Get The App

સૌર ઊર્જાવાળા વિદ્યુત પ્રવાહી કણોના ભયંકર તોફાનથી પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટનું જોખમ

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
સૌર ઊર્જાવાળા વિદ્યુત પ્રવાહી કણોના ભયંકર તોફાનથી પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટનું જોખમ 1 - image

- ઇસરોએ રેડ સિગ્નલ  જારી કર્યો 

- સંદેશા વ્યવહાર, વીજળી પુરવઠો, ટેલિવિઝન, રેડિયો, રડારની કામગીરી ખોરવાઇ જાય  : ભારતના 50 કરતાં વધુ સેટેલાઇટ્સની ગતિવિધિનું  નિરીક્ષણ થઇ રહ્યું છે 

બેંગલુરુ : સૂર્યમાં ભયંકર ખળભળાટ થઇ રહ્યો હોવાથી તેની ધગધગતી સપાટી પરથી વિદ્યુતભારવાહી પદાર્થકણાનું તોફાન  છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવે તેવી શક્યતા છે. પરિણામે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થવાનું જોખમ સર્જાઇ શકે છે.આ પ્રકારની પરિસ્થિતિને ખગોળશાસ્ત્રની ભાષામાં સ્પેસ વેધર કહેવાય  છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ એવી ચેતવણી આપી છે કે સૂર્યમાંથી ભયાનક સૌર જ્વાળાઓ,  સૌર પવનો, વિદ્યુતભારવાહી પદાર્થકણોનું તોફાન છેક પૃથ્વી સુધી આવે તો રેડિયો બ્લેકઆઉટ (સંદેશા વ્યવહાર, વીજળી પુરવઠો, ટેલિવિઝન, રેડિયો, રડાર વગેરેની કામગીરી  ખોરવાઇ જાય)ની  ગંભીર પરિસ્થિતિ સર્જાવાનું જોખમ રહેવાની શક્યતા ખરી. ઉપરાંત, અંતરિક્ષમાં ગોળ ગોળ ઘુમતા સેટેલાઇટ્સની કામગીરીમાં પણ અવરોધ સર્જાય અથવા તો સેટેલાઇટ તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાંથી બહાર ફેંકાઇને તૂટી પણ જઇ શકે. 

 ઇસરો હાલ સૂર્યનારાયણમાં થઇ રહેલા અકળ અને ભયાનક ગતિવિધિનો અભ્યાસ કરે છે. સાથોસાથ અંતરિક્ષમાં તરતા ભારતના  ૫૦ કરતાં પણ વધુ સેટેલાઇટની કામગીરી પર પણ નજર રાખે છે. ઉપરાંત, ઇસરોના વિજ્ઞાાનીઓ આદિત્ય-એલ ૧ અવકાશયાન દ્વારા માહિતી અને ઇમેજીસ પણ મેળવી રહ્યા છે. આદિત્ય - એલ ૧ અવકાશયાન દ્વારા મળતી આવી માહિતીથી જાણકારી મળે છે કે સૂર્યમાંથી  ફેંકાતી સૌર જ્વાળાઓ અને વિદ્યુતભારવાહી પદાર્થકણો છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવી જાય તો પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ક્ષેત્ર)ને વિપરીત અસર થાય. પરિણામે અંતરિક્ષમાં તરતા સેટેલાઇટ્સ તેની નિશ્ચિત ભમણકક્ષામાંથી બહાર ફેંકાઇ જવાનું જોખમ રહે છે.

ઇસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (આઇએસટીઆરએસી)ના ડાયરેક્ટર અનિલ કુમારે એવી માહિતી આપી છે કે પૃથ્વી પરના દેશોમાં રેડિયો બ્લેકઆઉટ થવાની પૂરી શક્યતા છે.આ જ જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આપણા તમામ સેટેલાઇટસની ગતિવિધિનું બરાબર ધ્યાન રાખીએ છીએ. ઉપરાંત, ભારતમાં  સંદેશા વ્યવહારમાં કદાચ પણ અવરોધ સર્જાય તો પણ અમે તેનો  તરત જ ઉપાય કરીશું.   

સ્પેસ વેધરના નિષ્ણાત વિજ્ઞાાનીઓના કહેવા મુજબ સૂર્યમાં દર ૧૧ વર્ષે ભયંકર ખળભળાટ થાય છે. આદિત્યનારાયણ ભારે ક્રોધી થાય છે.  જોકે સૂર્યમાં  આવું મહાભયાનક તોફાન દર ૧૧ વર્ષે જ શા માટે અને ચોક્કસ કયાં કયાં પરિબળોને કારણે થાય છે તેની સચોટ માહિતી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને હજી સુધી નથી મળી.  આ તબક્કે  નભદેવતામાંથી સૌર જ્વાળાઓ, સૌર પવનો, વિદ્યુતભારવાહી પદાર્થકણોનું મહાભયાનક તોફાન સર્જાય છે. 

જોકે     સૂર્યમાંથી ફેંકાતી સૌર જ્વાળાઓ અને વિદ્યુતભારવાહી પદાર્થકણો પૃથ્વી પરની જીવ સૃષ્ટિ માટે    જોખમી નથી હોતાં. જોકે   વિવિધ પ્રકારની ટેકનોલોજી પર  ભારે વિપરીત અસર થાય છે. આમ  છતાં આવી  ઘેરી ચિંતાજનક પરિસ્થિતિ વિશે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ સજાગ થઇ ગયા છે.