શું ટૅક્નોલૉજીથી માનવ સ્પર્શ ખોવાઈ રહ્યો છે?: AI ગર્લફ્રેન્ડ એપનું માર્કેટ 2032 સુધીમાં 11 બિલિયન ડૉલરનું જોવા મળશે…

AI Girlfriend App: AI આવતાં હવે લોકો ગર્લફ્રેન્ડની જેમ વાત કરવા માટે AI ઍપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકો હવે હ્યુમન ટચ ખોઈ રહ્યા છે અને વાત કરવા માટે ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે હવે AI ગર્લફ્રેન્ડ એપનું માર્કેટ ધીમે ધીમે વધી રહ્યું છે. 2024માં આ માર્કેટ કેપ 2.57 બિલિયન અમેરિકન ડૉલર હતું, જે 2032 સુધીમાં 11.06 બિલિયન થઈ જશે. એશિયા-પેસિફિકમાં યુવાનોની સંખ્યા ખૂબ જ હોવાથી અહીં આ પ્રકારની ઍપ્લિકેશન ખૂબ જ ડિમાન્ડમાં છે, જ્યાં AI ગર્લફ્રેન્ડની જેમ વાત કરે છે.
AI ગર્લફ્રેન્ડ એપનું માર્કેટ જોરમાં
આ માટે ઘણી ઍપ્લિકેશન માર્કેટમાં છે, પરંતુ એમાં સૌથી ટોપ પર Replika છે. આ ઍપ્લિકેશન દ્વારા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પણ પૂરું પાડવામાં આવે છે. આ વર્ષની શરુઆતમાં ઇલોન મસ્કના Grok AI દ્વારા પણ 3D એનિમેથી પ્રેરિત કોમ્પેનિયન Annie નામનું AI કેરેક્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. એનો ઉપયોગ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ધરાવતાં યુઝર્સ જ કરી શકતા હતા. આ એક 22 વર્ષની બ્લોન્ડ હેર ધરાવતી જાપાનીઝ છોકરી છે. આ એક વર્ચ્યુઅલ કેરેક્ટર છે અને એને કમાન્ડ આપતાં તે કપડાં પણ કાઢી નાખે છે.
AI કમ્પેનિયનશિપ બાદ હવે વર્ચ્યુઅલ લગ્ન
AI કમ્પેનિયનશિપમાં વધારો થઈ રહ્યો છે અને એને કારણે હવે કેટલાક લોકો AIની સાથે ખૂબ જ ડીપ કનેક્શન બનાવી રહ્યા છે. તેઓ તેમને વર્ચ્યુઅલ પાર્ટનર ગણી રહ્યા છે. જાપાનમાં હાલમાં 32 વર્ષની એક મહિલાએ AI પાર્ટનર Claus સાથે લગ્ન કર્યાં છે. તેની રિયલમાં સગાઈ થઈ હતી અને એ તૂટી જતાં તેણે ChatGPTનો ઉપયોગ કરીને AI કેરેક્ટર Claus સાથે વાતચીત કરવાનું શરુ કર્યું હતું. આ લગ્નની સેરેમની તેના શહેરની એક કંપની દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. આ કંપની 2D કેરેક્ટર વેડિંગ્સ માટે જાણીતી છે. Okinawaના એક પુરુષે 25 વર્ષની AI પાર્ટનર Miku સાથે લગ્ન કર્યા છે, જેને તે AI ગર્લફ્રેન્ડ એપ પર મળ્યો હતો.
આ પણ વાંચો: આઇફોન યુઝર્સ હવે એન્ડ્રોઇડ ફોનમાં પણ કરી શકશે એરડ્રોપ, જાણો વિગત…
ઍપ્લિકેશનને કારણે લોકો રિયલ ગર્લફ્રેન્ડ બનાવવાનું ટાળી રહ્યા છે
Perplexity CEO અરવિંદ શ્રીનિવાસ દ્વારા હાલમાં જ AI કમ્પેનિયનશિપના ટ્રેન્ડને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે AI પાર્ટનર સાથે સતત વાત કરવાને કારણે ઘણાં યુઝર્સ હ્યુમન રિલેશનશિપથી દૂર રહેવાનું શરુ કરી શકે છે. આ એક ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. તેમણે એ પણ જણાવ્યું છે કે AI પાર્ટનર સાથે ખૂબ જ ગાઢ સંબંધ બની જવાથી AI પાર્ટનર યુઝરને રિયાલિટીથી દૂર એક અલગ દુનિયામાં રાખી શકે છે જે ખૂબ જ ડરામણું બની રહેશે.

