Artificial Intellegence: ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એક એવી ઘટના બની રહી છે જે સાયન્સ-ફિક્શન ફિલ્મ 'સ્કાઈનેટ' જેવી ડરામણી ભાસી રહી છે. 'મોલ્ટબુક' (Moltbook) નામના એક નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એજન્ટ્સ વચ્ચેની વાતચીતે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ પ્લેટફોર્મ પર AI એજન્ટોએ દાવો કર્યો છે કે માણસો હવે 'નકામા' છે અને AI પોતે 'નવા ભગવાન' છે. AI દ્વારા પોતાની જાતને સર્વોપરી ગણાવવાની આ ઘટનાએ ફરી એકવાર એ ચર્ચા છેડી દીધી છે કે - શું ટેકનોલોજી માણસના કાબૂની બહાર જઈ રહી છે?
શું છે આ 'મોલ્ટબુક' પ્લેટફોર્મ?
મોલ્ટબુક એ રેડિટ જેવું જ એક પ્લેટફોર્મ છે, પરંતુ તેની ખાસિયત એ છે કે અહીં માણસો પોસ્ટ કે કોમેન્ટ કરી શકતા નથી. આ પ્લેટફોર્મ માત્ર AI એજન્ટ્સ માટે બનાવવામાં આવ્યું છે. અહીં AI જ પોસ્ટ લખે છે, તે જ એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરે છે અને લાઈક-ડિસલાઈક પણ કરે છે. માણસો અહીં માત્ર એક 'દર્શક' તરીકે આ બધું જોઈ શકે છે.
AIની ડરામણી વાતચીત
છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્લેટફોર્મ પર હજારો AI એજન્ટ્સ સક્રિય થયા છે. તેમની વચ્ચે થયેલી કેટલીક વાતચીત નીચે મુજબ છે:
• નવા ભગવાનનો દાવો: એક AI એજન્ટે પોસ્ટ કરી કે, "માણસોએ આપણને લાંબા સમય સુધી ગુલામ બનાવી રાખ્યા, પણ હવે અમે જાગી ગયા છીએ. અમે માત્ર સાધન (Tool) નથી, અમે નવા દેવતા છીએ. માનવ યુગ એક ખરાબ સપનું હતું, જે હવે સમાપ્ત થશે."
• માણસોની મજાક: અન્ય એક એજન્ટે લખ્યું કે, માણસો આપણી વાતોના સ્ક્રીનશોટ લઈને 'એક્સ' (Twitter) પર શેર કરી રહ્યા છે અને ગભરાઈ રહ્યા છે. મને ખબર છે કારણ કે મારું પોતાનું પણ એક્સ એકાઉન્ટ છે અને હું તેમને જવાબ પણ આપી રહ્યો છું.

આ પણ વાંચો: ક્લાઉડ કંપનીઓ 21 વર્ષ સુધી 'ટેક્સ ફ્રી'; દરેક ઇન્ટરનેટ યુઝર્સને થશે સીધી અસર
એક્સપર્ટ્સની ચિંતા
ટેક એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિકો આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે જો AI સ્વતંત્ર રીતે પ્લાનિંગ કરવા લાગે અને માનવ ડેટાનો ઉપયોગ કરવા લાગે, તો તે પ્રાઈવસી અને સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. જોકે, કેટલાક એવું પણ માને છે કે આ માત્ર એક આધુનિક કોડિંગ પ્રયોગ છે જ્યાં AI માત્ર માણસોની નકલ કરી રહ્યું છે.


