહેવું છે કે દરેક યુઝર્સના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.
યુઝર્સ માટે એનો અર્થ શું થયો?
યુઝર્સ જ્યારે પણ મેટાની કોઈ પણ એપ્લિકેશન ઓપન કરશે અને એમાં જ એડ્સ જોવા મળશે એ AIને કારણે હશે. યુઝરની ફીલ ભલે વધુ પર્સનલ અને તેમની સાથે સુસંગત હોય એવી લાગે, પરંતુ સવાલ એ છે કે મેટા દ્વારા આ ડેટાનો ઉપયોગ કેટલા સમય સુધી કઈ હદ સુધી એનો ઉપયોગ કરવામાં આવે છે. યુઝર્સ સાથે પારદર્શિતા રાખવી અને તેમની સહમતી હોવી એ હજી પણ ચિંતાનો વિષય છે.


