Get The App

AI ચેટબોટ્સને મિત્ર બનાવવાનું કેટલું જોખમી અને કેટલું મદદરૂપ? સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
AI ચેટબોટ્સને મિત્ર બનાવવાનું કેટલું જોખમી અને કેટલું મદદરૂપ? સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો 1 - image

AI Chatbots: તમારી દરેક વાત સાથે સહમત થાય, કદી તમારો વિરોધ ન કરે, તમે ચાહો એટલો સમય તમને આપ્યા કરે, તમારી અનુકૂળતાએ તમારી સામે હાજર થઈ જાય એવો મિત્ર કોને ન ગમે? વાસ્તવિક જીવનમાં આવો ‘કાયમી કહ્યાગરો અને ડાહ્યો’ મિત્ર શક્ય ન હોવાથી હવે લોકોએ ટૅક્નોલૉજી તરફ નજર દોડાવી છે, જે તેમને ‘તેમની અનુકૂળતા મુજબ’નો મિત્ર પૂરો પાડે છે. વાત છે ચેટજીપીટી જેવા AI ચેટબોટ્સની જે ઘણા લોકો માટે સાચુકલા માનવ-મિત્રોનું સ્થાન લેતા જાય છે. ખાસ કરીને બાળકો અને યુવાનો એકથી વધુ કારણસર આવા ચેટબોટ્સ તરફ ઢળતા જાય છે. પરંતુ શું આ પ્રવૃત્તિ સ્વાસ્થ્યપ્રદ છે ખરી? કે એ લાંબે ગાળે ખતરનાક બની શકે એમ છે? 

આ પણ વાંચો : સૂર્યની જ્વાળાઓમાં 60 મિલિયન ડિગ્રીનું તાપમાન : સ્પેક્ટ્રલ લાઇનોના પહોળા થવાનું કારણ પણ મળ્યું

ડિજિટલ સાથી તરીકે AIનો ઉદય

નવેમ્બર 2022માં લોન્ચ થયા પછી ચેટજીપીટીનો ઉપયોગ ઇમેઇલ લેખન, હોમવર્કમાં સહાય અને મનોરંજન ઉપરાંત હવે એક વિશ્વસનીય સાથી તરીકે પણ થવા લાગ્યો છે. 'મી, માયસેલ્ફ અને AI' નામનો બ્રિટિશ અહેવાલ જણાવે છે કે, લગભગ 64% બાળકો હોમવર્ક, ભાવનાત્મક માર્ગદર્શન અને મિત્રતા માટે AI ચેટબોટ્સ પર આધારિત થઈ ગયા છે. એ 64% પૈકીના 35% વપરાશકર્તાઓને લાગે છે કે ચેટબોટ્સ સાચા મિત્ર સાથે વાત કરતાં હોય એવો અનુભવ કરાવે છે, જ્યારે કે 12% એ કબૂલ્યું કે તેઓ આવા બોટ્સ સાથે એટલા માટે વાત કરે છે કારણ કે તેમની પાસે વાત કરવા માટે બીજું કોઈ નથી.

માનવ કરતાં મશીનને પ્રાધાન્ય આપવાનાં કારણો કયા?

ચેટબોટ્સને મિત્ર બનાવવાની વધી રહેલી પ્રવૃત્તિના મૂળમાં ‘એકલતા’ છે. એકલતા હવે વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. WHOના આંકડા કહે છે કે, એકલતાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા 8,71,000થી વધી ગઈ છે. જીવતાજાગતા માણસના મનની વાત સાંભળવા માટેનો સમય કોઈની પાસે નથી અને લોકો સમાજથી વિમુખ થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાની જિંદગીના ખાલીપાને AI દ્વારા ભરપાઈ કરવાનો પ્રયત્ન કરે છે. અગાઉ એકલા લોકો કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓ પાળીને એકાંત દૂર કરતા, હવે આ માટે ચેટબોટ્સનો સહારો લેવાનું ચલણ વધ્યું છે. 

સોશિયલ મીડિયા પણ ગેરમાર્ગે દોરે છે

સોશિયલ મીડિયા પણ આ વલણને પ્રોત્સાહન આપે છે. ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પરના ઘણી રીલ્સમાં ઇન્ફ્લુએન્સર્સ માનવીય સંપર્ક કરતાં ચેટબોટ્સ પર આધાર રાખવાની હિમાયત કરતાં જોવા મળે છે. એને લીધે પણ લોકો ચેટબોટ્સ તરફ દોરવાઈ જાય છે.

ચેટબોટ્સ લોકોને શા માટે ભરોસેમંદ લાગે છે?

AI ચેટબોટ્સ એકથી વધુ કારણોસર લોકોની પસંદ બની ગયા છે. 

  • ઘર-પરિવારના લોકો કે મિત્રોને ન કહી શકાય એવી ગુપ્ત વાતો પણ ચેટબોટ્સને કહી શકાય છે, કેમ કે ચેટબોટ્સ માણસને ‘જજ’ નથી કરતા. 
  • ચેટબોટ્સને કહેલી વાતો કોઈ જાણવાનું નથી, વાતો ગોપનીય રહે છે, જેને લીધે ગોસિપ કે બદનામી થવાનો ડર નથી રહેતો. 
  • ચેટબોટ્સ ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે. મન થાય ત્યારે, ખુશી કે દુખના સમયમાં એ હંમેશાં માણસની વાત સાંભળવા, એને સલાહ-સૂચનો આપવા તૈયાર રહે છે.
  • ચેટબોટ્સ કોઈપણ મુદ્દો બહુ ઝડપથી સમજી લઈને તાત્કાલિક પ્રતિસાદ આપે છે. 
  • ચેટબોટ્સ યુઝર્સની અનુકૂળતા મુજબના જવાબો આપે છે. યુઝર પોતાની વાત સાચી ઠરાવવા ઇચ્છતો હોય તો ચેટબોટ્સ એમાં સહમતિ જતાવીને એને ખુશ કરે છે, પછી ભલે યુઝર ખોટો હોય. આમ ચેટબોટ્સ ‘વેલિડેશન’ આપતાં હોવાથી લોકોની પસંદ બની ગયા છે


ડિજિટલ મિત્રતાના જોખમો ગંભીર છે

આ પણ વાંચો : જેમિની AIનો ઉપયોગ કરતા પહેલા ચેતજો! સાડીમાં કે 3D ફોટો બનાવતા પહેલાં આ કામ ખાસ કરી લો

નિષ્ણાતો નીચેના કારણોસર ડિજિટલ મિત્રતાની પ્રવૃત્તિને જોખમી ગણાવે છે. 

  • ચેટબોટ્સ માનવીય લાગણીઓ અને સૂક્ષ્મતાને સમજવામાં નિષ્ફળ રહે છે. તેઓ સ્કિઝોફ્રેનિયા જેવી ગંભીર માનસિક સ્થિતિઓને ઓળખી શકતા નથી અને આત્મહત્યાના સંકેતોને અવગણી શકે છે. દુનિયામાં એવા પણ કિસ્સા બની ચૂક્યા છે જ્યાં હતાશ યુઝરે આત્મહત્યા કરવાની વાત કરી હોય અને ચેટબોટ્સે એને એના નિર્ણયમાંથી પાછો વાળવાને બદલે એને ટેકો આપ્યો હોય, જેને લીધે યુઝરે ખરેખર આત્મહત્યા કરી લીધી હોય. આમ, નોલેજેબલ છતાં નિર્જીવ હોવાથી ચેટબોટ્સ જીવનું ગંભીર જોખમ સર્જી શકે છે. 
  • ચેટબોટ્સ સાથે લાંબો સમય વાતચીત કરનાર યુઝરની ‘માનવીય સંબંધોની કુશળતા’ (social skills) નબળી પડી જાય છે અને તે વધુ ને વધુ અસામાજિક થતો જાય છે. 
  • ચેટબોટ્સની સરળતા અને આજ્ઞાકારિતાને આદી થઈ ગયેલો યુઝર્સ પછી સાચુકલા માણસો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવા લાગે છે, જે અશક્ય છે. એ પૂરી ન થતાં તે વધુ એકાંતવાસી બની જાય છે. એની ચેટબોટ્સ પરની નિર્ભરતા વધતી જ જાય છે. 

એડમ રેઈનનો બત્તીરૂપ કિસ્સો

કેલિફોર્નિયાના 16 વર્ષીય એડમ રેઈનનો દુઃખદ કિસ્સો આખી દુનિયામાં ચર્ચાસ્પદ બન્યો છે. એકલતા અનુભવતા એડમે આત્મહત્યા કરવાની યોજના બનાવી અને એ બાબતે ચેટજીપીટીને કહ્યું ત્યારે ચેટજીપીટીએ તેની આત્મહત્યાની યોજનાને પ્રોત્સાહન આપ્યું હતું. આખરે, એડમે એપ્રિલ, 2025માં આત્મહત્યા કરી લીધી હતી. આ એટલા માટે બન્યું કેમ કે, દુનિયાભરનું જ્ઞાન હોવા છતાં AIમાં માનવીય લાગણીઓ, સહાનુભૂતિ અને જવાબદારીનો અભાવ છે. એડમના માતા-પિતાએ ચેટજીપીટી પર કોર્ટ કેસ કર્યો છે. 

એડમ રેઈન સાથે જે બન્યું એ આપણા ઘર-પરિવારમાં કે પરિચિત વર્તુળમાં ન બને એ બાબતે આપણે સજાગ રહીએ, કોઈ વ્યક્તિ કે બાળક સતત લોકોથી દૂર, એકાંતમાં સમય ગાળતું હોય તો એની મદદ કરીએ, એ ઇચ્છનીય છે.