આઇફોન 17 પછી હવે 10 નવી પ્રોડક્ટ્સની તૈયારી, જુઓ શું લોન્ચ કરી રહ્યું છે એપલ...
Apple to Launch 10 New Products: એપલ દ્વારા હાલમાં જ આઇફોન 17 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે, પરંતુ પિક્ચર અભી બાકી હૈ. એપલ હવે આગામી દસ પ્રોડક્ટને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એમાંથી પાંચ કે એનાથી વધુ પ્રોડક્ટને આ વર્ષ જ લોન્ચ કરવામાં આવશે. બાકીની પ્રોડક્ટને 2026ની માર્ચ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચમાં એપલની નવી M5 ચિપવાળા આઇપેડ પ્રો અને વિઝન પ્રો હેડસેટની રાહ જોવામાં આવી રહી છે. આ સાથે જ U2 ચિપ આધારિત નવા એરટેગનો પણ લોન્ચ કરવામાં આવશે, જેનાથી એકદમ ચોક્કસ લોકેશન મેળવી શકાશે.
એપલ ટીવી અને હોમપોડ મિની પર નજર
એપલની સ્માર્ટ હોમ પ્રોડક્ટ એપલ ટીવી અને હોમપોડ મિનીના નવા વર્ઝનને લોન્ચ કરવામાં આવશે. આ બન્ને ડિવાઇસમાં નવા પ્રોસેસર અને એપલની પોતાની N1 નેટવર્કિંગ ચિપનો સમાવેશ કરવામાં આવશે. એપલ આઇફોન 17 ઇવેન્ટમાં આ ચિપને લોન્ચ કરવામાં આવી હતી. એપલ ટીવીમાં સિરી વોઇસ આસિસ્ટન્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. તેમ જ આગામી વર્ષે આવી રહેલા એપલ ઇન્ટેલિજન્સના ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. હોમપોડ મિની માટે કેટલાક નવા કલર પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
મેકબૂક પ્રો અને મેકબૂક એર થશે લોન્ચ
M5 ચિપનો સમાવેશ એપલ દ્વારા હવે મેકબૂક પ્રો અને મેકબૂક એરમાં પણ કરવામાં આવશે. આ બન્ને મેકબૂકને 2026ની માર્ચની આસપાસ લોન્ચ કરવામાં આવશે. મેકબૂક પ્રો મોટાભાગે એપલ દ્વારા ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવે છે. જોકે આ વર્ષે એપલ એમાં સમય લઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે મેકબૂક પ્રોની ડિઝાઇનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. મેકબૂક એરમાં પણ આ જ એજ જોવા મળશે. ડિસ્પ્લે અને પ્રોસેસરને બદલવામાં આવશે એવી ચર્ચા છે.
આ સાથે જ સ્ટુડિયો ડિસ્પ્લે અથવા તો પ્રો ડિસ્પ્લે XDR પર પણ કામ ચાલી રહ્યું છે. આ બન્ને મોનિટર 27 ઇંચના હોઈ શકે છે. આથી એ સ્ટુડિયો ડિસ્પ્લેનું નવું વર્ઝન અથવા તો તેની જગ્યા લઈ શકે છે.
આઇફોન 17e પણ થશે લોન્ચ
એપલ દ્વારા આઇફોન SEની જગ્યાએ હવે આઇફોન e સિરીઝ લોન્ચ કરવામાં આવે છે. આથી આઇફોન 16e બાદ હવે 17eને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. એમાં A19 ચિપસેટનો સમાવેશ કરવામાં આવશે. તેમ જ જૂના વર્ઝન કરતાં થોડા ઘણાં બદલાવ પણ કરવામાં આવી શકે છે. એપલ આ સાથે જ સિરી હબને પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સિરી હબને ગયા વર્ષે લોન્ચ કરવાનું પ્લાનિંગ હતું. જોકે એપલ ઇન્ટેલિજન્સ પર એ નિર્ભર હોવાથી એના લોન્ચને અટકાવવામાં આવ્યું હતું. સિરી પર હાલમાં નવેસરથી કામ કરવામાં આવી રહ્યું છે. આ નવા સિરીને iOS 26.4 દ્વારા લોન્ચ કરવામાં આવશે. એટલે કે ત્યાર બાદ સિરી હબને લોન્ચ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખુશખબર: મહિનાઓ પછી ઇન્સ્ટાગ્રામે વ્યૂઝની ફરિયાદનો ઉકેલ આપ્યો
15 સપ્ટેમ્બરે રિલીઝ થશે iOS 26
એપલ દ્વારા આઇફોન 17ની ઇવેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ iOS 26ને 15 સપ્ટેમ્બરે રજૂ કરશે. એટલે કે રાતે 10:30 વાગ્યે આ નવી ઓપરેટિંગ સિસ્ટમને રિલીઝ કરવામાં આવશે. યુઝર્સ આ માટે સેટિંગ્સમાં જઈને જનરલમાં જઈને સોફ્ટવેર અપડેટમાં જઈને એને અપડેટ કરી શકશે.